શાહ-નડ્ડાના નેતૃત્વમાં BJPની મહત્વની બેઠક, લોકસભા ચૂંટણી માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાની ચૂંટણી રણનીતિ પર કામ કરવાનું શરુ કરી દીધું છે. લોકસભા ચૂંટણીની તૈયારી હેઠળ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) વચ્ચે આજે મહત્વની બેઠક થઈ હતી.
લોકસભા ચૂંટણીને ડોઢ વર્ષથી વધારે સમય બાકી છે પણ દેશની રાજકીય પાર્ટીઓએ તેના માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાની ચૂંટણી રણનીતિ પર કામ કરવાનું શરુ કરી દીધું છે. લોકસભા ચૂંટણીની તૈયારી હેઠળ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) વચ્ચે આજે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી એક સંતોષ પણ હાજર રહ્યા હતા. તેમણે ભારતની 144 લોકસભા બેઠક પર ભાજપને વધારે મજબૂત કરવાની કવાયત શરુ કરી છે. આ એ લોકસભા સીટો છે, જેના પર ગઈ ચૂંટણીમાં ભાજપ મામૂલી અંતરથી હારી ગઈ હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બુધવારથી ‘ભારત જોડો યાત્રા’ શરુ કરવા જઈ રહ્યા છે અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પણ વિપક્ષને એક કરવા દિલ્હીમં બેઠકો કરી રહ્યા છે. તે બધા વચ્ચે ભાજપની આ બેઠક ઘણી મહત્વની હતી. આ સમય દરેક પાર્ટી પોતાને મજબૂત કરવાની તૈયારીમાં વ્યસ્ત છે.
144 લોકસભા બેઠકો માટે બનાવાઈ અલગ રણનીતિ
ભાજપની આ બેઠકમાં જે લોકસભા બેઠક પર ચર્ચા થઈ, જેમાં ભાજપ 2019ની ચૂંટણીમાં થોડા વોટના અંતરથી હારી ગઈ હતી. આવી લોકસભા બેઠકોમાં એ બેઠકોનો પણ સમાવેશ થાય છે જે બેઠક પર ભાજપ 2 કે 3 ક્રમે રહ્યુ હતુ. તેમાં એવી બેઠકોને પણ સમાવી લેવામાં આવી હતી , જેના પર ભાજપે ક્યારેય જીત મેળવી નથી. આ બધા સ્તરની બેઠક માટે અલગ અલગ કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રીઓએ તે બેઠકો પર જીત મેળવવા માટેનો રિપોર્ટ આપવો પડશે. તેમણે આ બેઠકો પર ભાજપને જીતાડવા માટે જરુરી નિર્ણય અને પગલા વિશે પણ વિચાર રજુ કરવો પડશે. તેમણે ઓનગ્રાઉન્ડ જઈ આ કામ કરવું પડશે, કાર્યકર્તાઓને મળવું પડશે અને ઉમેદવારોના સોશિયલ મીડિયા એકાઉન્ટને મજબૂત બનાવું પડશે.
સંગઠન છે તો સરકાર છે- અમિત શાહ
લોકસભા માટેની યોજના હેઠળ ગૃહમંત્રીએ મંત્રીઓ અને પક્ષના નેતાઓને કડક શબ્દોમાં કહ્યું કે એક વાત દરેક વ્યક્તિએ સમજવી જોઈએ કે જો સંગઠન છે તો સરકાર છે, દરેક વ્યક્તિએ આ સમજવું જોઈએ. તેથી દરેકની જવાબદારી છે કે તેઓ પોતાના મંત્રી પદની જવાબદારીઓ સાથે બાંધછોડ કર્યા વિના સંસ્થાનું કાર્ય પૂર્ણ કરે. ગૃહમંત્રીએ આ વાત એટલા માટે કહી કારણ કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે મંત્રીઓ અને નેતાઓને લોકસભામાં પ્રવાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તેઓ પૂર્ણ થયા નથી. આ અંગે ગૃહમંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી.