RBI નો મોટો નિર્ણય! હવે UPI થી વિદેશમાં સીધા પૈસા મોકલી શકશો, માતા-પિતાની ચિંતા હવે દૂર
ભારતીય રિઝર્વ બેંકે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને કરોડો ભારતીયોને મોટી રાહત આપી છે. હવે UPI દ્વારા ઘરે બેઠા સીધા વિદેશમાં પૈસા મોકલી શકાય તેવી સુવિધા શરૂ કરવામાં આવશે.

હવે ભારતીયો તેમના ઘરેથી જ આંતરરાષ્ટ્રીય ડિજિટલ પેમેન્ટ કરી શકશે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) જણાવ્યું હતું કે, ભારતના UPI ને યુરોપના TIPS (ટાર્ગેટેડ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સેટલમેન્ટ) સાથે જોડવાની પહેલ ઝડપથી આગળ વધી રહી છે. એકવાર UPI-TIPS ઇન્ટરલિંકેજ પ્રોસેસ પૂર્ણ થઈ ગયા પછી ભારતીયો આરામથી યુરોપમાં ડિજિટલ રીતે પૈસા મોકલી શકશે.
ભારતીય UPI સિસ્ટમ યુરોપની TIPS સાથે જોડાશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભારતમાંથી યુરોપમાં પૈસા મોકલવાનું પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી બનશે. RBI, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે (NIPL) યુરોપિયન સેન્ટ્રલ બેંકના સહયોગથી ભારતીય UPI સિસ્ટમને યુરોપની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ (TIPS) સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. RBI ‘ગ્લોબલ ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ’ સુધારવા માટે આને G20 રોડમેપનો ભાગ ગણાવી રહ્યું છે.
RBI ના જણાવ્યા અનુસાર, બંને પક્ષો હવે UPI-TIPS ઇન્ટરલિંકના અમલના તબક્કામાં પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, ભારતનું UPI પ્લેટફોર્મ NPCI દ્વારા ચલાવવામાં આવે છે અને તે દર મહિને 20 અબજથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે, જેની કુલ વેલ્યૂ લગભગ 27 લાખ કરોડ રૂપિયા છે.
વધારાના ચાર્જથી રાહત
તાજેતરમાં વિશ્વભરના અન્ય ઇન્સ્ટન્ટ પેમેન્ટ નેટવર્ક્સ સાથે UPI ને જોડવાના પ્રયાસો ઝડપી બન્યા છે. આનાથી ભારતીય નાગરિકો વિદેશમાં પેમેન્ટ કરવામાં અથવા તો પૈસા મોકલવામાં વધારાના ચાર્જ તેમજ સમયની મર્યાદાનો સામનો કરવાથી બચી શકશે.
RBI જણાવે છે કે, આ લિંક ભારત અને યુરોપિયન પ્રદેશના યુઝર્સ માટે ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સને સરળ બનાવશે. આ ઇન્ટરલિંકિંગ યુરોપમાં રહેતા ભારતીયો અને ભારતમાં યુરોપિયન નાગરિકો બંને માટે સમય તેમજ ખર્ચ બચાવશે.
ડિજિટલ પેમેન્ટમાં આવશે નવી ક્રાંતિ
વધુમાં, ભારતીયો હવે UPI નો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય લેવલે ડિજિટલ પેમેન્ટ કરી શકશે. આ પગલું ગ્લોબલ લેવલે ભારતના ડિજિટલ પેમેન્ટ મોડેલને મજબૂત બનાવવા માટેનું એક લેન્ડમાર્ક માનવામાં આવી રહ્યું છે.
