Modi Govt@8 : મોદી સરકારના 8 ક્રાંતિકારી નિર્ણયો, જેના કારણે થઈ દેશની કાયાપલટ

છેલ્લાં આઠ વર્ષમાં નરેન્દ્ર મોદી (Narendra Modi)સરકારે નાણાંકીય, આરોગ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ સમાજના વિવિધ વર્ગોને લાભ આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે.

Modi Govt@8 : મોદી સરકારના 8 ક્રાંતિકારી નિર્ણયો, જેના કારણે થઈ દેશની કાયાપલટ
PM Modi Revolutionary decisions
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

May 25, 2022 | 11:36 PM

PM નરેન્દ્ર મોદીની(PM Modi) સરકારને આજે (26 મે 2022) આઠ વર્ષ પૂર્ણ થયા છે. આ આઠ વર્ષોમાં મોદી સરકારે સામાન્ય વર્ગ માટે ઘણી ક્રાંતિકારી યોજનાઓ શરૂ કરી જેને કારણે જરૂરિયાતમંદોને સીધો ફાયદો થયો. કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓના કારણે આવનારી પેઢી વડાપ્રધાન મોદીને ઈતિહાસમાં હંમેશા યાદ કરશે. છેલ્લા આઠ વર્ષમાં નરેન્દ્ર મોદી (Narendra Modi)સરકારે નાણાંકીય, આરોગ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ સમાજના વિવિધ વર્ગોને સીધો લાભ આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવા પર અમે તમને મોદી સરકારના 8 ક્રાંતિકારી નિર્ણયો વિશે જણાવીશુ.

1.સ્વચ્છ ભારત અભિયાન

મોદી સરકાર દ્વારા વર્ષ 2014 માં ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા અને ઘન કચરા વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું હતુ. સ્વચ્છ ભારત મિશનનો તબક્કો 1 ઓક્ટોબર 2019 સુધી ચાલ્યો હતો.ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ, આ મિશનનો હેતુ શૌચાલયોના નિર્માણ દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ, 2 ઓક્ટોબર 2019 સુધીમાં “ખુલ્લામાં શૌચ મુક્ત” ભારત હાંસલ કરવાનો હતો. આ સમયગાળામાં અંદાજિત 89.9 મિલિયન શૌચાલય બનાવવામાં આવ્યા હતા.

2.પ્રધાનમંત્રી આવાસ યોજના

2015 માં શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને પોતાનાં આવાસો રાખવા માટે સહાય પૂરી પાડે છે.પ્રધાનમંત્રી આવાસ યોજનાની સૌથી મહત્વપૂર્ણ બાબત એ સરકાર દ્વારા આપવામાં આવતી 2.67 લાખ રૂપિયાની સબસિડી છે, જે પ્રોત્સાહન તરીકે કામ કરે છે. PMAY યોજના અંતર્ગત સરકાર પોતાનું ઘર બનાવવા માંગતા દરેકને સહાય પૂરી પાડે છે. આ યોજનાને કારણે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર મદદ કરે છે.

3.ઉજ્જવલા યોજના

ઉજ્જવલા યોજના વર્ષ 2016 માં લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે ગરીબી રેખા (BPL) ની નીચેની 5 કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રાંધણ ગેસ (LPG) કનેક્શન પૂરા પાડે છે. આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે.જ્યારે ઉજ્જવલા 2.0 હેઠ, લાભાર્થીઓને ફ્રી એલપીજી કનેક્શન સાથે પ્રથમ રિફિલ અને હોટપ્લેટ મફત આપવામાં આવે છે.ગ્રામીણ વિસ્તારમાં રહેતી જરૂરિયાતમંદ સ્ત્રીઓને આ યોજના વરદાન રૂપ સાબિત થઈ રહી છે.

4.આયુષ્યમાન ભારત યોજના

મોદી સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya – PMJAY) શરૂ કરવામાં આવી છે. આ યોજનાને આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. PMJAY ની શરૂઆત 15 ઓગષ્ટ 2018 ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના 10 કરોડ પરિવારને લાભ મળી રહ્યો છે, તેમજ 50 કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળવાપાત્ર છે. આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થી પરિવારોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં તદ્દન મફત સારવાર મળશે.

5.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન સન્માન નિધિ) એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ રકમ એક વર્ષમાં ત્રણ અલગ-અલગ હપ્તાઓમાં રકમ જરૂરિયાતમંદ ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્વારા જરૂરિયાતમંદ ખેડૂતોની મદદ કરવામાં આવે છે. 1લી ડિસેમ્બર 2018થી અમલમાં આવેલ આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.

6.વન નેશન, વન કાર્ડ

સમગ્ર દેશમાં રેશનકાર્ડ માટે 1 જૂન 2020થી વન નેશન વન કાર્ડની યોજના લાગુ કરવામાં આવી છે. આ સ્કીમનો ફાયદો થશે કે રાશન કાર્ડ કોઇ પણ રાજ્યમાં બનેલું હોય તેનું રાશન ખરીદવા માટેનો ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઇ શકે છે. તેના કારણે ગરીબોને ઘણો ફાયદો થશે. રાશન કાર્ડ ધારકોને પાંચ કિલો ચોખા ત્રણ રૂપિયા કિલોનાં દરથી અને ઘઉ બે રૂપિયા કિલોના દરથી મળે છે. ઉપરાંત આ કાર્ડ બે ભાષામાં સ્થાનીક ભાષા અને હિન્દી અથવા અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.આ યોજનાનો સૌથી વધુ ફાયદો પરપ્રાંતિય મજુરોને થઈ રહ્યો છે.

7.’નલ સે જલ’ યોજના

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ગ્રામજનોને દિવસમાં 2 વખત શુદ્ધ પાણી આપવામાં આવે છે. જેના કારણે લોકોને પાણી માટે રઝળપાટમાંથી મુક્તિ મળી છે.

8.જનધન યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014ના રોજ જનધન યોજનાની જાહેરાત કરી હતી. જેને હેતુ દેશના લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો હતો. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 44 કરોડથી વધુ લોકોના બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. શિષ્યવૃત્તિ, સબસિડી, પેન્શન અને કોવિડ રાહત ભંડોળ જેવા લાભો ડીબીટી દ્વારા જનધન ખાતાઓ સહિત બેંક ખાતાઓમાં જમા થાય છે. આંકડા મુજબ ગ્રામીણ અને અર્ધ શહેરી બેંક શાખાઓમાં 29.54 કરોડ જનધન ખાતા રાખવામાં આવ્યા હતા. 29 ડિસેમ્બર, 2021 સુધીમાં લગભગ 24.61 કરોડ ખાતાધારકો મહિલાઓ હતી. યોજનાના પ્રથમ વર્ષ દરમિયાન 17.90 કરોડ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati