Maharashtra : વડાપ્રધાનની 12 કરોડની મર્સિડીઝ બેન્ઝને લઈને શિવસેના સાંસદે PM મોદીને આડે હાથ લીધા
શિવસેના સાંસદે PM મોદી પર સામનામાં શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે, 'મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા વગરે...શરૂ કરનાર મોદીજી વિદેશમાં ઉત્પાદિત વાહનોનો ઉપયોગ કરે છે.
Maharashtra : શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) શિવસેનાના મુખપત્ર ‘સામના’માં PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર આકરા પ્રહારો કર્યા છે. નવા વર્ષમાં લખાયેલા આ પહેલા લેખમાં સંજય રાઉતે ફરી એકવાર કેન્દ્ર સરકારની (Central Government) નીતિઓ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો, મોંઘવારી, બેરોજગારી, રાત્રિ કરફ્યુ, આગામી વિધાનસભા ચૂંટણી જેવા મુદ્દાઓ પર ઘેર્યા છે.
શું 2022માં કોઈ આશાનું કિરણ હશે ?
સંજય રાઉતે લખ્યું છે કે, ‘વર્ષ 2021 પસાર થઈ ગયું, પરંતુ શું 2022માં કોઈ આશાનું કિરણ હશે ? મોંઘવારી અને બેરોજગારીનો કોઈ ઉકેલ નથી. હવે વડાપ્રધાન મોદી માટે 12 કરોડ રૂપિયાની નવી મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદવામાં આવી છે. સરકાર આવી મોંઘી દાટ ગાડીઓમાં પ્રવાસ કરી રહી છે.
સેવક હોવાનો દાવો કરનારા PM મોદીએ વિદેશી મોડલની કાર ખરીદી
વધુમાં શિવસેનાના સાંસદે લખ્યું છે કે, ‘ પ્રધાન સેવક હોવાનો દાવો કરનારા પીએમ મોદીએ વિદેશી મોડલની(Foreign Model) કાર ખરીદી. પીએમની સુરક્ષા, આરામ મહત્વપૂર્ણ છે. પરંતુ આ પછી સેવક ફકીર હોવાનો દાવો કરશો નહીં. પીએમ મોદી જેમણે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, (Start UP India) સ્વદેશી વગેરે જેવા ઉપક્રમો શરૂ કર્યા. તેઓ વિદેશમાં ઉત્પાદિત વાહનોનો ઉપયોગ કરે છે. પંડિત નેહરુ હંમેશા હિન્દુસ્તાની મોડલની એમ્બેસેડર કારનો ઉપયોગ કરતા હતા.
શું ખરેખર 12 કરોડની બુલેટપ્રુફ ગાડી જરૂરી છે ?
વડાપ્રધાનની સુરક્ષા માટે આવા બુલેટ પ્રૂફ, બોમ્બ પ્રૂફ વાહન જરૂરી હોવાની દલીલ પર સંજય રાઉતે કહ્યું, ‘ભાગલા પછી નહેરુનું જીવન સૌથી વધુ જોખમમાં હતું. મહાત્મા ગાંધીએ (Mahatma Gandhi) લોહિયાળ હુમલાનો નિર્ભયતાથી સામનો કર્યો. ઈન્દિરા ગાંધીએ તેમના જીવને મોટો ખતરો હોવા છતાં તેમની સુરક્ષા વ્યવસ્થામાં શીખ અંગરક્ષકોની બદલી કરી ન હતી.આ સંદર્ભમાં વડાપ્રધાન મોદીની 12 કરોડની બુલેટપ્રુફ, બોમ્બપ્રુફ કાર ખરેખર મહત્વની છે?
સાથે જ સંજય રાઉતે નવા વર્ષની શુભકામનાઓ આપતી વખતે સામાન્ય જનતાને એક વિનંતી કરી છે કે જે પણ થયું તે પૂરતું થઈ ગયું. વર્ષ 2022 માં સમજદાર બનો. રાજકારણીઓ અને મંત્રીઓ રોજ જૂઠું બોલે છે. તેમને એટલી ગંભીરતાથી ન લો, કારણ કે અંતે ખોટા લોકોને હોદો આપવાનું કામ પણ તમારા જ હાથે થાય છે.
આ પણ વાંચો : આ ભીડ ભારે પડશે : પુણેના જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચ્યા હજારો લોકો, પાંચ મુલાકાતીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ