નવી વાઈન પોલિસી મુદ્દે રાજકારણ: BJP નેતાના આરોપ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કર્યો વળતો પ્રહાર
કિરીટ સોમૈયાએ જણાવ્યુ કે, સંજય રાઉત મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિ અશોક ગર્ગની મેગ્પી ગ્લોબલ લિમિટેડ નામની વાઈન કંપનીમાં ભાગીદારી ધરાવે છે.
Maharashtra : મહારાષ્ટ્ર સરકાર દ્વારા વાઈનની નવી પોલિસી અમલમાં મુકતા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ (Kirit Somaiya) શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્રકારો સાથે વાત કરતા કિરીટ સોમૈયાએ જણાવ્યુ કે, સંજય રાઉત મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિ અશોક ગર્ગની મેગ્પી ગ્લોબલ લિમિટેડ નામની વાઈન કંપનીમાં ભાગીદારી ધરાવે છે.
કિરીટ સોમૈયાએ રાઉત પર સાધ્યુ નિશાન
આ વાઇનના બિઝનેસમાં તેમનું મોટું રોકાણ છે. સંજય રાઉતની બંને પુત્રીઓ અને પત્ની કંપનીમાં ડિરેક્ટરના પદ પર છે. આ કંપની પબ, ક્લબ, હોટેલ અને વાઈન ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ ધરાવે છે. વાઈન બિઝનેસમાં જંગી રોકાણને કારણે સંજય રાઉતે મોલ્સ અને કરિયાણાની દુકાનોમાં વાઈન વેચવાની મંજૂરી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે.
કિરીટ સોમૈયાએ કહ્યુ, ’16 એપ્રિલ 2021ના રોજ સંજય રાઉતના પરિવારે આ કંપની સાથે કરાર કર્યો છે. સંજય રાઉતની બે દીકરીઓ આ કંપનીમાં ડિરેક્ટર છે. વધુમાં સોમૈયાએ કહ્યુ કે જો તેમના આરોપ ખોટા છે તો સંજય રાઉત તેને ખોટા સાબિત કરીને બતાવો. ત્યારે આ હુમલા પર સંજય રાઉતે પણ વળતો જવાબ આપ્યો છે.
શું કિરીટ સોમૈયાના બાળકો ચણા વેચે છે ?-સંજય રાઉત
કિરીટ સોમૈયાના આરોપોના જવાબમા સંજય રાઉતે કહ્યુ, ‘શું કિરીટ સોમૈયાના બાળકો ચણા વેચે છે ? શું અમિત શાહના પુત્ર કેળા વેચે છે ? કે દેવેન્દ્ર ફડણવીસ કે બીજેપીના અન્ય નેતાઓના બાળકો ડાન્સબારમાં બેઠા છે ? જો મારો વાઈનરીનો ધંધો હોય તો ભાજપના નેતાઓને પોતાના કબજામાં લઈ લો અને ચલાવો. મારી દીકરીઓ એક કંપનીમાં ડિરેક્ટર છે, તો શું ખોટું છે. કમ સે કમ ભાજપના નેતાના બાળકની જેમ ડ્રગ્સના ધંધામાં તો નથી ને…. !
સંજય રાઉતે કર્યા આકરા પ્રહાર
વધુમાં સંજય રાઉતે વાઈન બિઝનેસ સાથે જોડાયેલા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથેના સંબંધોને વ્યક્ત કરતા કહ્યુ કે, ‘હા, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ અશોક ગર્ગ અમારા મિત્ર છે. તો શું ? જો કોઈ વ્યક્તિ, કુટુંબ કોઈ પ્રકારનો ધંધો કરે, કોઈ કામ કરે તો શું તે ગુનો કરે છે ? શું મેં તેમની સાથે મિત્રતા કરીને ગુનો કર્યો છે ? ભાજપના કેટલા નેતાઓની વાઈનરી અને સુગર મિલો છે તે પણ જાણો. તમે અમારા બાળકો વિશે વાત કરો છો. મહારાષ્ટ્રના રાજકારણની આ સંસ્કૃતિ નથી. આ બધુ મહારાષ્ટ્રના રાજકારણમાં નહીં ચાલે.
આ પણ વાંચો : Mumbai- Pune હાઈવે પર ગંભીર અકસ્માત, પાંચ લોકોના ઘટના સ્થળે મોત થતા ચકચાર