શું મહારાષ્ટ્રની બહાર પણ કોંગ્રેસ અને શિવસેના કરશે ગઠબંધન ? પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતે આપ્યા સંકેત
સાંસદ રાઉતે કહ્યું કે, બંને પક્ષો આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં સાથે મળીને કામ કરવાનું વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત સોનિયા ગાંધીના નિવાસસ્થાને લગભગ એક કલાક સુધી ચાલી હતી.
Maharashtra : કોંગ્રેસ અને શિવસેનાનું ગઠબંધન હવે મહારાષ્ટ્રની બહાર અન્ય રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને (Priyanka Gandhi) મળ્યા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) સંકેત આપ્યો કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને ગોવામાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. હવે આગામી ચૂંટણીમાં બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડે તો નવાઈ નહી.
સાંસદ રાઉતે કહ્યું કે, બંને પક્ષો આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં (Assembly Election) સાથે મળીને કામ કરવાનું વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત સોનિયા ગાંધીના નિવાસસ્થાને લગભગ એક કલાક સુધી ચાલી હતી.
ચૂંટણી પહેલા રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો
બેઠક બાદ સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) સાથે વાતચીત કર્યા બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. રાઉતે વધુમાં કહ્યું કે, પ્રિયંકા ગાંધી સાથેની તેમની સકારાત્મક બેઠક હતી. ત્યારે હાલ ઉત્તર પ્રદેશ અને ગોવામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે. મળતા અહેવાલ મુજબ,શિવસેના અને કોંગ્રેસ ઉત્તર પ્રદેશ અને ગોવામાં સાથે મળીને ચૂંટણી લડશે.
કોંગ્રેસ વગર કોઈ વિપક્ષી મોરચો ન હોઈ શકે !
આ પહેલા મંગળવારે શિવસેનાના સાંસદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને(Rahul Gandhi) મળ્યા હતા. રાહુલ ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું હતુ કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિના વિપક્ષી મોરચો બની શકે નહીં. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, ગોવા સહિત કુલ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
મમતા બેનર્જી કોંગ્રેસ પર સતત સવાલો ઉઠાવી રહી છે
હાલમાં મમતા બેનર્જી (Mamta Banerjee) સતત વિપક્ષના નેતાઓને મળી રહ્યા છે, પરંતુ તેઓ કોંગ્રેસ પર જબરદસ્ત પ્રહારો કરી રહ્યાં છે. આ જ કારણ છે કે મમતા બેનર્જી કોંગ્રેસ વગર નવો મોરચો બનાવવાની તૈયારી કરી રહ્યા હોવાની અટકળો વારંવાર થઈ રહી છે. તાજેતરમાં મમતા બેનર્જીની મુંબઈ મુલાકાત દરમિયાન તેમણે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.તેમજ દીદીએ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સાથે મુલાકાત પણ કરી હતી.
આ પણ વાંચો : IKEA Store : આજે દક્ષિણ મુંબઈમાં ખુલશે IKEAનો સ્ટોર, દેશનો પ્રથમ નાના કદનો સ્ટોર