હિંસાનો માર્ગ છોડીને આત્મસમર્પણ કર્યું, હવે પોલીસની મદદથી પૂર્વ નક્સલવાદી મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક, ફિનાઈલની બ્રાન્ડ કરી લોન્ચ
પોલીસે કહ્યું કે ગઢચિરોલી પોલીસ વિભાગ આ એસએચજીને તેના ઉત્પાદનના માર્કેટિંગમાં મદદ કરશે. આ ઉપરાંત સ્વસહાય જૂથોને વિવિધ સરકારી અને બિન-સરકારી વિભાગોમાંથી ફિનાઈલના ઓર્ડર પણ મળ્યા છે.
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આત્મસમર્પણ કરનારી નક્સલવાદી મહિલાઓ સ્થાનિક પોલીસની કલ્યાણકારી પહેલને કારણે ફ્લોર ક્લિનિંગ ફિનાઈલના વ્યવસાયમાં જોડાઈને ઉદ્યોગ સાહસિક બની છે. ગઢચિરોલી પોલીસના જણાવ્યા અનુસાર 10 મહિલાઓ અને એક પુરુષ સહિત 11 પૂર્વ માઓવાદીઓને ફિનાઈલ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને હવે તેઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આ ફિનાઈલ ‘ક્લીન 101’ બ્રાન્ડ નામથી વેચાય છે.
ગઢચિરોલીના પોલીસ અધિક્ષક અંકિત ગોયલની પહેલ પર આત્મસમર્પણ કરનારી મહિલા નક્સલવાદીઓ માટે ‘નવજીવન ઉત્પાદક સંઘ’ નામનું સ્વ-સહાય જૂથ (SHG) શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ‘ક્લીન 101’ ફિનાઈલ ખૂબ જ સારી ગુણવત્તાની છે અને તેની કિંમત અન્ય બ્રાન્ડની સરખામણીમાં ઘણી ઓછી છે.
ફિનાઈલનો મળ્યો ઓર્ડર
પોલીસે કહ્યું કે ગઢચિરોલી પોલીસ વિભાગ આ એસએચજીને તેના ઉત્પાદનના માર્કેટિંગમાં મદદ કરશે. આ ઉપરાંત સ્વસહાય જૂથોને વિવિધ સરકારી અને બિન-સરકારી વિભાગોમાંથી ફિનાઈલના ઓર્ડર પણ મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રના અકોલામાં આવેલ ડૉ. પંજાબરાવ દેશમુખ કૃષિ વિદ્યાપીઠે એસએચજી પાસેથી 200 લિટર ‘ક્લિન 101’ ફિનાઈલ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે.
આત્મ સમર્પણ બાદ આપવામાં આવી તાલીમ
પોલીસ અધિક્ષક અંકિત ગોયલે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે “સમર્પણ કરનારી નક્સલી મહિલાઓને સ્વ-સહાય જૂથમાં સંગઠિત કરવામાં આવી હતી અને વર્ધામાં એમજીઆઈઆરઆઈમાં તાલીમ આપવામાં આવી હતી. તેમની પ્રથમ પ્રોડક્ટ ‘ક્લીન 101’ ફ્લોર ક્લીનર તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી. અમે શરૂઆતના થોડા મહિનાઓ દરમિયાન તેમને મદદ કરીશું. ફિનાઈલના પ્રારંભિક વેચાણના ઓર્ડર મહિલાઓ માટે ખૂબ જ પ્રોત્સાહક છે.”
નક્સલવાદીઓએ બંધનું એલાન કર્યું
તાજેતરમાં ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં પોલીસે 27 નક્સલીઓને ઠાર કર્યા હતા. હવે કાંકેરમાં નક્સલવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિના પ્રવક્તા અભયે આ એન્કાઉન્ટર અંગે એક પ્રેસ નોટ જાહેર કરી છે. ત્રણ પાનાની આ પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે 27 નક્સલવાદીઓની યાદમાં 27 નવેમ્બરે બંધનું એલાન આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંધ રહેશે.
આ પણ વાંચો : Maharashtra : “રાજ્ય સરકાર મતની રાજનીતિ કરી રહી છે”, અમરાવતી હિંસાની તપાસને લઈને દેવેન્દ્ર ફડણવીસનો ચોંકાવનારો દાવો