કોલેજોની લાલિયાવાડી : ટોચની આ યુનિવર્સિટી સંલગ્ન 178 કોલેજોમાં પ્રિન્સિપાલ જ નથી, RTI દ્વારા થયો ચોંકાવનારો ખુલાસો
તમને જાણીને આશ્વર્ય થશે પરંતુ મુંબઈ યૂનિવર્સિટી સંલગ્ન 727 કોલેજોમાંથી 178 કોલેજો પ્રિન્સિપાલ વિના જ ચાલી રહી છે.
Mumbai : મુંબઈ યુનિવર્સિટીએ દેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ટોચની કક્ષાની યુનિવર્સિટી(Mumbai University) તરીકે જાણીતી છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ (Education) લેવા આવે છે. પરંતુ RTI એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન 178 કોલેજોમાં પ્રિન્સિપાલ નથી.
RTI દ્વારા થયો ચોંકાવનારો ખુલાસો
જી હા તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ કોલેજો પ્રિન્સિપાલ(Principal) વગર પદાધિકારીઓ અને કર્મચારીઓના આધારે જ ચાલી રહી છે. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અનિલ ગલગલીએ મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલોને લગતી યાદી માંગી હતી. જેને પગલે મુંબઈ યુનિવર્સિટીના રેકગ્નિશન વિભાગે 38 પાનાની યાદી તેમને આપી છે.
આ યાદીમાં 808 કોલેજોના નામ છે જે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. RTI દ્વારા મળેલી માહિતી મુજબ આમાંથી 81 કોલેજોમાં પ્રિન્સિપાલની જગ્યા નથી. અહીં પ્રિન્સિપાલની જગ્યાએ ડાયરેક્ટરની જગ્યા છે. બાકીની 727 કોલેજોમાંથી 178 કોલેજો પ્રિન્સિપાલ વિના જ ચાલી રહી છે.એટલુ જ નહી 23 કોલેજો અંગે યુનિવર્સિટી પાસે કોઈ રેકોર્ડ પણ નથી.
આ કોલેજોમાં ચાલી રહી છે લાલિયાવાડી…!
જે કોલેજોમાં પ્રિન્સિપાલ જેવી અતિ મહત્વની જગ્યા ખાલી છે અને જે પદાધિકારીઓ અને સ્ટાફની મદદથી ચાલી રહી છે તેમાં ઘણી જાણીતી કોલેજોના નામ સામેલ છે. આવી યાદીમાં કેજે સોમૈયા, ઠાકુર એજ્યુકેશનલ ટ્રસ્ટ, શહીદ કલાની મેમોરિયલ ટ્રસ્ટ, તલરેજા કોલેજ, વર્તક કોલેજ, બોમ્બે ફ્લાઈંગ ક્લબ કોલેજ, રામજી અસાર કોલેજ, ગુરુ નાનક કોલેજ ભાંડુપ, શેઠ એનકેટીટી કોલેજ, જીતેન્દ્ર ચૌહાણ કોલેજ, માંજરા કોલેજનો સમાવેશ થાય છે.
તપાસની માંગ કરવામાં આવી
અનિલ ગલગલીના જણાવ્યા અનુસાર, આવી કોલેજો સામે પગલાં લેવાની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંત અને મુંબઈ યુનિવર્સિટીના કુલપતિ સુહાસ પેડનેકરની નૈતિક જવાબદારી છે. નવા અભ્યાસક્રમને મંજૂરી આપતી વખતે ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી અને કુલપતિએ કયા આધારે દરખાસ્તને મંજૂરી આપી અને જ્યારે પ્રિન્સિપાલ જ નથી ત્યારે આવી કોલેજોમાં નવા અભ્યાસક્રમને કયા આધારે મંજૂરી આપવામાં આવી ? શું આ કોલેજોમાં દલાલોનો દબદબો વધ્યો છે ? આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ થાય તે જરૂરી છે.
આ પણ વાંચો : NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં લેબ એટેન્ડન્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, 1925 જગ્યાઓ પર કરાશે ભરતી
આ પણ વાંચો : Railtel Recruitment 2022: રેલટેલમાં ઘણી જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, અહીં જુઓ તમામ વિગતો