Mumbai : ગેટ વે ઓફ ઇન્ડિયા પર્યટકો માટે બંધ, રાયગઢમાં શંકાસ્પદ બોટ મળી આવ્યા બાદ સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય
બોટમાંથી(Boat ) ત્રણ એકે 47 રાઈફલ અને ઘણાં કારતૂસ મળી આવ્યા હતા. આ પછી રાજ્ય પ્રશાસને મુંબઈ સહિત રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું હતું.

ગેટવે ઓફ ઈન્ડિયાને સામાન્ય પ્રવાસીઓ(Tourist ) માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મુંબઈને(Mumbai ) અડીને આવેલા રાયગઢ (Raigadh )જિલ્લાના શ્રીવર્ધન તાલુકાના હરિહરેશ્વર બીચ પર છ દિવસ પહેલા એક શંકાસ્પદ બોટ મળી આવી હતી. આ બોટમાંથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, રક્ષણાત્મક પગલાંના ભાગરૂપે, મુંબઈ સ્થિત ગેટવે ઑફ ઈન્ડિયા પર પ્રવાસીઓનો પ્રવેશ આગામી કેટલાક દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી ન આવે ત્યાં સુધી અહીં પ્રવાસીઓનો પ્રવેશ બંધ રહેશે.
મુંબઈથી 300 કિમી દૂર આવેલા રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર સમુદ્ર કિનારે આજે છ દિવસ પહેલા માય લેડી હાન નામની એક શંકાસ્પદ બોટ મળી આવી હતી. જ્યારે આ બોટની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી ત્રણ એકે-47 રાઈફલ અને અનેક કારતુસ મળી આવ્યા હતા. આ પછી હવે મુંબઈના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંના એક ગેટવે ઓફ ઈન્ડિયાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર ATSએ આતંકી ઘટનાઓની શક્યતાને નકારી નથી
અહીંથી બોટ પર જવા માટે ટિકિટ કે પાસ હોય તેને જ જવા દેવામાં આવે છે. આ જગ્યા 26/11ના આતંકી હુમલાની સાક્ષી રહી છે. હરિહરેશ્વરના દરિયા કિનારે એક શંકાસ્પદ બોટ મળી આવવાના મામલામાં મહારાષ્ટ્ર ATSએ આર્મ્સ એક્ટ હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. મહારાષ્ટ્ર એટીએસ બોટ સંબંધિત કંપની સાથે વાત કરીને આ મામલે સત્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે. ATSએ અત્યાર સુધી કોઈ આતંકવાદી ઘટનાની શક્યતાને ન તો સ્વીકારી છે કે નકારી કાઢી છે. તેથી સાવચેતીના ભાગરૂપે ગેટવે ઓફ ઈન્ડિયાને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
રાજ્ય પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશ આપ્યા છે
ગયા અઠવાડિયે ગુરુવારે (18 ઓગસ્ટ) સવારે રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર-શ્રીવર્ધન બીચ પર એક શંકાસ્પદ બોટ મળી આવી હતી. આ બોટમાંથી ત્રણ એકે 47 રાઈફલ અને ઘણાં કારતૂસ મળી આવ્યા હતા. આ પછી રાજ્ય પ્રશાસને મુંબઈ સહિત રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું હતું. પરંતુ આ કેસમાં અધિકારીઓએ કોઈપણ આતંકવાદી કૃત્ય સાથે સંબંધિત પાસાઓનો ઉલ્લેખ કર્યો નથી. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ બોટ એક ઓસ્ટ્રેલિયન મહિલાની છે જે મસ્કતથી યુરોપ ભટકીને અહીં પહોંચી હતી. પરંતુ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશ આપ્યા હતા.