Maharastra : ઔરંગાબાદમાં આજે શક્તિ પ્રદર્શન, ઠાકરે-એનસીપીની રેલી, ભાજપ-શિવસેનાની સાવરકર ગૌરવ યાત્રા
એકનાથ શિંદે vs ઉદ્ધવ: આજે અહીં મહા વિકાસ આઘાડીની રેલી છે. તે જ સમયે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથે મળીને 'સાવરકર ગૌરવ યાત્રા' કાઢી રહી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં રસ ધરાવતા લોકો છત્રપતિ સંભાજીનગરમાં આજે યોજાનારી રેલી પર નજર રાખશે. આજે અહીં મહા વિકાસ આઘાડીની રેલી છે. તો બીજી બાજુ, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથે મળીને ‘સાવરકર ગૌરવ યાત્રા’ કાઢી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામ નવમી પછી મરાઠવાડાના સૌથી મોટા શહેરમાં તોફાનો અને આગચંપી થઈ હતી. આ શહેર પહેલા ઔરંગાબાદ તરીકે ઓળખાતું હતું.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ વીર સાવરકર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તાજેતરમાં સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ, રાહુલે કહ્યું, હતું કે તે ગાંધી છે સાવરકર નથી કે તેણે માફી માંગવી જોઈએ. તેમના આ નિવેદનનો ભાજપ તેમજ તેના જેવી વિચારધારા સાથે જોડાયેલા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
MVA રેલી અને સાવરકર ગૌરવ યાત્રાની વિશેષતા
MVA રેલી રવિવારે સાંજે મરાઠવાડા સંસ્કૃતિ મંડળ મેદાનમાં યોજાશે. તેને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે સંબોધિત કરશે.
ટ્વિટર પર જાહેર કરાયેલા વિડિયોમાં, શિવસેના (UBT) MLC અંબાદાસ દાનવેએ તેમના પક્ષના કાર્યકરોને રેલી માટે શાંતિપૂર્ણ રીતે ભેગા થવા કહ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, બે સમુદાયોને લડાવવાનો પ્રયાસ થઈ શકે છે.
ભાજપની ‘સાવરકર ગૌરવ યાત્રા’ સ્વર્ગસ્થ હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ના નામ પર રાખવામાં આવેલા ચોકથી શરૂ થશે. જ્યાં MVA રેલી થવાની છે ત્યાંથી તે માત્ર એક કિલોમીટર દૂર છે.
વીર સાવરકરના સન્માનમાં અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા તેમના પર થયેલા શાબ્દિક હુમલાના વિરોધમાં ભાજપ આ રેલી કાઢી રહ્યું છે. આ યાત્રા શહેરની ત્રણેય વિધાનસભા બેઠકોને આવરી લેશે. અને અહિલ્યાબાઈ હોલકર ચોક ખાતે સમાપ્ત થશે.
શહેરના કિરાડપુરા વિસ્તારમાં રામ નવમી દરમિયાન બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે તોફાનો અને આગચંપીની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તોફાનો દરમિયાન વાહનો સહિત અનેક સરકારી મિલકતોને નુકસાન થયું હતું.
સંભાજી નગર પોલીસ કમિશનર નિખિલ ગુપ્તા દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ રમખાણોના કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઈમરાન ખાન બિસ્મિલ્લા ખાન, સૈયદ કલીમ સૈયદ સલીમ, કરીમ સલીમ શેખ અને અનવર ખાન કાદર ખાનને પોલીસે પકડ્યા છે. તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને 3 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતનાતમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…