મુંબઈમાં ભર ઉનાળે અષાઢી માહોલ ! અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર મુંબઈ, થાણે અને રાયગઢ સહિત તેની આસપાસના વિસ્તારોમાં 30-40 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે અને હળવાથી મધ્યમ વરસાદ પડશે.
Maharashtra : આજે સવારથી મુંબઈ, થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે. જેના કારણે મુંબઈની લોકલ ટ્રેનો 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી છે. તો માર્ગો પર ટ્રાફિક પણ ધીમો પડી ગયો છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને પવનની ગતિ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
30-40 કિમી ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આપને જણાવી દઈએ કે,ગઈકાલે રાતથી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં અને આજે સવારથી ઘણી જગ્યાએ પડેલા કમોસમી વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એટલુ જ નહીં મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાં પણ ઘણા ધારાસભ્યો વિધાનસભા અને વિધાન પરિષદમાં મોડા પહોંચ્યા હતા. જેના કારણે અનેક મુદ્દાઓ પર ચર્ચા મોડી શરૂ થઈ હતી.
માર્ચ મહિનામાં મોસમનો મિજાજ બદલાયો
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના આઠ-નવ જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. આ પછી મુંબઈ અને તેની આસપાસ વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી હતી. તો સાથે મુંબઈ સેન્ટ્રલ અને વેસ્ટર્ન લોકલ ટ્રેનને પણ અસર થઈ છે,તો રસ્તાઓ પર પાણી ભરાયેલા પણ જોવા મળ્યા.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન
છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેડૂતોના પાકને ઘણુ નુકસાન થયુ છે. ખાસ કરીને નવ જિલ્લાને સૌથી વધુ નુકસાન થયુ છે. બે દિવસ પહેલા બીડમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં CM એકનાથ શિંદેએ આશ્વાસન આપ્યું હતું કે નુકસાનની વહેલી તકે ભરપાઈ કરવામાં આવશે અને બે દિવસમાં પંચનામાનુ કામ શરૂ કરી દેવામાં આવશે. કમોસમી વરસાદે ખેડૂતોને હાલ પાયમાલ કરી દીધા છે.