Maharashtra : રાજ્ય ચૂંટણી પંચનો મોટો નિર્ણય, આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આ બેઠકો પર નહીં યોજાય ચૂંટણી
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સંસ્થાઓમાં OBC અનામત બેઠકોની ચૂંટણી ભલે મોકૂફ રાખી હોય, પરંતુ અન્ય બેઠકોની ચૂંટણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે.
Maharashtra : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં OBC અનામત (OBC Reservation) પર પ્રતિબંધ મૂક્યા બાદ મહારાષ્ટ્રના રાજ્ય ચૂંટણી પંચે (Maharashtra State election Commission) મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, હવે આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં આ બેઠકોની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે જે અત્યાર સુધી OBC માટે અનામત હતી. રાજ્યની 106 નગર પંચાયતોની 344 OBC બેઠકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સંસ્થાઓમાં OBC અનામત બેઠકોની ચૂંટણી ભલે મોકૂફ રાખી હોય, પરંતુ અન્ય બેઠકોની ચૂંટણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે. રાજ્યની 106 નગરપાલિકાઓની કુલ 1 હજાર 802 બેઠકો માટે આ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
OBC અનામત બેઠકો પરની ચૂંટણી મોકૂફ
આ ઉપરાંત ભંડારા મ્યુનિસિપલ કાઉન્સિલની કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી. તેમાંથી 13 બેઠકો OBC માટે અનામત છે. આ બેઠકો પરની ચૂંટણી પણ હાલ મોકૂફ રાખવામાં આવી છે. ગોંદિયા જિલ્લા પરિષદની 53 માંથી 10 OBC બેઠકો પર ચૂંટણી પણ મોકૂફ રાખવામાં આવી છે. આ રીતે ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદની કુલ 23 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે નહિ.
પંચાયત સમિતિઓની વાત કરીએ તો ભંડારા અને ગોંદિયાની 15 પંચાયત સમિતિઓમાં કુલ 210 બેઠકો છે. જેમાંથી 45 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ 45 OBC સીટો પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની કુલ 5 હજાર 454 ગ્રામ પંચાયતોમાંથી 7,130 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. તે પૈકી OBC માટે અનામત બેઠકો પરની ચૂંટણીઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આગામી આદેશ મુજબ નિર્ણય લેવામાં આવશે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટના(Supreme Court) 6 ડિસેમ્બર 2021ના આદેશ અનુસાર, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને OBC ક્વોટા હેઠળની અનામત બેઠકો પર 21 ડિસેમ્બર 2021ના રોજ યોજાનારી પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, આ મુલતવી રાખવામાં આવેલી બેઠકો અંગેનો વધુ નિર્ણય સુપ્રીમ કોર્ટના આગામી આદેશ અનુસાર લેવામાં આવશે.