મહારાષ્ટ્રઃ શિરડીનું સાંઈ બાબા મંદિર આતંકવાદીઓના રડાર પર, દુબઈના આતંકવાદીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, શિરડી મંદિર ઉપરાંત દિલ્હીમાં સુદર્શન ટીવીની ઓફિસ પણ આંતકવાદીઓના નિશાન પર હતી.
Maharashtra : મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થળ શિરડી (Shirdi Sai baba Temple) પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, દુબઈથી (Dubai) ધરપકડ કરાયેલા આતંકીની પૂછપરછમાં આ વાત સામે આવી છે. આ આતંકીએ શિરડીમાં રેકી કરવા આવ્યો હોવાની કબૂલાત કરી છે. ગુજરાત ATS દ્વારા (Gujarat ATS) પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનના આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
આ આતંકવાદી જે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે તેનું નેટવર્ક પાકિસ્તાનમાં (Pakistan) છે.આતંકવાદીઓની પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે શિરડીના વતની અને હાલ દિલ્હીમાં એક હિન્દી ન્યૂઝ ચેનલના સંપાદકના ઘર અને ઓફિસ પર પણ રેકી કરી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ ગુજરાત ATSએ આતંકવાદીઓ પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે. આ પહેલા પણ શિરડી સંસ્થાનને ઘણી વખત ધમકીભર્યા કોલ અને મેઈલ આવ્યા છે. આ નવા ષડયંત્રના ખુલાસા બાદ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
શિરડીમાં સુદર્શન ટીવીના સંપાદકનુ ઘર પણ આંતકવાદીઓના રડાર પર
ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, શિરડીમાં મંદિર ઉપરાંત દિલ્હીમાં સુદર્શન ટીવીની ઓફિસમાં જઈને પણ રેકી કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીએ શિરડીમાં સુદર્શન ટીવીના સંપાદકના ઘરની રેકી કરા હોવાની કબૂલાત કરી છે.
આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી
તમને જણાવી દઈએ કે, દુબઈથી ધરપકડ કરાયેલા આરોપીઓના નામ મૌલાના શબ્બીર પઠાણ, અયુબ ઝાબરાવાલા, મૌલાના ગની ઉસ્માની છે. આ લોકોએ સુરેશ ચૌહાણના શિરડીના ઘરની રેકી કરી હોવાની કબૂલાત કરી છે. આ આરોપીઓ પાસેથી ગેરકાયદેસર હથિયારો, વિસ્ફોટકો મળી આવ્યા છે. ગુજરાત ATSના દાવા મુજબ પકડાયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન સાથે સંબંધિત છે. હાલમાં પકડાયેલા તમામ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Maharashtra: સ્પેશિયલ NIA કોર્ટે CBIને સચિન વાજેની પૂછપરછ કરવાની આપી મંજૂરી, 15 અને 16 ફેબ્રુઆરીએ થશે પૂછપરછ