Maharashtra: પાસપોર્ટ વેરીફીકેશન માટે હવે પોલીસ સ્ટેશને નહી જવુ પડે, મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડેએ ટ્વીટ કરીને આપી માહિતી
મુંબઈ પોલીસે મુંબઈવાસીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. મુંબઈના નવા પોલીસ કમિશ્નર સંજય પાંડેએ એક પછી એક નવા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે.
મુંબઈ પોલીસે (Mumbai Police) મુંબઈવાસીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન (Passport Verification) માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. મુંબઈના નવા પોલીસ કમિશ્નર સંજય પાંડેએ એક પછી એક નવા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં આ તેમનો ત્રીજો મહત્વનો નિર્ણય છે. આ પહેલા તેમણે મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બાંધકામનું કામ બંધ કરાવી દીધું છે. ઘણા મુંબઈવાસીઓએ તેમને ફેસબુક લાઈવમાં ફરિયાદ કરી હતી કે રાત્રિના બાંધકામના કામથી અવાજનું પ્રદૂષણ થાય છે, જેના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
અગાઉ, અન્ય એક નિર્ણયમાં, તેમણે જાહેરાત કરી હતી કે હવેથી મુંબઈમાં, જો કોઈની કાર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી જોવા મળશે, તો ટ્રાફિક પોલીસ તેને ઉપાડશે નહીં. પરંતુ સાથે જ એ આગ્રહ પણ કર્યો કે, મુંબઈવાસીઓએ પણ પાર્કિંગ સ્પેસમાં જ કાર પાર્ક કરવાની શિસ્ત બતાવવી જોઈએ. જેથી પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલા આ નિર્ણયને નિયમિત કરી શકાય.
આ ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા પોલીસકર્મીઓની ફરજના કલાકો 8 કલાક નક્કી કર્યા હતા. એટલે કે મહિલા પોલીસકર્મીઓએ આઠ કલાકથી વધુ ડ્યૂટી કરવાની રહેશે નહીં. આજે (શનિવાર, 12 માર્ચ) પોતાના નિર્ણયમાં સંજય પાંડેએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જે મુંબઈવાસીઓને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની પરેશાનીનો સામનો કરવો પડતો હતો, તેનાથી છૂટકારો મળ્યો છે. આ નિર્ણયને મુંબઈવાસીઓએ આવકાર્યો છે.
પોલીસ કમિશ્નરનું ટ્વિટ
#PassportVerification. We have decided no citizen will be called to police station in Mumbai except in exceptional cases of documents being incomplete etc. If not followed do report🙏
— sp (@sanjayp_1) March 12, 2022
મુંબઈ પોલીસ કમિશ્નરના નવા નિર્ણયનો અર્થ શું છે?
જો કોઈપણ ભારતીય નાગરિકને કોઈપણ કારણોસર દેશની બહાર જવું હોય તો તેની પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ મેળવવા માટે પોલીસ દ્વારા સંબંધિત વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિએ આ માટે પોલીસ સ્ટેશન જવું પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. પરંતુ આ નવા આદેશથી હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. પોલીસ કમિશ્નરે સ્પષ્ટ કર્યું છે કે અપવાદના કિસ્સામાં જ પોલીસને સ્ટેશન પર બોલાવી શકાશે.
જો હુકમનું પાલન ન થાય તો રીપોર્ટ કરવાનો અધિકાર
આ સિવાય સંજય પાંડેએ પોતાના ટ્વીટમાં વધુ એક વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે જો ક્યાંક આ આદેશનું પાલન ન થઈ રહ્યું હોય અને લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે તો તેમને તેની જાણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે તેઓ આ અંગે ફરિયાદ નોંધાવી શકે છે.