રાજઠાકરેએ મિમિક્રી કરીને ઉડાવી મજાક તો સંજય રાઉતે કર્યો પલટવાર, જાણો શું છે સમગ્ર મામલો
સંજય રાઉતની મિમિક્રી કરતાં રાજ ઠાકરેએ કહ્યું, 'તે સંજય રાઉત... કેટલુ બોલે છે. ચેનલવાળા આવ્યા કે શરૂ, કેમેરો હટ્યો કે બધુ નોર્મલ. કેટલુ બોલે છે ? સવાલ બોલવાનો નથી. અરે પણ શું બોલી રહ્યા છો ? કેવી રીતે બોલી રહ્યા છો?'
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનાના સાંસદ સંજય રાઉત પર આકરા પ્રહારો કર્યા છે. તેમની બોલવાની શૈલી અને બોલવાની રીતની મિમિક્રી કરતા મજાક ઉડાવી છે. રાજ ઠાકરેએ (Raj Thackeray) કહ્યું તેઓ કેટલું બોલે છે? શું બોલે છે? કેવી રીતે બોલે છે? નવી પેઢી જોશે તો વિચારશે કે રાજકારણ આ રીતે જ થાય છે. આટલું જ નહીં રાજ ઠાકરેએ સીએમ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પર પણ નિશાન સાધતા કહ્યું કે ઓબીસી અનામતના બહાને સીએમ નગરપાલિકાની ચૂંટણીને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તારીખ ત્રણ મહિના માટે તેના નામે આગળ વધશે. પછી વરસાદ આવશે. એટલે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી દિવાળી પહેલા યોજાવાની નથી. તેમની સત્તા સંચાલકના નામે ચાલુ રહેશે. રાજ ઠાકરેએ મુખ્યમંત્રીની તબિયતને લઈને પણ આકરા પ્રહારો કર્યા હતા.
સંજય રાઉતે પણ રાજ ઠાકરે દ્વારા કરવામાં આવેલા હુમલા પર વળતો પ્રહાર કર્યો છે. સંજય રાઉતે કહ્યું છે કે અમારી રાજનીતિ મિમિક્રી પર આધારિત નથી. જ્યારે EDની નોટિસ આવી ત્યારે અમે ચૂપ ન બેઠા. અમે ભવિષ્યમાં પણ બોલતા રહીશું. સીએમ ઉદ્ધવ ઠાકરે પર કરવામાં આવેલા કટાક્ષના જવાબમાં સંજય રાઉતે કહ્યું, ‘કેટલાક લોકો બીમાર ન હોવા છતાં પણ સક્રિય રહેતા નથી, જ્યારે કેટલાક લોકો સ્વસ્થ ન હોય ત્યારે પણ કામ કરે છે.’
મિમિક્રી દ્વારા ઉડાવી મજાક, ‘આવી છે સંજય રાઉતની બોલી અને શૈલી’
રાજ ઠાકરે બુધવારે (9 માર્ચ) તેમના પક્ષની 16મી વર્ષગાંઠના અવસર પર બોલી રહ્યા હતા. આ સોળ વર્ષમાં પહેલીવાર મુંબઈની બહાર MNSનો વર્ષગાંઠનો કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે પૂણેમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ ઠાકરેએ સંજય રાઉતની મિમિક્રી કરતાં કહ્યું કે, ‘તે સંજય રાઉત… કેટલુ બોલે છે. ચેનલવાળા આવ્યા કે શરૂ, કેમેરો હટ્યો કે બધુ નોર્મલ. હું આવી જ એક મિટિંગમાં ગયો હતો.
તેઓ સામાન્ય રીતે વાતચીત કરતા હતા. જ્યાં હજુ તો તેમના નામની જાહેરાત કરવામાં આવી કે, .. હું આવ્યો … ભાષણ આપીને.. મેં કહ્યું હા આવો… આજે અહીં હાજર…મેં કહ્યું અરે, હમણાં તો આ ઠીક હતા. શું પ્રોબ્લેમ થયો. આંખો મોટી કરીને, ભમર ઉંચી કરીને…કેટલુ બોલે છે ? સવાલ બોલવાનો નથી. અરે પણ શું બોલી રહ્યા છો ? કેવી રીતે બોલી રહ્યા છો? નવી પેઢી શું શીખશે?’
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં માવઠું! નાસિકમાં દ્રાક્ષ, ડુંગળી તો કોંકણમાં કેરી, કાજુના પાકને નુક્સાન, ખેડૂતોની હાલત કફોડી