Maharashtra Unlock: રવિવારથી મહારાષ્ટ્રમાં મળશે લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટ, જાણો શું શરૂ થશે અને શું બંધ રહેશે

આ ઉપરાંત, એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે કે જો રાજ્યમાં કોવિડ દર્દીઓ માટે તબીબી ઓક્સિજનની જરૂરિયાત 700 મેટ્રિક ટનથી વધી જાય, તો રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી ફરીથી કડક લોકડાઉન લગાવશે.

Maharashtra Unlock: રવિવારથી મહારાષ્ટ્રમાં મળશે લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટ, જાણો શું શરૂ થશે અને શું બંધ રહેશે
CM Uddhav Thackeray

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ લોકડાઉન (Maharashtra Lockdown Updates) સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટની જાહેરાત કરી છે. કોરોનાના નિયમો અને પ્રતિબંધો સંબંધિત આ છૂટછાટો 15 ઓગસ્ટ (રવિવાર) એટલે કે સ્વતંત્રતા દિવસથી લાગુ કરવામાં આવી રહી છે.

 

 

આ જાહેરાત અંતર્ગત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહાવિકાસ આઘાડી સરકારે (Mahavikas Aghadi Government) રાત્રે 10 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે શોપિંગ મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, જીમ અને સ્પા ખોલવાની મંજૂરી આપી છે. આ સાથે જ  આ સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા હોવા જોઈએ તેવી શરત પણ રાખવામાં આવી છે.

 

 

રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope, Health Minister of Maharashtra) ઠાકરે સરકાર વતી આ માહિતી આપી હતી. આ સિવાય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રસીના બંને ડોઝ લેનારા લોકો માટે રવિવારથી મુંબઈ લોકલ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.

 

આ સંદર્ભે રસીનું પ્રમાણપત્ર અને ફોટો આઈડી તપાસીને રેલવે પાસ (Monthly Railway Pass) આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ રહી છે. એવા તમામ લોકો જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓ રવિવારથી મુંબઈ લોકલમાં મુસાફરી કરી શકશે.

 

 

15મી ઓગસ્ટથી શું થશે શરૂ અને શું રહેશે બંધ?

મુંબઈ લોકલ ટ્રેન સેવા રવિવારથી એવા લોકો માટે શરૂ થશે, જેમણે એન્ટી-કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધા છે. રાત્રે 10 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ અને હોટલો 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. પરંતુ તમામ કર્મચારીઓ (મેનેજર, વેઈટર, રસોઈયા અથવા સફાઈ કામદાર, બારટેન્ડર)નું રસીકરણ પૂર્ણ કરવું જરૂરી છે. એટલે કે તે સુનિશ્ચિત કરવું પડશે કે તે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે.

 

ઉપરાંત એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે બીજા ડોઝ પછી 14 દિવસનો સમય પુરો થઈ ગયો હોય. તેવી જ રીતે તમામ દુકાનો પણ રાત્રે 10 વાગ્યા સુધી ખોલી શકાશે. દુકાનદારો અને તમામ સ્ટાફને પણ રસીકરણ પૂર્ણ કરવાની શરતો લાગુ પડશે. શોપિંગ મોલને પણ રાત્રે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. અહીં પણ કર્મચારીઓ માટે સંપૂર્ણ રસીકરણ કરવું જરૂરી રહેશે. ગ્રાહકોએ પ્રવેશ દ્વાર પર તેમનું કોરોના રસીકરણ પ્રમાણપત્ર પણ બતાવવું પડશે, ત્યારબાદ જ તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવશે.

 

 

આ ઉપરાંત, જીમ, યોગ કેન્દ્રો, સલુન્સ, બ્યુટી પાર્લર અને સ્પા પણ રાત્રે 10 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાય છે. બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્ક્વોશ, મલખંભ જેવી ઈન્ડોર રમતોને મંજૂરી આપવામાં આવશે. પરંતુ એક સમયે હોલમાં માત્ર બે ખેલાડીઓને જ મંજૂરી છે. અહીં પણ તમામ ખેલાડીઓ, મેનેજરો, સભ્યો અને સ્વચ્છતા કામદારો માટે કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ઉપરાંત, બીજા ડોઝ પછી 14 દિવસ વીતી ગયા છે તે પણ મહત્વનું છે.

 

 

મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે પણ વેક્સીનેશન થયું હોવું જરૂરી

મહારાષ્ટ્રમાં સિનેમા હોલ, થિયેટરો અને મલ્ટિપ્લેક્સને અત્યારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરો અને તમામ ધાર્મિક સ્થળો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. અન્ય સ્થળોએથી મહારાષ્ટ્રમાં આવવા માટે રસીકરણ જરૂરી રહેશે. જો રસીકરણ કરવામાં ન આવ્યું હોય તો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ તમારી સાથે રાખવો જરૂરી રહેશે. આ રિપોર્ટ 72 કલાકથી જૂનો ન હોવો જોઈએ.

 

તમામ પ્રકારના સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે. ભીડ વધે તેવા કોઈ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. લગ્ન સમારંભો માટે હોલમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે મહત્તમ 100 લોકો અને આઉટડોર એટલે કે લૉનમાં 200 લોકોને મંજૂરી આપવામાં આવી છે.

 

તો ફરીથી લગાવાશે કડક લોકડાઉન

આ ઉપરાંત એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે કે જો રાજ્યમાં કોવિડ દર્દીઓ માટે તબીબી ઓક્સિજનની જરૂરિયાત 700 મેટ્રિક ટનથી વધી જાય તો રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી કડક લોકડાઉન લગાવાશે.

 

આ પણ વાંચો :  Bombay Highcourt: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નામાંકન વિવાદ, બોમ્બે હાઈકોર્ટે રાજ્યપાલને કરી ટકોર

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati