Maharashtra: શિવસેના સાંસદ સંજય રાઉતના નજીકના સહયોગીની EDએ કરી ધરપકડ, 1034 કરોડના જમીન કૌભાંડનો મામલો
પ્રવીણ રાઉત HDIL કંપની સંબંધિત ગુરુઆશિષ કન્સ્ટ્રક્શન કંપનીમાં ડિરેક્ટર છે. અગાઉ પ્રવિણ રાઉતનું નામ ડિસેમ્બર 2020માં પીએમસી બેંક કૌભાંડ કેસમાં સામે આવ્યું હતું. 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્નીને વગર વ્યાજે 55 લાખ રૂપિયાની લોન આપી હોવાની ચર્ચા હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 1 હજાર 34 કરોડના જમીન કૌભાંડના (Land Scam) કેસમાં પ્રવીણ રાઉતની ધરપકડ કરી છે. પ્રવીણ રાઉત શિવસેના સાંસદ સંજય રાઉતના (Sanjay Raut) નજીકના હોવાનું કહેવાય છે. પ્રવીણ રાઉતની બુધવારે (2 ફેબ્રુઆરી) સવારે ધરપકડ કરવામાં આવી હતી. પ્રવીણ રાઉત HDIL કંપની સંબંધિત ગુરુઆશિષ કન્સ્ટ્રક્શન કંપનીમાં ડિરેક્ટર છે. અગાઉ પ્રવિણ રાઉતનું નામ ડિસેમ્બર 2020માં પીએમસી બેંક (PMC Bank) કૌભાંડ કેસમાં સામે આવ્યું હતું. 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્નીને વગર વ્યાજે 55 લાખ રૂપિયાની લોન આપી હોવાની ચર્ચા હતી. આ પૈસાનો ઉપયોગ મુંબઈના દાદર વિસ્તારમાં ફ્લેટ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
બાદમાં સંજય રાઉતની પત્ની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેણે પ્રવીણ રાઉતની પત્નીના પૈસા પરત કરી દીધા છે. એચડીઆઈએલમાં 1034 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ પ્રવીણ રાઉતની ધરપકડ કરવામાં આવી છે. પ્રવીણ રાઉતની પત્નીના ખાતામાંથી સંજય રાઉતની પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આના પુરાવા EDને મળ્યા છે. આ પુરાવાઓના આધારે EDએ આ કાર્યવાહી કરી છે.
પ્રવીણની પત્નીના ખાતામાંથી સંજય રાઉતની પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા
પ્રવીણ રાઉત મુંબઈ નજીક પાલઘર જિલ્લાના સફાલે વિસ્તારમાં રિયલ એસ્ટેટનો મોટો બિઝનેસ ધરાવે છે. EDના અધિકારીઓએ મંગળવારે પ્રવીણના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેને દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ સ્ટેટ ઝોનલ ઓફિસમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પ્રવીણ દ્વારા તપાસમાં યોગ્ય રીતે સહકાર ન આપવાના કારણે ઘણા કલાકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ રીતે થયું 1034 કરોડનું જમીન કૌભાંડ
હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની સબ-કંપની ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પર મ્હાડાના અધિકારીઓ સાથે મળીને જમીનના ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) સાથે ચેડાં કરવાનો આરોપ છે. આ કંપની પ્રવીણ રાઉત ચલાવે છે. લગભગ 1034 કરોડના આ જમીન કૌભાંડને લઈને ED પ્રવીણ રાઉતની પૂછપરછ કરી રહી છે. થોડા વર્ષો પહેલા, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને ગોરેગાંવ પશ્ચિમના સિદ્ધાર્થ નગર વિસ્તારમાં એક ચાલના પુનર્વિકાસનું કાર્ય આપવામાં આવ્યું હતું. ત્યાં રહેતા લોકોને જમીનના બદલામાં ફ્લેટનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ ત્યાં રહેતા લોકોને ફ્લેટ આપ્યા વિના 1000 કરોડની જમીન વેચી કૌભાંડ આચર્યું હતું.
2020માં EDએ આ કેસમાં પ્રવીણ રાઉતની 72 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. HDILના પ્રમોટર રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગ પર પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (PMC બેંક) બેંકના 6118 કરોડ રૂપિયા ડૂબાડવાનો આરોપ છે. ED આ PMC-HDIL કૌભાંડ અંગે અલગથી તપાસ કરી રહી છે. EDએ આ કેસમાં 2019માં પિતા-પુત્રની ધરપકડ પણ કરી હતી.