કોરોનાનો કહેર યથાવત : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ઉછાળો, તંત્રની વધી ચિંતા
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં 1000થી વધુ કેસો સામે આવતા તંત્રની ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિસમસ, ન્યૂ યર અને લગ્નની સિઝનને કારણે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થવાની સંભાવના છે. ત્યારે વધતા સંક્રમણને રોકવા મહારાષ્ટ્ર સરકાર પણ સતર્ક જોવા મળી રહી છે.
Maharashtra : કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ (Covid 19) માથુ ઉંચક્યુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron Variant) દહેશત જોવા મળી રહી છે. શુક્રવારે રાજ્યમાં 1410 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે. આ સાથે રાજ્યમાં વર્તમાન મૃત્યુ દર 2.12 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો આતંક
ઉપરાંત રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 20 નવા કેસ પણ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ઓમિક્રોનના 400 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 108 કેસ માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 54 લોકો કોરોનાના નવા વેરિઅન્ટથી રિકવર થઈ ચૂક્યા છે.
આ નવા ઓમિક્રોન કેસોની વાત કરીએ તો 11 મુંબઈમાંથી, 6 પુણેમાંથી, 2 સતારામાં અને 1 અહેમદનગર જિલ્લામાંથી નોંધાયા છે. આ 20 લોકોમાંથી 15 વિદેશના પ્રવાસી છે, જ્યારે અન્ય લોકો આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી સંક્રમિત થયા છે. ત્યારે હાલ રાજ્યમાં કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો આંતક જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં કોરોનાના 1410 નવા કેસ નોંધાતા ખળભળાટ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1410 નવા કેસ નોંધાયા છે. જ્યારે 868 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના એક હજારથી વધુ નવા કેસ સામે આવતા હાલ તંત્ર દોડતુ થયુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 લાખ 1 હજાર 243 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રાજ્યમાં હાલ 8 હજાર 426 એક્ટિવ કેસ છે.
બીજી તરફ 86 હજાર 815 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે અને 886 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇન હેઠળ છે. ઉપરાંત કોરોના રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે. હાલ એકાએક કોરોના કેસમાં વધારો થતા તંત્રની ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિસમસ, ન્યૂ યર અને લગ્નની સિઝનને કારણે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થવાની સંભાવના છે. ત્યારે વધતા સંક્રમણને રોકવા મહારાષ્ટ્ર સરકાર પણ સતર્ક જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Mumbai : નવા વર્ષની ઉજવણી પર કોરોનાનુ ગ્રહણ, એક લેબમાં 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર એક્શનમાં