Jalna Protest: આગ, તોડફોડ અને હંગામો, મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા આરક્ષણ મુદ્દે બબાલ, 360 લોકો સામે નોંધાઈ FIR
મરાઠા આરક્ષણની માંગને પગલે અંબડ તહસીલના અંતરવાલી સારથી ગામમાં ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારે હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન પોલીસે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કર્યો હતો. આ લોકો મંગળવારથી જ મનોજ જરાંગેના નેતૃત્વમાં અનામતની માંગ સાથે એકઠા થયા હતા, જ્યારે મનોજ જરાંગે ભૂખ હડતાળ પર બેઠા હતા.
Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની (Maratha Reservation) માગે જોર પકડ્યું છે. અનામતની માગને લઈને જાલનાના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા બાદ પોલીસ એક્શનમાં છે. અત્યાર સુધીમાં પોલીસે હિંસા અને આગચંપીમાં સામેલ 360થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં કથિત રૂપે સામેલ 16 લોકોની ઓળખ કરવામાં આવી છે, જેઓ મરાઠા આરક્ષણની માંગ સાથે મનોજ જરાંગેના નેતૃત્વમાં ભૂખ હડતાળ પર હતા. મનોજ જરાંગે લાંબા સમયથી મરાઠા આરક્ષણની માંગને લઈને ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે.
હિંસામાં લગભગ 40 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા
મરાઠા આરક્ષણની માંગને પગલે અંબડ તહસીલના અંતરવાલી સારથી ગામમાં ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારે હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન પોલીસે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કર્યો હતો. આ લોકો મંગળવારથી જ મનોજ જરાંગેના નેતૃત્વમાં અનામતની માંગ સાથે એકઠા થયા હતા, જ્યારે મનોજ જરાંગે ભૂખ હડતાળ પર બેઠા હતા. પોલીસે મનોજ જરાંગેને વિરોધ સ્થળ પરથી ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સ્થિતિ વણસી ગઈ. હિંસામાં લગભગ 40 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
બજારો, બસો અને શાળા-કોલેજો પણ બંધ
પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ બસો અને ખાનગી વાહનોમાં તોડફોડ કરી હતી, જ્યારે ગ્રામજનોએ દાવો કર્યો હતો કે પોલીસે લાઠીચાર્જ દરમિયાન અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. શુક્રવારે આ કાર્યવાહી બાદ મરાઠાઓએ નાશિક, થાણે અને લાતુર સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બજારો, બસો અને શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી. બાદમાં કાર્યકરોએ બાઈક રેલી પણ કાઢી હતી.
ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચેતવણી
મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા આયોજકોએ ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. આયોજકોનું કહેવું છે કે મરાઠાઓને જાણી જોઈને શિક્ષણ અને નોકરીઓમાં આરક્ષણ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યા બાદ હવે આયોજકો જાલનાના એસપીને સસ્પેન્ડ કરવાની માગ કરી રહ્યા છે. આ સાથે સરકારને વહેલી તકે અનામત અંગે ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે.