આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના અર્બન કોઓપરેટિવ બેંકના 53.72 કરોડ રૂપિયાના વ્યવહારો પર મૂક્યો પ્રતિબંધ, ખાતા ખોલવામાં થઈ ગડબડ
સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર બેંકિંગ સોલ્યુશન્સ (સીબીએસ) પરના બેંક ડેટાના વિશ્લેષણ અને મુખ્ય વ્યક્તિઓના નિવેદનો દરમિયાન તે બહાર આવ્યું છે કે બેંક ખાતા ખોલવામાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હતી.
આવકવેરા વિભાગે મહારાષ્ટ્રમાં અર્બન ક્રેડિટ કોઓપરેટિવ બેંકમાં જમા કરાયેલા 53 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરના દરોડા દરમિયાન ખાતા ખોલાવવામાં “ઘોર અનિયમિતતા” વિશે પ્રકાશમાં આવ્યા બાદ આવકવેરા વિભાગે બેંક સામે આ કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ શનિવારે આ સમગ્ર મામલાની માહિતી આપી હતી.
સીબીડીટીએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે ગયા મહિને 27 ઓક્ટોબરે બેંકના મુખ્યાલય અને તેના ચેરમેન અને ડિરેક્ટરના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. સત્તાવાર નિવેદનમાં જોકે આવકવેરા વિભાગ દ્વારા કઈ સંસ્થા પર દરોડા પાડવામાં આવ્યા તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જે સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે તે સંસ્થાની ઓળખ ‘બુલધાના અર્બન કોઓપરેટિવ ક્રેડિટ બેંક’ તરીકે કરવામાં આવી છે.
1,200થી વધુ બેંક ખાતાઓ પાન કાર્ડ વગર ખોલવામાં આવ્યા છે
CBDTએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર બેંકિંગ સોલ્યુશન્સ (CBS) પરના બેંક ડેટાના વિશ્લેષણ અને દરોડા દરમિયાન મુખ્ય વ્યક્તિઓના નિવેદનો દરમિયાન તે બહાર આવ્યું છે કે બેંક ખાતા ખોલવામાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હતી. CBDTએ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે આ શાખામાં 1200થી વધુ બેંક ખાતાઓ પાન કાર્ડ વગર ખોલવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, આ 1200 પ્લસ બેંક ખાતાઓમાંથી 700થી વધુ એવા ખાતાની ઓળખ કરવામાં આવી હતી, જે એક સાથે ખોલવામાં આવ્યા હતા. આ એવા ખાતા છે જેમાં ખાતું ખોલ્યાના 7 દિવસમાં 34.10 કરોડથી વધુ રોકડ જમા કરવામાં આવી છે. સીબીડીટીએ કહ્યું કે આ ખાતાઓમાં ઓગસ્ટ 2020થી મે 2021 વચ્ચે મોટાપાયે વ્યવહારો થયા છે.
53.72 કરોડની રકમના વ્યવહારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન બેંકના ચેરમેન, સીએમડી અને બ્રાંચ મેનેજર ખાતાઓમાં જમા કરાયેલી રોકડના સ્ત્રોતો વિશે સાચી માહિતી આપી શક્યા ન હતા અને તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે બેંકના એક ડિરેક્ટરના કહેવા પર આવું કરવામાં આવ્યું હતું, તેઓ એક જાણીતા સ્થાનિક વેપારી છે. એકત્ર કરાયેલા પુરાવા અને રેકોર્ડ કરેલા નિવેદનોના આધારે આવકવેરા વિભાગે બેંકમાં જમા કરાયેલી 53.72 કરોડ રૂપિયાની સંપૂર્ણ રકમના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે.