હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ લેનારાઓને લપડાક, વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન
વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું, 'આ ચૂકાદો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો (Article 19- Freedom of Expression) ખોટો ફાયદો ઉઠાવનારાઓ માટે થપ્પડ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે શૈક્ષણિક સંસ્થાઓના ડ્રેસ કોડનું પાલન ન કરો અને તમારી ઇચ્છા મુજબ તમારા કપડાં પસંદ કરો.
હિજાબ મામલાને (Hijab Row) લઈને કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court) ની ડિવિઝન બેંચનો ચૂકાદો આવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે હિજાબ ઈસ્લામનો જરૂરી ભાગ નથી. એમ કહીને હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધને પડકારતી અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પહેલા બેંગલુરુમાં 21 માર્ચ સુધી તમામ પ્રકારની રેલીઓ, આંદોલનો, પ્રદર્શનો અને તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ નિર્ણય સામે પોતાની અસંમતિ નોંધાવી છે અને આશા વ્યક્ત કરી છે કે અરજદારો ચોક્કસપણે આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. કર્ણાટક હાઈકોર્ટના આ નિર્ણય પર મહારાષ્ટ્રમાંથી પણ પક્ષ અને વિપક્ષમાંથી ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે.
પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવા માટે દમદાર રીતે કેસ લડીને ખ્યાતિ મેળવનાર મહારાષ્ટ્રના વરિષ્ઠ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે આ નિર્ણયને આવકાર્યો છે. અમારી પાર્ટનર ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘કોઈએ આ નિર્ણય અન્યથા લેવો જોઈએ નહીં. અસદુદ્દીન ઓવૈસીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે જો કોઈને લાગે છે કે આ નિર્ણયથી ભારતના બંધારણ હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારો છીનવાઈ ગયા છે, તો તે અધિકારોની પણ પોતાની મર્યાદાઓ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ખોટો ફાયદો ઉઠાવનારાઓ માટે આ ચૂકાદો થપ્પડ સમાન છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે શૈક્ષણિક સંસ્થાઓના ડ્રેસ કોડનું પાલન ન કરો અને તમારી ઇચ્છા મુજબ કપડાં પસંદ કરો.
મહારાષ્ટ્રના બુદ્ધિજીવી મુસ્લિમોએ નિર્ણયને આવકાર આપ્યો, પ્રગતિની નિશાની ગણાવ્યો
મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ હુસૈન દલવાઈએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે મુસ્લિમોએ નક્કી કરવું પડશે કે શિક્ષણ જરૂરી છે કે હિજાબ? મુસ્લિમ સત્યશોધક સમાજના પ્રમુખ શમસુદ્દીન તંબોલીએ આ નિર્ણયને આવકાર્યો છે. તેણે કહ્યું કે ઘણા મુસ્લિમ દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે. આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.
ધર્મને અંગત રાખો, તેને જાહેર સ્થળો પર થોપશો નહીં-ભાજપ પ્રદેશ અધ્યક્ષ
આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે ધર્મને વ્યક્તિના અંગત જીવન સુધી સીમિત રાખવો જોઈએ. તેને જાહેર જીવનમાં લાદવાની જીદને વળગી રહેવું જોઈએ નહીં. દરેક વ્યક્તિએ આ રીતે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. જાહેર સ્થળોએ હિજાબ પહેરવાની જરૂર નથી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જામીન નામંજૂર, મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની વિશેષ અદાલતનો નિર્ણય