ત્રીજી લહેરના એંધાણ: શું મહારાષ્ટ્રમાં ફરી થશે લોકડાઉન ? નાયબ મુખ્યપ્રધાન પવારે આપ્યા આ સંકેત
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું, 'જો કોરોના સંક્રમણ આમ જ વધતું રહેશે તો રાજ્ય સરકારે આકરા નિર્ણયો લેવા પડશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ નિર્ણય રાજ્યના તમામ ભાગોમાં લાગુ કરવામાં આવશે.
Maharashtra Lockdown: મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં (Omicron case) થયેલા વધારાને કારણે હાલ મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી છે. ત્યારે આ બધાની વચ્ચે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે (DyCM Ajit Pawar) લોકડાઉનના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. કેબિનેટ મંત્રી વિજય વડેટ્ટીવાર અને મંત્રી આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) કહ્યું છે કે પરિસ્થિતિને જોતા આજે અથવા આવતીકાલ સુધી શાળાઓ અને કોલેજોને લઈને નિર્ણય લેવામાં આવશે.
વધતા કોરોના સંક્રમણને લઈને યોજાશે બેઠક
ઉલ્લેખનીય છે કે વધતા કોરોના કેસને લઈને 3 જાન્યુઆરીના રોજ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation)ના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. મુંબઈમાં વધી રહેલા આંકડાઓને જોતા વિજય વડેટ્ટીવારે સંકેત આપ્યા છે કે મુંબઈ લોકલ અંગે ટૂંક સમયમાં કડક નિર્ણયો લેવામાં આવશે.
તેમણે પશ્ચિમ બંગાળની જેમ મીની લોકડાઉન લાદવાની પણ વાત કરી છે. જ્યારે આ અંગે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) જણાવ્યુ કે વધતા કેસોને લઈને મહારાષ્ટ્ર સજ્જ છે. જલદી જ ઓક્સિજનની જરૂરિયાત 700 મેટ્રિક ટન સુધી પહોંચશે. વધુમાં જણાવ્યુ કે રાજ્યમાં લોકડાઉન અંગે અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મહારાષ્ટ્રમાં લોકડાઉનના આપ્યા સંકેત
આજે સતારામાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યું ‘જો કોરોના સંક્રમણ આમ જ વધતું રહેશે તો રાજ્ય સરકારે આકરા નિર્ણયો લેવા પડશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ નિર્ણય રાજ્યના તમામ ભાગોમાં લાગુ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં સંક્રમણ વધતા મમતા બેનર્જીએ લોકડાઉન (West Bengal Mini Lockdown) લાદી દીધું છે. દેશના ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ અથવા લોકડાઉન લાદવામાં આવ્યું છે. પરંતુ તે અસરકારક નથી. લોકોએ પણ પોતાની રીતે સાવચેતી રાખવાની જરૂર છે. જેથી સંક્રમણની ચેઈનને તોડી શકાય.
અજિત પવારે વધુમાં કહ્યું કે, ‘નેતાઓએ પણ નિયમોનું પાલન કરવું પડશે. જો આપણે નિયમોની અવગણના કરીશું તો અન્ય લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરવાનો કોઈ અર્થ નથી. જ્યારે પાંચ દિવસ સુધી સંમેલન ચાલ્યું ત્યારે 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો કોરોના સંક્રમિત જોવા મળ્યા.જો સંમેલન હજુ થોડા દિવસો ચાલ્યું હોત તો અડધાથી વધુ કેબિનેટ અને ધારાસભ્યો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હોત. તમને જણાવી દઈએ કે આજે વધુ ત્રણ ધારાસભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે મહારાષ્ટ્રના અત્યાર સુધીમાં 25 ધારાસભ્યોને કોરોના થયો છે.