મહારાષ્ટ્રમાં કોરોના અને H3N2 કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે અકોલામાં H3N2 થી વધુ એક મૃત્યુ થયું છે. 7 વર્ષના બાળકના મોતના સમાચાર સામે આવ્યા છે. આ બાળક વાશિમ જિલ્લાનો રહેવાસી હતો. અકોલાની ખાનગી હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ રીતે મહારાષ્ટ્રમાં H3N2 થી મૃત્યુઆંક ત્રણ થઈ ગયો છે. આ પહેલા અહમદનગરના એક મેડિકલ સ્ટુડન્ટ અને પિંપરી ચિંચવાડના એક વૃદ્ધનું મોત થયુ હતુ.
રાજ્યમાં હાલ H3N2 ના 119 અને H1N1 ના 324 કેસ નોંધાયા છે. હાલમાં હોસ્પિટલમાં 73 લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં ગુરુવારે કોવિડના 226 કેસ નોંધાયા હતા અને કોરોનાના 197 કેસ નોંધાયા છે. લગભગ ચાર મહિના પછી પ્રથમ વખત સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા વધીને 1029 થઈ ગઈ છે. ખાંસી, શરદી, તાવની સ્થિતિમાં સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે જાતે જ દવા લેવાને બદલે ડૉક્ટર પાસેથી ચેકઅપ કરાવવાની સલાહ આપી છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝાનો ભય વધી રહ્યો છે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 3ના મોત થયા. ગયા વર્ષે નવેમ્બર મહિના પછી પ્રથમ વખત કોવિડના એક હજારથી વધુ સક્રિય કેસ સામે આવ્યા છે. એટલે કે, જ્યાં કોરોના મહારાષ્ટ્રમાંથી નામશેષ થઈ જવાનો હતો,ત્યાં ત્રણ આંકડામાં કેસ વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.
શુક્રવારે રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 93 રહી, જ્યારે 197 નવા કેસ સામે આવ્યા. એટેલે કે ફરી રાજ્ય સરકારની ચિંતા વધી છે. જોકે રાહતની વાત એ છે કે હાલમાં કોરોનાથી મૃત્યુના કોઈ સમાચાર નથી. સક્રિય કેસ મુંબઈ, પુણે અને થાણેમાં સૌથી વધુ છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે 197 કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે 226 કેસ નોંધાયા હતા.
માર્ચ પહેલા રાજ્યમાં સ્થિતિ સામાન્ય હતી, પરંતુ અચાનક કેસ વધવા લાગ્યા. 8 માર્ચ સુધી કોરોનાના 355 કેસ નોંધાયા હતા. પરંતુ 9 થી 15 માર્ચની વચ્ચે અચાનક 688 કેસ સામે આવ્યા. છેલ્લા બે અઠવાડિયામાં કોરોના કેસની ગતિ ઝડપથી વધી છે. નિષ્ણાતો કહે છે કે માર્ચમાં અચાનક ગરમીને બદલે કમોસમી વરસાદ ને કારણે સંક્રમણ વધ્યુ છે.