Maharashtra : રેલવે વિભાગની મુહિમ, ઘરેથી ભાગી ગયેલા બાળકોને કાઉન્સલિંગ બાદ પરિવાર સાથે મોકલ્યા, જાણો કેટલા બાળકોનું કર્યું રેસ્કયૂ
રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા છેલ્લા સાત મહિનામાં ઘર છોડીને ભાગી ગયેલા 477 બાળકોને કાઉન્સલિંગ બાદ તેમને પરિવાર સાથે ફરી જોડ્યા છે. મોટાભાગના બાળકો લડાઈ કે પારિવારિક વિવાદ અથવા વધુ સારા જીવનની શોધમાં પોતાનું ઘર છોડી દે છે.
Maharashtra : રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા મહારાષ્ટ્રના સ્ટેશનો પર છેલ્લા સાત મહિનામાં ઘરેથી ભાગી ગયેલા 477 બાળકોને તેમના માતા-પિતા સાથે ફરી જોડ્યા છે. મધ્ય રેલવે દ્વારા મળેલી માહિતી અનુસાર, બચાવાયેલા (Rescue) બાળકોમાં 310 છોકરાઓ અને 167 છોકરીઓ છે. ઉપરાંત આ બાળકોને એનજીઓની (NGO) મદદથી તેમના માતા-પિતા સાથે મળાવ્યા હતા.
એક નિવેદનમાં રેલવેએ જણાવ્યું હતું કે, આમાંથી મોટા ભાગના બાળકો લડાઈ, કેટલાક પારિવારિક વિવાદ અને વધુ સારા જીવનની શોધમાં તેમના પરિવારજનોને જાણ કર્યા વગર રેલવે સ્ટેશનો (Railway Station) પર આવ્યા હતા. આ બાળકો પ્લેટફોર્મ, ટ્રેન અથવા રેલવે સ્ટેશન નજીક ફરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ઘણા વાલીઓએ રેલવેની આ ઉમદા કામગીરિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
બાળકી તેલંગણાથી ઘર છોડીને મુંબઈ પહોંચી હતી
આપને જણાવી દઈએ કે, આ બાળકોને જાન્યુઆરીથી જુલાઈ 2021 ના સમયગાળા દરમિયાન મધ્ય રેલવેના મુંબઈ, ભુસાવલ, નાગપુર, પુણે અને સોલાપુર વિભાગમાંથી બચાવવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ રેલ્વેએ એક ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતુ કે, 17 વર્ષની એક યુવતી મુંબઈમાં મોડેલિંગ અને એક્ટિંગમાં (Acting) પોતાની કારકિર્દી બનાવવા માટે પટનામાં તેના ઘરેથી ભાગી ગઈ હતી, જે યુવતીને કાઉન્સલિંગ કરીને તેમના પરિવાર સાથે મોકલવામાં આવી છે, જ્યારે અન્ય એક ઘટનામાં 14 વર્ષની છોકરી જે તેની માતાએ ઠપકો આપ્યા બાદ તેલંગણામાં તેના ઘરેથી ભાગીને મુંબઈ પહોંચી હતી.
આરપીએફ અને ફ્રન્ટલાઈન સ્ટાફની મહત્વની ભૂમિકા
રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ (Anil Kumar) જણાવ્યું હતું કે, ઘરેથી ભાગી ગયેલા બાળકોની સમસ્યાઓને સમજીને અને તેમના પરિવાર સાથે જવાની સલાહ આપીને રેલવે પોતાની સામાજિક જવાબદારી પૂરી કરે છે. ઉપરાંત વધુમાં તેમણે આરપીએફ અને ફ્રન્ટલાઈન સ્ટાફની (Frontline Workers) પણ પ્રશંસા કરી કે જેઓ તેમની સાહજિક સમજ સાથે આવી બાબતોને ઓળખીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના બાળકો પારિવારિક વિવાદ અને સારા જીવનની શોધમાં ઘરેથી દુર જતા જોવા મળે છે, ત્યારે સેન્ટ્રલ રેલવે વિભાગની આ પહેલની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે.