મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોથી લઈને પ્રચાર સુધીની જોરદાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. સાથે જ તમામ પ્રકારના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે, એક ચોંકાવનારુ નિવેદન કર્યું છે.દેવેન્દ્ર ફડણવીસનું માનવું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે સત્તા કબજે કરી શકે તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ મહાગઠબંધનનો એક ભાગ છે. જેમાં શિવસેના એકનાથ શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર જૂથ અને આરપીઆઈનો સમાવેશ થાય છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ એકલા ચૂંટણી જીતી શકે નહીં, પરંતુ ચૂંટણી બાદ તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. દેવેન્દ્ર ફડણવીસે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ વાત કહી હતી. ભાજપના નેતા કહે છે કે, સાચુ કહેવું એ વ્યવહારુ હોવું જોઈએ.
ટિકિટ ન મળતા ભાજપના કેટલાક નેતાઓની નારાજગી અને બળવો થવાની સંભાવના અંગે તેમણે કહ્યું કે અમે કેટલાક મહત્વાકાંક્ષી ઉમેદવારો માટે દુઃખી છીએ જેમને આ વિધાનસભા ચૂંટણીમાં તક આપવામાં આવી નથી. તેમણે મજાક સ્વરૂપે કહ્યું કે મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ એવી છે કે, ઘણી ફિલ્મો બની રહી છે અને દરેક અભિનેતાને તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવી છે.
મહારાષ્ટ્ર ચૂંટણી માટે, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 288 બેઠકોમાંથી 121 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. ફડણવીસે દાવો કર્યો છે કે ભાજપ, શિવસેના-યુબીટી, એનસીપી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. ફડણવીસને લોકસભાની ગત ચૂંટણીના પરિણામની, આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર અસર પડશે કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું હતું, જેના પર તેમણે કહ્યું હતું કે, મહાયુતિ લોકસભાની ચૂંટણીમાં 48 માંથી માત્ર 17 બેઠકો જીતી શકી છે, પરંતુ વિધાનસભા ચૂંટણી પર તેની કોઈ અસર થશે નહીં.
તેમણે કહ્યું, ‘ધુલે લોકસભા મતવિસ્તારમાં, અમારા ઉમેદવારો પાંચ વિધાનસભા ક્ષેત્રમાં આગળ હતા, પરંતુ માલેગાંવ-મધ્ય વિધાનસભા ક્ષેત્રમાં થયેલા એક તરફી મતદાનને કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં આ ફેકટર કામ નહીં કરે, કારણ કે ધુલે લોકસભા મતવિસ્તારની પાંચ વિધાનસભા બેઠકો પર અમારા ઉમેદવારો ચોક્કસપણે જીતશે.
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો જીતી હતી. તે સમયે, તેણે શિવસેના (અવિભાજિત) સાથે ચૂંટણી લડી હતી, જેમાં શિવસેનાએ 56 બેઠકો પર વિજય ધ્વજ ફરકાવ્યો હતો. જ્યારે, એનસીપી (અવિભાજિત), જે યુપીએનો એક ભાગ હતો, તેણે 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20મી નવેમ્બરે યોજાશે અને 23મી નવેમ્બરે મત ગણતરી થશે.