Baba Siddique Murder: ઝીશાન અખ્તર બાબા સિદ્દીકીની હત્યા માટે આરોપીને આપી રહ્યો હતો સુચના, જાણો કોણ છે એ
ઝીશાન અખ્તર પંજાબના જલંધરનો રહેવાસી હતો. જ્યારે તેની ધરપકડ પછી પટિયાલા જેલમાં ગયો ત્યારે તેની મુલાકાત જેલમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકો સાથે થઈ. જ્યારે ઝીશાન અખ્તર જેલમાંથી બહાર આવ્યો ત્યારે તે મુંબઈ ગયો હતો અને ત્યાં તેણે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ધર્મરાજ રાજેશ કશ્યપ, ગુરમેલ બલજીત સિંહ અને પ્રવીણ લોંકરનો સમાવેશ થાય છે. ગુરમેલ બલજીત સિંહને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 21મી ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યો છે. જ્યારે, પોલીસ બાબા સિદ્દીકી હત્યા કેસના અન્ય આરોપી ઝીશાન અખ્તર અને શિવા ગૌતમને શોધી રહી છે.
શનિવારે રાત્રે ધર્મરાજ રાજેશ કશ્યપ, ગુરમેલ બલજીત હાઈન્સ અને શિવા ગૌતમે મળીને બાબા સિદ્દીકીની હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોહમ્મદ ઝીશાન અખ્તર ત્રણેય શૂટરોને જરૂરી સૂચના આપી રહ્યો હતો.
ઝીશાન અખ્તરે બાબા સિદ્દીકી હત્યા કેસને અંજામ આપવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. તેણે મુંબઈમાં રૂમ ભાડે લેવામાં મદદ કરી હતી. આ સાથે અન્ય લોજિસ્ટિક્સ સપોર્ટ માટેની પણ વ્યવસ્થા કરી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પટિયાલા જેલમાં લોરેન્સ ગેંગને મળ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઝીશાન અખ્તર પટિયાલા જેલમાં બંધ હતો. તે 7 જૂનના રોજ જેલમાંથી મુક્ત થયો હતો. પોલીસનું કહેવું છે કે આરોપી એટલો હોશિયાર હતો કે તે 2022માં વિદેશી નંબર પર વોટ્સએપનો ઉપયોગ કરતો પકડાયો હતો.
ઝીશાન અખ્તરે તેના ગામની જ સરકારી શાળામાંથી ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. આરોપીના પિતા મહંમદ ઝમીલ ટાઇલ્સ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. આરોપી ઝીશાનનો ભાઈ તેના પિતા સાથે કામ કરે છે.
ઝીશાન અખ્તર પંજાબના જલંધરનો રહેવાસી છે. જ્યારે તેની ધરપકડ પછી તે પટિયાલા જેલમાં ગયો ત્યારે જેલમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોને મળ્યો હતો. ઝીશાન અખ્તર જેલમાંથી બહાર આવીને મુંબઈ ગયો હતો.
આરોપીઓને મુંબઈમાં રહેવાની વ્યવસ્થા કરી
ઝીશાન અખ્તર જલંધરના નાકોદર વિસ્તારના શકર ગામનો રહેવાસી છે. વર્ષ 2022માં જાલંધર પોલીસે હત્યા અને લૂંટના કેસમાં ઝીશાન અખ્તરની ધરપકડ કરી હતી.
જેલમાંથી છૂટ્યા બાદ ઝીશાન અખ્તર કૈથલમાં ગુરમેલના ઘરે ગયો હતો અને ત્યાર બાદ તેને ઓર્ડર મળતા તે મુંબઈ પહોંચ્યો હોવાનું મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે. તમામ આરોપીઓ મુંબઈમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા.
પોલીસનું કહેવું છે કે ઝીશાન હાલમાં મુંબઈમાં ક્યાંક છુપાયેલો છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં ફરાર આરોપી ઝીશાન અખ્તરનું અસલી નામ મોહમ્મદ યાસીન અખ્તર ઉર્ફે જેસી ઉર્ફે સિકંદર ઉર્ફે જસ્સી છે. આ ગેંગમાં કુલ 22 લોકો સામેલ છે. જસ્સીએ ગુના કરવા માટે .32 અને .30 પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. ઝીશાન સામે અત્યાર સુધીમાં કુલ 7 કેસ નોંધાયેલા છે. હવે બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસ તેને પણ શોધી રહી છે.