ઔરંગાબાદ બન્યુ સંભાજીનગર અને ઉસ્માનાબાદ બન્યુ ધારાશિવ, કેન્દ્ર સરકારે પ્રસ્તાવને આપી દીધી મંજૂરી
કેન્દ્ર સરકારની માન્યતા મળ્યા બાદ હવેથી મહારાષ્ટ્ર સરકારના તમામ અધિકૃત દસ્તાવેજોમાં ઔરંગાબાદને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનો ધારાશિવ તરીકે ઉલ્લેખ કરવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપતા પહેલા પોતાની છેલ્લી કેબિનેટ મિટિંગમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે તેને કેન્દ્રની મોદી સરકારની મંજૂરી મળી ગઈ છે. હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ કહેવાશે.
આજે કેન્દ્રએ આ પ્રસ્તાવને મંજૂરી આપી તો ઉદ્ધવે કહ્યું કે હું મહારાષ્ટ્ર સરકારને ધન્યવાદ આપવા ઈચ્છુ છું કે અમારી સરકારના બાકી પ્રસ્તાવોની જેમ આ પ્રસ્તાવને તેમને રદ ના કર્યો અને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારની પાસે મોકલ્યો, જેને આજે મંજૂરી મળી ગઈ. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવને પાસ કરવા માટે કેન્દ્રની મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ પણ ટ્વીટ કરીને આ વાત માટે કેન્દ્રનો આભાર માન્યો છે.
બાલાસાહેબ ઠાકરેએ કરી હતી આ માંગ
કેન્દ્ર સરકારની માન્યતા મળ્યા બાદ હવેથી મહારાષ્ટ્ર સરકારના તમામ અધિકૃત દસ્તાવેજોમાં ઔરંગાબાદને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનો ધારાશિવ તરીકે ઉલ્લેખ કરવામાં આવશે. શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેએ સૌથી પહેલા ઔરંગાબાદ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર કરવાની માંગ કરી હતી.
બાલાસાહેબ ઠાકરેની ઔરંગાબાદ શહેરના સાંસ્કૃતિક મંડલના મેદાન પર થયેલી સભામાં 8 મે 1988એ તેમને આ માંગ કરી હતી. ત્યારબાદ સતત શિવસેના આ માંગ ઉઠાવી રહી છે. ઔરંગાબાદમાં દરેક ચૂંટણીમાં શિવસેનાનો આ મુદ્દો ઉછળતો હતો. છેવટે, રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા આ અંગે નિર્ણય લીધો હતો અને હવે કેન્દ્ર સરકારે પણ નામ બદલવાની આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
શિંદે ફડણવીસ સરકાર બન્યા બાદ ઠાકરે સરકારના પ્રસ્તાવ પર ફરી થયો વિચાર
ઠાકરે સરકાર ગયા બાદ જ્યારે શિંદે-ફડણવીસ સરકાર બની, ત્યારે પ્રથમ કેબિનેટ બેઠકમાં નામકરણનો આ નિર્ણય ફરીથી વિચાર માટે લેવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળમાં આ નિર્ણય લીધો છે. તેને લઈ કેન્દ્રની મંજૂરી જરૂરી છે. ત્યારબાદ નવી સરકારે આ પ્રસ્તાવને કેન્દ્રની પાસે મોકલ્યો અને આજે કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ ઔરંગાબાદ સત્તાવાર રીતે છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ ધારાશિવ બની ગયું છે.