જર્મન સરકાર સામે છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદની એક માતા પોતાની દોઢ વર્ષની દીકરી અરીહાને પરત મેળવવા લડાઈ લડી રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયને પણ આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે મુંબઈમાં જૈન સમાજ સહિતના સંગઠનોએ એક્ઠા થઈ રેલી યોજી હતી. નરીમાન પોઈન્ટ પર જૈન સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એક્ઠા થયા હતા.
છેલ્લા દોઢ વર્ષથી બાળકી જર્મન સરકારના બાળ સંરક્ષણ ગૃહમાં છે. ત્યારે અરિહાના બાળ અધિકારો અને તેમજ માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યુ હોવાના આક્ષેપ સાથે જૈન સમાજે પ્રદર્શન કર્યુ હતુ. જૈન અગ્રણીઓએ જર્મન રાજદૂતને અરીહાને મુક્ત કરાવવા આવેદન પત્ર આપ્યુ હતુ.
આગામી 25 અને 26 ફેબ્રૂઆરીએ જર્મન ચાન્સેલર ભારતના પ્રવાસે છે, તેઓ વડાપ્રધાન સાથે મુલાકાત કરવાના છે. ત્યારે જૈન સમાજે એવી માગ કરી છે કે આ સંવેદનશીલ મામલે ભારત સરકાર પણ અરીહાને મુક્ત કરાવવાની માગ મુકે. અરીહાના માતા-પિતા તમામ નિયમોમાં પાસ થઈ ચૂક્યા છે, છતાં જર્મન સરકારે દીકરીનો કબજો સોંપ્યો નથી. લોકોમાં આક્રોશ પણ વ્યાપી રહ્યો છે.
બીજી તરફ અરીહાના માતા-પિતાની સ્થિતિ કફોડી બની ચૂકી છે. પોતાની નાનકડી દીકરીને દોઢ વર્ષથી મેળવવા તેઓ આજીજી કરી રહ્યા છે. ભારતમાં રહેતા તેમના સ્વજનો પણ સરકારને હાથ જોડી વિનંતી કરે છે કે, તેમની દીકરીને મુક્ત કરાવવામાં મદદ કરો.