Antilia Case: પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ નિવાસસ્થાન પર દરોડા બાદ NIAએ કરી ધરપકડ, જાણો કેટલા દિવસની મળી કસ્ટડી

શર્માની ધરપકડ પહેલા એનઆઈએએ આ કેસમાં અન્ય ચાર પોલીસ અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં સચિન વાઝે, રિયાઝુદ્દીન કાઝી, સુનીલ માને અને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદેનો સમાવેશ થાય છે.

Antilia Case: પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ નિવાસસ્થાન પર દરોડા બાદ NIAએ કરી ધરપકડ, જાણો કેટલા દિવસની મળી કસ્ટડી
પ્રદિપ શર્મા (ફાઈલ ફોટો)

એન્ટિલિયા કેસમાં અને ગુજરાતી વ્યાપારી હિરેન મનસુખ હત્યા મામલે NIAએ પ્રદીપ શર્મા (Pradeep Sharma) સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. શર્મા એનઆઈએ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ વિભાગનો પાંચમો વ્યક્તિ છે. શર્માની ધરપકડ પહેલા એનઆઈએએ આ કેસમાં અન્ય ચાર પોલીસ અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં સચિન વાઝે, રિયાઝુદ્દીન કાઝી, સુનીલ માને અને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદેનો સમાવેશ થાય છે.

 

National Investigation Agency (NIA) તપાસ એજન્સીએ બુધવારે મોડી રાત્રે શર્માની મુંબઈ નજીક લોનાવાલાથી ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને પૂછપરછ માટે દક્ષિણ મુંબઈની સેન્ટ્રલ એજન્સીની કચેરી લાવવામાં આવ્યો હતો. NIA સ્પેશલ કોર્ટે ત્રણેયને 28 જૂન સુધી એનઆઈએ કસ્ટડી આપી છે.

 

NIAને મળી આવ્યા મજબૂત પૂરાવા

ગુરૂવારે વહેલી સવારથી જ અંધેરી સ્થિત પ્રદીપના ઘરમાં NIAના દરોડા પાડવામાં આવ્યા હતા, સવારે 6.45થી 10.45 વાગ્યા દરમ્યાન લગભગ ચાર કલાક સુધી આ દરોડા ચાલુ રહ્યા. આ દરોડા દરમિયાન એનઆઈએના અધિકારીઓએ પ્રદીપ શર્માના નિવાસસ્થાનથી એક પ્રિન્ટર, કમ્પ્યુટર અને એક લેપટોપ સાથે કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હતા.

દરોડા દરમિયાન પોલીસ અધિક્ષક વિક્રમ ખલાટે સહિત એજન્સીના સાતથી આઠ જવાનો હાજર હતા. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (crpf) પણ મુંબઈ પોલીસ સમેત તૈનાત હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર એનઆઈએએ 11 જૂનના રોજ મલાડના કુરાર ગામથી શર્માની નજીક ગણાતા સંતોષ શેલાર અને આનંદ જાધવ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. એન્ટિલીયા વિસ્ફોટક કેસ અને થાણે સ્થિત ઉદ્યોગપતિ મનસુખ હિરણની હત્યા સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

 

શું છે એન્ટિલિયા કેસ?

25 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટક જીલેટીન લાકડીઓથી ભરેલી એક એસયુવી કાર અને એક ધમકીની નોંધ મળી આવી હતી. આ પછી ગામદેવી પોલીસ સ્ટેશનમાં ત્યજી દેવાયેલા વાહન અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. એસયુવીનો માલિક મનસુખ હિરેન 5 માર્ચે મુમ્બ્રા નજીક મૃત હાલતમાં મળી આવ્યો હતો, હિરેને 17 ફેબ્રુઆરી, 2021ના રોજ વાહન ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

 

કોણ છે પ્રદીપ શર્મા? 

Antilia caseમાં ધરપકડ કરાયેલ પ્રદીપ શર્મા શિવસેના નેતા છે. આ કેસના મુખ્ય આરોપી સચિન વાઝેની જેમ શર્મા પણ Encounter Specialist હતા. હકીકતમાં શર્માને ઘણીવાર સચિન વાઝેના માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. 1983 બેચના પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ મુંબઈ પોલીસ સાથે 25 વર્ષ સુધી કામ કર્યું હતું અને એમ કહેવામાં આવે છે કે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ ગુંડાઓની હત્યા કરી હતી. પોલીસ રેકોર્ડ પ્રમાણે શર્માએ 300થી પણ વધુ એન્કાઉન્ટર કર્યા છે. શર્માની પહેલી પોસ્ટ મહીમ પોલીસ સ્ટેશનમાં હતી.

 

તેની ગુપ્તચર માહિતી એકત્રિત કરવાની કુશળતાની નોંધ કર્યા પછી તેને ક્રાઈમ બ્રાંચમાં બદલી કરવામાં આવી હતી. 1980 અને 90ના દાયકાના કુખ્યાત અન્ડરવર્લ્ડ ગેંગ્સને દૂર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. પ્રદીપ શર્મા સાદિક કાલિયા પરવેઝ સિદ્દીકી, રફીક ડબ્બાવાળા અને લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટરમાં સામેલ હતો.

વર્ષ 2006થી 2013 સુધીમાં પ્રદીપના અંડરવર્લ્ડ સાથે સંપર્કની વાતો સામે આવા માંડી આ સાથે લખન ભૈયા ફેક એન્કાઉન્ટર કેસમાં તેનું નામ આવતા શર્માની છબી એક વિવાદાસ્પદ પોલીસ અધિકારીની બની ગઈ હતી. તેમના પર કોર્ટ કેસ પણ ચાલ્યા. આ સાથે તેમના એન્કાઉન્ટર પર ઘણી બોલીવુડ ફિલ્મ પણ બનાવવામાં આવી. વર્ષ 2019માં તેને voluntary retirement લીધું અને શિવસેના પાર્ટીમાં જોડાયા.

Click on your DTH Provider to Add TV9 Gujarati