ઓમિક્રોનનો આતંક : અમેરિકાથી મુંબઈ આવેલો વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત, તંત્રની વધી ચિંતા
BMCએ જણાવ્યુ હતુ કે, એરપોર્ટ પર તપાસ દરમિયાન આ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો હતો. આ પછી તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે.
Maharashtra : દેશમાં ઓમિક્રોનના(Omicron Variant) વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે. તેની વચ્ચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation) એ એક રીલીઝ જારી કરીને માહિતી આપી છે કે અમેરિકાના(America) ન્યુયોર્કથી મુંબઈ પરત ફરેલ 29 વર્ષીય વ્યક્તિ ઓમીક્રોન પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. નવાઈની વાત તો એ છે કે, આ વ્યક્તિમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા.
BMCએ વધુમાં જણાવ્યુ હતુ કે, એરપોર્ટ પર તપાસ દરમિયાન આ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો હતો. આ પછી તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 40ને પાર
BMCએ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા બે લોકોની પણ તપાસ કરી હતી. તપાસમાં બંનેનો નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ નવા કેસ સાથે મુંબઈમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. જેમાંથી પાંચ સંક્રમિત વ્યક્તિ મુંબઈ બહારના છે. જેમાંથી 13 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે.
મુંબઈમાં કલમ 144 લાગુ
મુંબઈમાં વધતા ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખીને 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. કલમ 144 અંગે મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ (Corona Omicron Variant) ઓમિક્રોનના સંક્રમણને રોકવા ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટા કાર્યક્રમો પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં અત્યાર સુધીમાં કુલ 40 કેસ મળી આવ્યા છે. જો દેશની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેસ , રાજસ્થાનમાં 17, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3, કેરળમાં 7, આંધ્રપ્રદેશમાં 1, તેલંગાણામાં 8, પશ્ચિમ બંગાળમાં 1, ચંદીગઢમાં 1 અને તમિલનાડુમાં 1 કેસ નોંધાયા છે.
ઓમિક્રોનથી હાહાકાર
શુક્રવારે દેશમાં એક દિવસમાં ઓમિક્રોનના 24 નવા કેસ સામે આવતા કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. સંક્રમણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ લોકોને બિન-જરૂરી મુસાફરી અને સામૂહિક મેળાવડા ટાળવા અને નવા વર્ષની મોટા પાયે ઉજવણી ન કરવા સલાહ આપી છે. કર્ણાટકમાં પ્રથમ કેસ નોંધાયાના માત્ર 15 દિવસ પછી ઓમિક્રોન કેસની સંખ્યા 100ને પાર પહોંચી જતા લોકોની ચિંતા વધી છે.
આ પણ વાંચો : સમીર વાનખેડેને ન મળ્યું એક્સટેન્શન, 31 ડિસેમ્બરે NCBમાંથી પૂરી થશે સેવા, વિવાદોમાં ઘેરાયેલો રહ્યો કાર્યકાળ