કચ્છ : રણ ઉત્સવની પુર્ણાહુતિ, ગત વર્ષ કરતા 50,000 વધુ પ્રવાસીઓ આવ્યા, આવક પણ વધી
કચ્છના રણ ઉત્સવમાં ભારતીય પ્રવાસીઓ સાથે વિદેશી પ્રવાસીઓ માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ કોરોના મહામારીની સીધી અસર વિદેશથી કચ્છ આવતા પ્રવાસીઓ પર જોવા મળી છે. જ્યા વર્ષ 2018-19માં 2318 તથા 2019-20માં 2342 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા.
કચ્છના (Kutch) ધોરડોમાં દર વર્ષે આયોજીત થતા રણ ઉત્સવની (Rann Utsav) આજે સત્તાવાર પુર્ણાહુતી થઇ છે. ધોરડોમાં ઉભી કરાયેલી ટેન્ટસીટી થોડા દિવસ પહેલા જ બંધ કરી દેવાયા બાદ આજે વહીવટી તંત્રએ રણ ઉત્સવને પુર્ણ (Finish) જાહેર કર્યો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ (Tourists)આ રણ ઉત્સવની મુલાકાતે આવતા હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે પ્રવાસીઓની સંખ્યા ગત વર્ષે ખુબ ઘટી હતી. જોકે ચાલુ વર્ષે થોડી છુટછાટ મળતા ફરી પ્રવાસીઓની સંખ્યા ગત વર્ષ કરતા 50 હજાર વધી છે. તો સરકારને ટુરીસ્ટ મુલાકાત ફીની આવકમાં પણ વધારો થયો છે. જોકે કોરોના મહામારીની સૌથી વધુ અસર થઇ હોય તો તે વિદેશી પ્રવાસીઓ પર થઇ છે. જ્યા વર્ષ-18,19 અને 19-20 માં 2300થી વધુ પ્રવાસીઓ રણ ઉત્સવમાં આવ્યા હતા. ત્યાં પાછલા બે વર્ષમાં માત્ર 144 પ્રવાસીઓ જ આવ્યા છે.
ગત વર્ષ કરતા પ્રવાસી વધ્યા
કોરોનાના કેસો વધતા સરકારે પ્રવાસન સહિત તમામ હેરફેર પર ચોક્કસ નિયત્રંણો લગાવ્યા હતા. જેની અસર કચ્છના પ્રવાસન પર પણ થઇ હતી. જ્યાં એક તરફ હોટલ બુકીંગથી લઇ કચ્છના ગ્રામ્ય ઉદ્યોગો પર કોરોનાની અસર થઇ હતી. તેવી જ રીતે ગત વર્ષે 20-21માં 1.30 લાખ પ્રવાસીઓએ જ કચ્છની મુલાકાત કરી હતી. જેની સરખામણીએ ચાલુ વર્ષે 1.80 લાખ પ્રવાસીઓ કચ્છના સફેદરણની મુલાકાતે આવ્યા હતા. ઓનલાઇન તથા ભીરંડીયારા ખાતે પ્રવાસીઓને પરમીટ થકી સરકારને ગત વર્ષે 1.33 કરોડ રૂપીયાની આવક થઇ હતી. જ્યાં ચાલુ વર્ષે 1.85 કરોડ રૂપિયાની આવક થઇ છે. ચાલુ વર્ષે 726 બસો સાથે અન્ય વાહનો મારફતે પ્રવાસીઓ કચ્છના સફેદરણની મુલાકાતે આવ્યા હતા.
વિદેશી પ્રવાસીઓ 2 વર્ષમાં બહુ ઓછા
કચ્છના રણ ઉત્સવમાં ભારતીય પ્રવાસીઓ સાથે વિદેશી પ્રવાસીઓ માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ કોરોના મહામારીની સીધી અસર વિદેશથી કચ્છ આવતા પ્રવાસીઓ પર જોવા મળી છે. જ્યા વર્ષ 2018-19માં 2318 તથા 2019-20માં 2342 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ત્યાં 2020-21 માં 55 જ્યારે વર્ષ 21-21માં 89 વિદેશી પ્રવાસીઓ કચ્છ રણ ઉત્સવમાં મહાલવા આવ્યા હતા. હા વર્ષ 2018-19 તથા 2019-20માં અન્ય પ્રવાસીઓની સંખ્યા વિશેષ હતી. વર્ષ 2018-19માં 2.78 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. જેના થકી સરકારને 2.85 કરોડની આવક થઇ હતી. તો 2019-20 માં 1.97 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. જેનાથી સરકારને મુલાકાત ફી પેટે 2.04 કરોડની આવક થઇ હોવાનુ મામલતદાર વિવેક બારહટે જણાવ્યું હતું.
કોરોના મહામારીએ વિશ્વની સાથે ભારતને પણ ભરડામાં લીધો હતો. ત્યારે અનેક વ્યવસાય અને ઉદ્યોગો પર તેની અસર પડી હતી. કચ્છમાં પણ પ્રવાસન ક્ષેત્ર પર કોરોનાના વધતા કેસ અને સરકારની નિયત્રંણોની અસર આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાય છે. જોકે ગત વર્ષની તુલનાએ આ વર્ષે પ્રવાસીઓ વધ્યા છે જે પોઝીટવ બાબત છે. અને હવે આવનારા વર્ષમાં ફરી કચ્છ પ્રવાસીઓનુ પસંદનું સ્થળ બને તેવી આશા તંત્ર અને પ્રવાસન સાથે જોડાયેલા લોકોને છે.
આ પણ વાંચો : વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ, કોંગ્રેસ બેઠકમાં ભાગ લેવાને બદલે માત્ર રાજનીતિ કરે છે : જીતુ વાઘાણી
આ પણ વાંચો : Junagadh: શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં 8 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, કાલે શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે