Bullet Train Video : ભારતની પહેલી બુલેટ ટ્રેનમાં 16 કોચ, મફત વાઇ-ફાઇ અને અન્ય સુવિધાઓ હશે, જુઓ Video
ભારતની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન 'ભારત 28' (B-28) મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે નિર્માણાધીન છે. બેંગલુરુમાં BEML દ્વારા તૈયાર થતી આ ટ્રેન 249 કિમી/કલાકની ઓપરેશનલ સ્પીડ ધરાવશે.

ભારતની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન હવે હકીકત બનવાની દિશામાં આગળ વધી રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે તૈયાર થઈ રહેલી આ ટ્રેનનું નામ ‘ભારત 28’ (B-28) રાખવામાં આવ્યું છે. હાલમાં બેંગલુરુ સ્થિત ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ની ફેક્ટરીમાં તેના પ્રોટોટાઇપનું નિર્માણ ચાલી રહ્યું છે. આ ટ્રેનમાં 8 કોચ હશે અને એકસાથે 557 મુસાફરો મુસાફરી કરી શકશે.
249 કિમી પ્રતિ કલાકની હશે ઓપરેશનલ સ્પીડ
‘ભારત 28’ ટ્રેનને 280 કિમી પ્રતિ કલાકની મહત્તમ ટેસ્ટ સ્પીડ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે તેની ઓપરેશનલ સ્પીડ 249 કિમી પ્રતિ કલાક રહેશે. તેમાં 7 સ્ટાન્ડર્ડ ક્લાસ અને 1 એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ હશે. જરૂરિયાત મુજબ બે ટ્રેનને જોડીને 16 કોચની ટ્રેન પણ બનાવી શકાશે.
સ્ક્વીઝ ટેસ્ટ બાદ થશે આગળની કામગીરી
1 નવેમ્બરે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં BEMLની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. હાલમાં ટ્રેનના પ્રથમ કોચનો ‘સ્ક્વીઝ ટેસ્ટ’ અંતિમ તબક્કામાં છે. આ પરીક્ષણમાં ટ્રેનનું માળખું ભારે દબાણ સામે કેટલું મજબૂત છે તેની તપાસ કરવામાં આવે છે.
આ ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેમાં પ્રોપલ્શન સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો લગાવવામાં આવશે. ત્યારબાદ 50 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી, ઠંડી, ધૂળ અને ભારે વરસાદ જેવી પરિસ્થિતિઓમાં ક્લાઇમેટિક ટેસ્ટિંગ કરવામાં આવશે.
મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ
આ ટ્રેનમાં મુસાફરો માટે Wi-Fi, મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ, મોટી બારીઓ, LED લાઇટિંગ અને આધુનિક બાયો-ડાઇજેસ્ટર ટોઇલેટ જેવી સુવિધાઓ હશે. દિવ્યાંગ મુસાફરો માટે વ્હીલચેરની સુવિધા, ખાસ બેઠકો અને બ્રેઇલ લિપિવાળા માહિતી બોર્ડ પણ આપવામાં આવશે.
આ ઉપરાંત ટ્રેનમાં રિજનરેટિવ બ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થશે, જે બ્રેક મારતી વખતે ઉત્પન્ન થતી ઊર્જાને ફરી ઇલેક્ટ્રિકલ ગ્રીડમાં મોકલવામાં મદદ કરશે.
The Making of Bharat’s First Bullet Train BEML Factory, Bengaluru
#Bharat_BulletTrain https://t.co/L3WhfXMXfG
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 1, 2026
ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન?
રેલવેના આયોજન મુજબ 2027-28ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સુરત-વાપી વચ્ચેના આશરે 100 કિમીના રૂટ પર ટ્રેનનું ટેસ્ટિંગ શરૂ કરવાનું લક્ષ્ય છે. જ્યારે ઓગસ્ટ 2027થી કોમર્શિયલ સંચાલન શરૂ કરવાની યોજના છે.
508 કિમી લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરને ડિસેમ્બર 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ‘ભારત 28’ ટ્રેન સ્વદેશી હાઈસ્પીડ રેલ ટેક્નોલોજી વિકસાવવાની દિશામાં ભારતનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
