કેમિકલવાળા ફેસવોશથી પિમ્પલ્સ થઈ રહ્યા છે? રસોડાની આ 5 વસ્તુથી ઘરે જ બનાવો ‘નેચરલ ફેસવોશ’, ચહેરા પર આવશે ‘કુદરતી નિખાર’
કેમિકલયુક્ત ફેસવોશના કારણે ઘણીવાર ચહેરા પર પિમ્પલ્સ કે ખીલ થવા લાગે છે. જો તમે પણ ત્વચાને કુદરતી રીતે સ્વસ્થ અને ગ્લોઈંગ બનાવવા માંગો છો, તો ઘરે જ આ 100% નેચરલ ફેસવોશ બનાવો, જેનાથી કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર ચહેરા પર સુંદર નિખાર આવશે.

ચેહરાને સાફ અને સુંદર જાળવી રાખવા માટે રોજ ફેસવોશ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, દિવસમાં 2 વખત ફેસવોશ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને નિખાર આવે છે. મોટાભાગના લોકો બજારમાં મળતા ફેસવોશનો ઉપયોગ કરે છે. જો કે, તેમાં રહેલા કેમિકલ્સથી સાઈડ ઈફેક્ટ્સનું જોખમ રહેલું છે.
ઘણી વખત ખોટું ફેસવોશ વાપરવાથી ત્વચા પર પિમ્પલ્સ અને ખીલ થવા લાગે છે. એવામાં કેટલાક ઘરેલુ નુસ્ખા જ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ જ સંદર્ભમાં આજે અમે તમને ઘરે નેચરલ ફેસવોશ બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ. તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે સાઈડ ઈફેક્ટ્સનું જોખમ ઘટી જાય છે.
નેચરલ હોમમેડ ફેસવોશ બનાવવા માટેની સામગ્રી:
- બેસન
- ચંદન પાઉડર
- મુલતાની માટી
- કસ્તૂરી હળદર
- ચોખાનો લોટ
કેવી રીતે બનાવવું?
આ હોમમેડ ફેસવોશ બનાવવું ખૂબ જ સરળ છે. આ માટે તમે એક વાસણમાં 2 ચમચી બેસન, 2 ચમચી ચંદન પાઉડર, 1 ચમચી મુલતાની માટી, 1 ચમચી કસ્તૂરી હળદર અને 1 ચમચી ચોખાનો લોટ નાખો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી દો.
તેનો ઉપયોગ કરવા માટે તમે પાઉડરમાં જરૂરિયાત મુજબ ગુલાબજળ ઉમેરો અને એક પેસ્ટ તૈયાર કરી લો. આ સિવાય જો તમારી સ્કિન ડ્રાય (શુષ્ક) રહેતી હોય તો તમે દૂધ પણ ઉમેરી શકો છો. હવે તમારું નેચરલ ફેસવોશ તૈયાર છે.
કેવી રીતે ઉપયોગ કરવો?
આ નેચરલ ફેસવોશનો ઉપયોગ કરવા માટે તમે આ પેસ્ટને ચહેરા પર હળવા હાથે લગાવો. ત્યારબાદ 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી સાફ અને ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો.
શું છે ‘ફાયદા’?
આ નેચરલ ફેસવોશમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ત્વચાને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. સાથે જ તેના નિયમિત ઉપયોગથી તમારી ત્વચા ગ્લોઈંગ બનશે, ટેનિંગ દૂર થશે અને ચહેરા પર નિખાર આવશે. ધ્યાન રાખો કે, તમે આ ફેસવોશનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરી લો.
