વાળ ખરવાની સમસ્યાથી છો ‘પરેશાન’? કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સને કહો ‘બાય-બાય’, આ કુદરતી તેલથી અટકાવો ‘Hair fall’
બદલાતી લાઈફસ્ટાઈલ, પ્રદૂષણ અને કેમિકલ પ્રોડક્ટ્સના કારણે શું તમારા વાળ પણ ઝડપથી ખરી રહ્યા છે? મોંઘા હેર પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચવા છતાં જો કોઈ ફરક નથી પડી રહ્યો, તો હવે દેશી અને કુદરતી ઉપાય અપનાવવાનો સમય આવી ગયો છે.

કેમિકલથી ભરેલા પ્રોડક્ટ્સ, ખરાબ હવામાન અને પ્રદૂષણના કારણે વાળનું તૂટવું-ખરવું ખૂબ જ સામાન્ય બની ગયું છે. નાની ઉંમરમાં જ આજકાલ લોકો વાળ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. સ્ટ્રેસ, બદલાતી લાઈફસ્ટાઈલ, પ્રદૂષણ, ખરાબ ખાનપાન અને કેમિકલ પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ વાળ પર પણ અસર કરે છે.
જો તમે પણ વાળના ખરવા અને તૂટવાથી પરેશાન છો, તો તમે બજારમાંથી મોંઘા પ્રોડક્ટ્સ ખરીદીને લગાવવાને બદલે દેશી વસ્તુઓ પર ભરોસો કરીને જોઈ શકો છો.
જૂના જમાનામાં વાળ લાંબા સમય સુધી મજબૂત રહેતા હતા પરંતુ આજકાલ નાના બાળકોમાં પણ હેરફોલ થઈ રહ્યો છે. એવામાં વાળ માટે કોળાના બીજનું તેલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વાળ માટે વરદાન છે ‘કોળાના બીજનું તેલ’
કોળાના બીજનું તેલ વાળ અને સ્કેલ્પ (માથાની ત્વચા) માટે ફાયદાકારક માનવામાં આવે છે. કોળાના બીજમાં હેલ્ધી ફેટ્સ, વિટામિન E, ઝિંક, મેગ્નેશિયમ અને પ્લાન્ટ સ્ટેરોલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. આ પોષક તત્વો સ્કેલ્પને પોષણ આપે છે અને વિટામિન E એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે, જ્યારે હેલ્ધી ફેટી એસિડ્સ ડ્રાય સ્કેલ્પને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરી શકે છે.
ઘરે કેવી રીતે બનાવવું કોળાના બીજનું તેલ?
સામગ્રી:
- અડધો કપ કાચા કોળાના બીજ
- 1 કપ નાળિયેર અથવા સ્વીટ આલ્મંડ (બદામ) ઓઈલ
- 1 મોટી ચમચી કેસ્ટર ઓઈલ (એરંડિયું)
બનાવવાની રીત
- સૌથી પહેલા કોળાના બીજને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ હળવા શેકી લો. ધ્યાન રાખો કે, બીજ બળી ન જાય. ઠંડા થયા પછી તેને હળવા અધકચરા પીસી લો.
- હવે એક પેનમાં નાળિયેર કે સ્વીટ આલ્મંડ ઓઈલ લઈને ડબલ બોઈલર પદ્ધતિથી હળવું ગરમ કરો. તેમાં પીસેલા કોળાના બીજ ઉમેરીને ખૂબ જ ધીમા તાપે લગભગ 30 થી 45 મિનિટ સુધી ગરમ કરો.
- ગેસ બંધ કરીને તેલને પૂરી રીતે ઠંડુ થવા દો. ત્યાર પછી તેને મલમલના કપડાં અથવા ઝીણી ગળણીથી ગાળીને સાફ, સૂકી અને ઘેરા રંગની કાચની બોટલમાં ભરી લો.
કેવી રીતે કરવો ઉપયોગ?
અઠવાડિયામાં એકવાર આ તેલથી 5 થી 10 મિનિટ હળવા હાથે તમારા સ્કેલ્પ પર મસાજ કરો. થોડા કલાકો પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. તમે ઈચ્છો તો આ તેલને એલોવેરા જેલ સાથે મિક્સ કરીને હેર માસ્ક તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
શું કહે છે રિસર્ચ?
કેટલાક રિસર્ચ અનુસાર, કોળાના બીજના તેલ અને વાળના ગ્રોથ વચ્ચે સકારાત્મક સંકેતો મળ્યા છે પરંતુ તેને હેર ફોલનો ચમત્કારી ઈલાજ માની શકાય નહીં.
જો વાળ અચાનક ખૂબ વધારે ખરી રહ્યા હોય, પેચિસ બની રહ્યા હોય કે લાંબા સમયથી સમસ્યા હોય, તો ડોક્ટરની સલાહ જરૂર લો. હેર ફોલ પાછળ આયર્નની કમી, થાઈરોઈડ, હોર્મોનલ ફેરફાર કે અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે.
