સમગ્ર ગુજરાત અત્યારે અગનભઠ્ઠી બન્યું છે અને હીટવેવની પરિસ્થિતિ છે ત્યારે સ્વાભાવિક છે કે એરકન્ડિશનના વપરાશ અને વેચાણમાં વધારો થયો છે. આવા સમયે સરકાર એવી દિશામાં વિચારણા કરી રહી છે કે એસી (AC) નું ઉત્પાદન કરતી કંપનીઓ એસીનું તાપમાન 24 ડિગ્રી નકકી કરીને રાખે. જેનાથી વ્યક્તિના (Health)સ્વાસ્થ્ય, પર્યાવરણ અને વીજબિલ (light Bill) માં ફાયદો થાય.
જો તમારા એરકન્ડિશનનું તાપમાન 24 પર રાખેલું હશે તો તમારા વીજબિલમાં પણ ઘણો ફાયદો થશે. તે બાબત હવે મોટા ભાગના લોકો જાણે છે. વળી હવે એસી એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે જે ઓછી વીજળી વાપરે. સાથે જ સતત એસીમાં રહેવાથી સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થઈ શકે છે તે અંગે પણ માહિતી મેળવવી જોઈએ.
ઉનાળાના સમયમાં ઓફિસ હોય કે ઘર સતત એસી ચાલતા હોય છે ત્યારે મોટા ભાગના લોકો ઘણા લાંબા કલાકો સુધી એસીમાં રહે છે. આ સંજોગોમાં વ્યક્તિને માથાનો દુખાવો, શરદી ખાંસી તેમજ ડ્રાય સ્કિનની સમસ્યા થઈ શકે છે. ઘણી વખત વ્યક્તિને ગળાનો દુખાવો પણ થઈ શકે છે.
ગરમીના સમયમાં લોકો બહારથી આવીને તુરંત એસી 16 કે 18 ડિગ્રી કરીને બેસી જાય છે. તબીબોના મતે આરોગ્ય માટે તે યોગ્ય નથી. તેનાથી શરીરનું તાપમાન અને ભેજ યોગ્ય રીતે જળવાતો નથી. માટે હંમેશાં એ અંગેનું ધ્યાન રાખવું.
થોડા સમય પહેલા કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે AC નું ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી રાખવાનું સૂચન કર્યું હતું. આમ કરવાથી કાર્બન ઉત્સર્જનું પ્રમાણ ઘટે છે અને વાતાવરણમાં ગરમી ઓછી ભળે છે. વળી આગામી સમયમાં વીજળીની માંગમાં વધારો થશે. તો ઉર્જા મંત્રાલય દ્વારા એર કન્ડીશનર બનાવતી કંપનીઓને 24 ડિગ્રી તાપામાન સેટ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું.
આપણે જાણ્યું કે 16 કે 18 ડિગ્રી તાપમાન સ્વાસ્થ્ય માટે સારું નથી. સાથે જ એસીના કોમ્પ્રેસરને ઓછા તાપમાને સતત ચાલવું પડે છે. તમે જો એસી 24 ડિગ્રી પર ચલાવો છો તો રૂમનું તાપામાન જે સમયે 24 ઉપર પહોંચશે ત્યારે તમારા એરકન્ડિશનનું કોમ્પ્રેસર બંધ થઈ જશે. પછી માત્ર તેમાં ફિટ કરેલો પંખો જ ફર્યા કરશે. અને જ્યારે તાપમાનનો પારો ઉંચો જાય છે તો ત્યારે કોમ્પ્રેસર ફરીથી ચાલું થાય છે તેનાથી ક્મ્પ્રેસર પરનો બોજો ઘટે છે. અને તેના કારણે તમારા વીજબિલમાં ઘટાડો થાય છે.
નોંધ- આ લેખ વાચકોની માહિતિમાં વધારો કરવા માટે લખવામાં આવ્યો છે. આ તમામ માહિતિને લઈ તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે.