રાજ્ય સરકારના મુખ્ય સચિવ તરીકે રાજકુમારે ચાર્જ સંભાળી લીધો છે. નવા સચિવ રાજ કુમારે પંકજ કુમારનું સ્થાન લીધુ છે. નોંધનીય છે કે પંકજ કુમારની ટર્મ 31મી જાન્યુઆરી એટલે કે આજે પૂર્ણ થઈ છે, આથી તેમના સ્થાને રાજ કુમારે પદ ભાર ગ્રહણ કર્યો છે. અત્યાર સુધી રાજકુમાર ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ પદે ફરજ બજાવી રહ્યાં હતા. આ ઉપરાંત ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગની જવાબદારી પણ રાજ કુમાર સંભાળી ચુક્યા છે.
નવા મુખ્ય સચિવ રાજ કુમારને પંકજ કુમારે શુભેચ્છા પાઠવી હતી. તેમણે TV9 સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકારને નવા મુખ્ય સચિવ તરીકે રાજ કુમાર મળ્યા છે. તે ખૂબ જ સક્ષમ અધિકારી છે. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત નવી ઊંચાઇ સર કરશે. તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તો આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે વહીવટ એ સતત ચાલતી પ્રક્રિયા છે.બહુ આયામી છે અને દરેક આયામ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને એમા જે નવુ કરી શકાય, વિકાસ કરી શકાય એ પ્રકારનો અમારો સતત પ્રયાસ રહ્યો છે.
1987ની ગુજરાત કેડરના અધિકારી રાજ કુમારને વિવિધ વિભાગોમાં કામ કરવાનો બહોળો અનુભવ છે. રાજ કુમાર મૂળ ઉત્તરપ્રદેશના બદાયુના વતની છે. અને IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. આ ઉપરાંત જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
Senior Bureaucrat Raj Kumar takes charge as new Chief Secy of #Gujarat . #Tv9News pic.twitter.com/4V5XyHAmBa
— Tv9 Gujarati (@tv9gujarati) January 31, 2023
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સટેન્શન 31 જાન્યુઆરીએ પૂરું થયુ છે. ત્યારે મુખ્ય સચિવ પદ માટે અનેક વરિષ્ઠ IAS અધિકારીઓના નામની ચર્ચા ચાલી રહી હતી. જેમાં ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારનું નામ મોખરે હતું. જ્યારે કેન્દ્રમાં રહેલા એસ. અપર્ણા, બી.બી શ્વેન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ પણ ચર્ચામાં હતું. જો કે બાદમાં રાજ કુમારના નામ પર અંતિમ મહોર મારવામાં આવી હતી.