પાકિસ્તાન PM શાહબાઝને મહેમાન બનાવવાથી તુર્કીએ મનાઈ કરી ? શરીફે યાત્રા કરી સ્થગિત
તુર્કી અને સીરિયામાં આવેલા અત્યંત ભયંકર અને વિનાશક ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે. આ જીવલેણ ભૂકંપમાં 15,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વભરના દેશોએ એકતા દર્શાવતા સીરિયા અને તુર્કીને મદદની ઓફર કરી છે. પાકિસ્તાને પણ તેને તકમાં બદલવાનો પ્રયાસ કર્યો, જેનો પાકિસ્તાનને વળતો જવાબ મળ્યો છે.
સોમવારે આવેલા ભૂકંપથી તુર્કી અને સીરિયામાં તબાહી મચી ગઈ છે. વિનાશ પછી, વિશ્વભરના દેશોએ સીરિયા અને તુર્કીને મદદની ઓફર કરી છે. વિશ્વભરના દેશો તુર્કીમાં રાહત સામગ્રી અને બચાવ ટીમો મોકલી રહ્યા છે. ભારત ઓપરેશન દોસ્ત હેઠળ બંને દેશોને મદદ પણ કરી રહ્યું છે. પાકિસ્તાને આ દુર્ઘટનાને તકમાં બદલવાનો પ્રયાસ કર્યો, જેનો તેને વળતો જવાબ મળ્યો.
હકીકતમાં, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તુર્કી સાથે એકતા દર્શાવવા રાજધાની અંકારાની મુલાકાતની જાહેરાત કરી હતી. પરંતુ રિપોર્ટ અનુસાર, ભૂકંપથી પ્રભાવિત તુર્કીએ શહેબાઝ શરીફની મેજબાની કરવાનો ઇનકાર કરીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય અને રાજદ્વારી સ્તરે બેઈજ્જતી કરી છે. આ પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તુર્કીનો પ્રવાસ સ્થગિત કરવો પડ્યો હતો.
મેજબાની કરવાની કરી મનાઈ
વિનાશક ભૂકંપના એક દિવસ પછી પાકિસ્તાનના માહિતી પ્રધાન મરિયમ ઔરંગઝેબે ટ્વિટર પર એક નિવેદન જાહેર કરીને કહ્યું, વડાપ્રધાન શાહબાઝ શરીફ આવતીકાલે સવારે તુર્કીની મુલાકાત લેવા અંકારા જશે. તેઓ રાષ્ટ્રપતિ અર્દોઆન પ્રત્યે સંવેદના વ્યક્ત કરશે. ગુરુવારે બોલાવવામાં આવેલી APC બેઠક સ્થગિત કરવામાં આવી રહી છે. સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.
The last thing Turkey wants at a time like this is to look after state guests. Please send relief staff only.
— Azam Jamil اعظم (@AzamJamil53) February 7, 2023
જો કે તેમના ટ્વિટના થોડા કલાકો પછી તુર્કીના વડાપ્રધાનના ભૂતપૂર્વ વિશેષ સહાયક આઝમ જમીલે ટ્વિટ કરીને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને હોસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, “તુર્કી આ સમયે માત્ર અને માત્ર તેના દેશના નાગરિકોની સંભાળ રાખવા માંગે છે. તેથી કૃપા કરીને માત્ર રાહત કાર્યકરોને જ મોકલો.”
તુર્કી પ્રવાસ રદ્દ કરવા પાછળ પાકિસ્તાને કહી આ વાત
પાકિસ્તાને ભૂકંપ બાદ ચાલી રહેલા રાહત કાર્ય અને ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન શાહબાઝ શરીફની તુર્કીની મુલાકાત રદ્દ કરવા માટે જવાબદાર ગણાવ્યું છે. પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, વિશાળ ભૂકંપ બાદ ચાલી રહેલા રાહત કાર્યને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મુલાકાત સ્થગિત કરવામાં આવી છે.
વડાપ્રધાને તેમના ભાઈ દેશ તુર્કીના ભૂકંપ પીડિતોને તેમના મુશ્કેલ સમયમાં સહાય કરવા માટે વડા પ્રધાન રાહત ફંડની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય કેબિનેટે એક મહિનાનો પગાર રાહત ફંડમાં દાન કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાને તુર્કીને ઉદાર મદદની અપીલ કરી છે.
પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું
પાકિસ્તાની અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ ‘ધ ટ્રિબ્યુન એક્સપ્રેસ’ અનુસાર, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન શાહબાઝ શરીફ તુર્કી જવાના હતા. પરંતુ ખરાબ હવામાન અને રાહત પ્રયાસોને કારણે તુર્કીની વ્યસ્તતાને કારણે આ મુલાકાત સ્થગિત કરવામાં આવી હતી. ફરીથી સુનિશ્ચિત થવાની અપેક્ષા છે અને નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.