Earthquake In Turkey Latest Updates: વિનાશકારી ભૂકંપ બાદ તબાહી ! તુર્કીમાં દુર્ઘટના બાદ વોલીબોલ ટીમ ગાયબ, પરિવારના વ્હાલસોયાને શોધવા રઝળપાટ
તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ બાદ ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના મોત થયા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધી આ આંકડો 15,000ને પાર પહોંચી ગયો છે.એક મીડિયા અહેવાલ અનુસાર, ભૂકંપ બાદ એક શાળાની આખી વોલીબોલ ટીમ ગાયબ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ તેઓ જે હોટલમાં રોકાયા હતા તે હોટલ ધરાશાયી થઈ ગઈ છે. આ હાઈસ્કૂલ વોલીબોલ ટીમના લગભગ 30 સભ્યો હતા, જે ભૂકંપના થોડા દિવસો પહેલા તુર્કીના કબજા હેઠળના સાયપ્રસથી દક્ષિણ તુર્કીમાં ગયા હતા. હાલ આ લોકો લાપતા છે અને તેમના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ યુવા ખેલાડીઓ અને તેમના શિક્ષકો અદિયામાનની ઈસિયાસ હોટલમાં રોકાયા હતા.આ સમય દરમિયાન,આ વિસ્તારમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 15,000 થી વધુ લોકો માર્યા ગયા છે. તો બીજી તરફ ભૂકંપમાં શહેરની મોટાભાગની બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી,જેમાં હજારો લોકો ફસાઈ ગયા છે જેનો પગલે રેસક્યુ હાથ ધરવામાં આવ્યુ છે.
દુર્ઘટના બાદ ટીમ તરફથી કોઈ સંપર્ક નથી
ગુમ થયેલા ખેલાડીઓ અને શિક્ષકોના સંબંધીઓએ જણાવ્યુ હતુ કે સોમવારની દુર્ઘટના પછી તેઓનો ટીમ સાથે કોઈ સંપર્ક થયો નથી. આ ટીમ સાયપ્રસના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના શહેર ફામાગુસ્તાની છે, જેને 1974માં તુર્કીના સૈનિકોએ કબજે કરી લીધું હતું. અધિકારીઓને શંકા છે કે ગુમ થયેલાઓમાં નામિક કેમલ હાઈસ્કૂલ અને મારિફ તુર્કિશ કોલેજના લોકો સામેલ છે. હાલ તેઓની શોધખોળ ચાલી રહી છે.
ટીમમાં કુલ 28 વિદ્યાર્થીઓ અને તેમના એસ્કોર્ટનો સમાવેશ
તુર્કી અને સીરિયામાં હજારો લોકોના મોત બાદ સોમવારે સાંજે તુર્કી અને ઉત્તરમાં સાત દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી. સંબંધીઓ અને ‘નાગરિક સુરક્ષા’ ટીમ ઉત્તર તરફ તુર્કીના અદિયામાન તરફ રવાના થઈ છે, જ્યાં ઉત્તરી ફામાગુસ્તાની એક વોલીબોલ ટીમ રોકાઈ હતી. તમને જણાવી દઈએ કે આ ટીમ અહીં ચેમ્પિયનશિપ રમવા પહોંચી હતી. ટીમમાં કુલ 28 વિદ્યાર્થીઓ અને તેમના એસ્કોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.