છેલ્લા 11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવ્યાં
ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં કુલ 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી સ્વદેશ પરત મોકલાયા છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતના અંદાજિત 123 માછીમારો સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. સરકારે સ્પષ્ટતા કરી કે માછીમારોની સલામતી અને વહેલી મુક્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સતત પાકિસ્તાન સમક્ષ માનવતાના ધોરણે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં માહિતી આપી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન, અત્યારસુધીમાં ગુજરાતના 18 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે, જ્યારે 01 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના અંદાજિત 123 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. જ્યારે કેલેન્ડર વર્ષ 2024માં ગુજરાતના એક પણ માછીમારને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા નહોતા, જે પૂર્વે 2023માં 432 માછીમારોને મુક્ત કરાયા હતા.
ભારતીય માછીમારોની સલામતી
આ અંગે વિગતવાર જણાવતા, મંત્રીએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, ભારતીય માછીમારોની સલામતી, સુરક્ષા અને કલ્યાણને ભારત સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ભારતીય માછીમારોની ધરપકડની ઘટનાઓની જાણ થતાં જ, ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન દ્વારા પાકિસ્તાન સરકાર પાસેથી કોન્સ્યુલર ઍક્સેસ મેળવવા તાત્કાલિક કાર્યવાહી કરાય છે.
કોન્સ્યુલર ઍક્સેસ દરમિયાન, ભારતીય હાઈકમિશનના અધિકારીઓ પાકિસ્તાની જેલોમાં કેદ ભારતીય મનાતા માછીમારોની મુલાકાત લે છે જેથી તેમની સુખાકારી વિશે જાણી શકાય અને રોજિંદા વપરાશની ચીજોનું તેમનામાં વિતરણ કરી શકાય. ભારતીય માછીમારોને તેમની બોટ મુક્ત કરવા સહિત તેમની વહેલી મુક્તિ અને પરત સ્વદેશ મોકલવા માટે કાનૂની સહાયતા સહિતની તમામ શક્ય મદદ કરાય છે. પાકિસ્તાન સરકાર સમક્ષ સતત આ મુદ્દો ઉઠાવાય છે, જે દર્શાવે છે કે આ મુદ્દાને ફક્ત માનવતા અને આજીવિકા રળવાના પ્રયાસના ધોરણે વિચારણા હેઠળ લેવામાં આવે.
ગુજરાતના માછીમારો કેટલા હતા
ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એકબીજાની જેલમાં બંધ પરસ્પરના માછીમારો અને નાગરિક કેદીઓની યાદીઓનું આદાન-પ્રદાન કરે છે. 01.01.2025ના રોજ એકબીજાને અપાયેલી યાદીઓ અનુસાર, પાકિસ્તાને 217 ભારતીય મનાતા માછીમારોની કસ્ટડી પોતાની પાસે હોવાનું સ્વીકાર્યું હતું. આ યાદીઓના આદાન-પ્રદાન પછી, માર્ચ 2025 સુધીમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થવાનો તેમજ 22 ભારતીય માછીમારોને મુક્ત કરીને ભારત પરત મોકલાયા હોવાનો અંદાજ છે. હાલમાં પાકિસ્તાનમાં કેદ બાકીના 194 ભારતીય મનાતા માછીમારોમાંથી, 123 માછીમારો ગુજરાતના હોવાનું મનાય છે. આ 123માંથી 33 માછીમારની 2021માં, 68 માછીમારોની 2022માં, 09 માછીમારોની 2023માં અને 13 માછીમારોની 2024માં ધરપકડ કરાઈ હતી.
