ફિરોઝ ગાંધીને કેવી રીતે મળી ગાંધી અટક ? જે પાછળથી ઈન્દિરા અને પુત્રોએ પણ અપનાવી
ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર, 1912ના રોજ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર ફરદુન ગાંધી હતું. માતાનું નામ રતિમાઈ કોમિસરિયત હતું. તેઓ મુંબઈના ખેતવાડીમાં નૌરોજી નાટકવાલા ભવનમાં રહેતા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે તેમને કેવી રીતે ગાંધી અટક મળી હતી.
પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી ગાંધી ન હતા. આ મુદ્દો ઘણીવાર ચર્ચાના ચકડોળે ચડે છે. જો તેમની અટક ગાંધી નહોતી તો પછી તેમને આ અટક કેવી રીતે મળી. જો કે, ફિરોઝ ગાંધીના જન્મ, ધર્મ અને અંતિમ સંસ્કારને લઈને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઘણી અલગ-અલગ વાતો લખવામાં આવી છે. ત્યારે હકીકત શું છે, તે જાણવા આ લેખમાં ફિરોઝ ગાંધીના જીવનચરિત્ર પર આધારિત બુક “Feroze the Forgotten Gandhi” આધારે જાણીશું કે તેમને કેવી રીતે ગાંધી અટક મળી હતી.
ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર, 1912ના રોજ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર ફરદુન ગાંધી હતું. માતાનું નામ રતિમાઈ કોમિસરિયત હતું. તેઓ મુંબઈના ખેતવાડીમાં નૌરોજી નાટકવાલા ભવનમાં રહેતા હતા. પિતા મરીન એન્જિનિયર હતા. ફિરોઝને બે ભાઈ અને બે બહેનો હતી. ફિરોઝ સૌથી નાના હતા.
પિતાના મૃત્યુ પછી ફિરોઝનો ઉછેર અલ્હાબાદમાં થયો
તેમના જીવનચરિત્રમાં બર્ટિલ ફોક લખે છે, તેમનો પહેલેથી ધ્યેય ઊંચો હતો. કોલેજ છોડી અને કોંગ્રેસના કાર્યકર બન્યા. નેહરુના અન્ય સહાયકોની જેમ, તેઓ પણ તેમને પોતાના આદર્શ માનતા આનંદ ભવનની મુલાકાત લેવા લાગ્યા. તેમનો ઉછેર અલ્હાબાદમાં તેમની અપરિણીત માસી ડૉક્ટર શીરીન કોમિસરિયતને ત્યાં થયો હતો.
તેનું કારણ એ હતું કે ફિરોઝના પિતાના મૃત્યુ બાદ તેમની માતા તેમની બહેન સાથે રહેવા અલ્હાબાદ આવી ગયા હતા. ત્યારબાદ ફિરોઝનો અહીં ઉછેર થયો હતો. ડૉક્ટર શીરીન કોમિસરિયત જાણીતા સર્જન હતા, પરંતુ તેમના પરિવારની સામાજિક સ્થિતિ નહેરુ પરિવાર કરતા ઓછી હતી. આ કારણોસર ફિરોઝને નહેરુ પરિવાર અને ઈન્દિરા ગાંધી સાથેના તેમના ઉભરતા સંબંધોમાં જીવનભર હીનતાના સંકુલનો ભોગ બનવું પડ્યું હતું.
ગાંધી અટક કેવી રીતે મળી ?
જો કે, પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, Ghandy એ પારસી ધર્મમાં ફિરોઝની અટક અથવા જાતિનું નામ હતું. સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા પછી, તેમણે ગાંધીજીથી પ્રભાવિત થઈને Ghandy બદલીને ગાંધી (Gandhi) કરી દીધું. પરંતુ ઈન્દિરા ગાંધીના ફોઈ કૃષ્ણા હાઠિસિંગે તેમના પુસ્તક ‘ઈન્દુ સે પ્રધાનમંત્રી’માં ઘણી હદ સુધી સ્પષ્ટતા કરી છે.
તેમના પુસ્તકના 9મા પ્રકરણમાં તેમણે ફિરોઝની અટક અને લગ્ન અને તેમાં આવતા અવરોધો પર પણ પ્રકાશ ફેંક્યો છે. તેમણે લખ્યું કે ફિરોઝની અટક ગાંધી હતી, તેને અપભ્રંશ તરીકે Ghandy કહેવામાં આવતું હતું. તેઓ લખે છે કે, ગાંધી એક અટક અથવા ઉપનામ છે. અન્ય ભારતીય અટકોની જેમ તે પણ પરિવારના વ્યવસાય સાથે સંબંધિત છે. જેમકે કરિયાણા કે ગાંધી તરીકે કામ કરતા હતા તેઓને ગાંધી કહેવામાં આવતા હતા.
પારસી અને હિંદુ બંને હજુ પણ ગાંધી અટકનો ઉપયોગ કરે છે
તેઓ આગળ લખે છે કે, મહાત્મા ગાંધી હિંદુ હતા અને ફિરોઝ ગાંધી પારસી હતા, તેમનો એકબીજા સાથે કોઈ સંબંધ નહોતો. પારસી ધર્મના લોકો ઝોરોસ્ટ્રિયન ધર્મમાં માને છે. આ ધર્મના પ્રણેતા પેગેમ્બર જરથુષ્ટ્રના અનુયાયીઓ છે. તેઓ માને છે કે પેગેમ્બર જરથુષ્ટ્ર સ્વર્ગમાંથી પવિત્ર અગ્નિને પૃથ્વી પર લાવ્યા હતા. તેથી જ પારસી લોકો અગ્નિની પૂજા કરે છે. તેમના મંદિરોને અગ્નિ મંદિરો કહેવામાં આવે છે.
અત્યારે પણ લોકોમાં એવી ગેરસમજ છે કે પારસી લોકો મુસ્લિમ છે. તો બિલકુલ એવું નથી. આ સંપૂર્ણપણે અલગ ધર્મ છે. હકીકતાં તેઓ લગભગ 1200 વર્ષ પહેલાં પર્શિયા અથવા ઈરાનમાં રહેતા હતા. મુસ્લિમોના ધાર્મિક અત્યાચારોથી કંટાળીને તેઓ આશ્રયની શોધમાં ભારત આવ્યા હતા.
કેવી રીતે શરૂ થઈ ઈન્દિરા અને ફિરોઝ ગાંધીની લવ સ્ટોરી ?
ઈન્દિરા અને ફિરોઝ ગાંધીની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચિત રહી હતી. કહેવાય છે કે બંનેની મુલાકાત 1930માં થઈ હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઈન્દિરાની માતા કમલા નેહરુ કોલેજની સામે વિરોધ પ્રદર્શન કરતી વખતે બેહોશ થઈ ગયા હતા. તે સમયે ફિરોઝ ગાંધી તેમની ખૂબ કાળજી લેતા હતા. ફિરોઝ અવારનવાર કમલા નેહરુના ઘરે તેમની ખબર-અંતર પૂછવા જતા. આ સમય દરમિયાન તેમની અને ઈન્દિરા ગાંધી વચ્ચે નિકટતા વધી હતી.
જ્યારે ફિરોઝ ગાંધીએ પહેલીવાર ઈન્દિરા ગાંધીને પ્રપોઝ કર્યું ત્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા અને ફિરોઝ તેમના કરતા 5 વર્ષ મોટા હતા. કમલા નેહરુએ બંને વચ્ચેની ઉંમરના તફાવતને ટાંકીને આ સંબંધનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ઈન્દિરા ખૂબ નાની છે.
આ પછી ફિરોઝ અને ઈન્દિરા બંને અભ્યાસ માટે યુરોપ ગયા. ફિરોઝના માસી ડૉ. કોમિશરિયત લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ફિરોઝના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા સંમત થયા, એ વિચારીને કે આ તેને નેહરુ પરિવારથી દૂર રાખશે. કમ સે કમ તેને ઈન્દિરા પ્રત્યેના લગાવમાંથી છૂટકારો મળશે. પણ થયું ઊલટું. આ દરમિયાન લંડનમાં રહેતા બંને એકબીજાની વધુ નજીક આવ્યા હતા.
નેહરુ લગ્નના વિરોધી હતા
જ્યારે ઈન્દિરા ગાંધી ભારત પરત ફર્યા અને ફિરોઝને તેમના પિતા જવાહરલાલ નેહરુ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ નારાજ થઈ ગયા. તે આ લગ્નની સંપૂર્ણ વિરુદ્ધ હતા. નેહરુ પરિવારના અન્ય પુરુષો પણ ઈચ્છતા ન હતા કે આ લગ્ન થાય. તેમ છતાં ઈન્દિરા ગાંધીએ પરિવારની વિરુદ્ધ જઈને ફિરોઝ સાથે લગ્ન કરીને વર્ષો જૂની પરંપરા તોડી હતી. તેથી તેમના પરિવારના ઘણા લોકો ખૂબ જ નારાજ હતા.
આ સમસ્યાનું કારણ એ નહોતું કે ફિરોઝની જાતિ કે ધર્મ અલગ હતો, તેમના કુટુંબમાં જાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતા ક્યારેય અડચણરૂપ થયા નથી. કારણ કે તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ અન્ય ધર્મના લોકો સાથે લગ્ન કર્યા હતા. જવાહરલાલ નેહરુના વિરોધના અન્ય કારણો પણ હતા. જવાહર માનતા હતા કે ફિરોઝની પારિવારિક પૃષ્ઠભૂમિ અને ઉછેર અમારા કરતા સંપૂર્ણપણે અલગ છે. જવાહરલાલનો બીજો વાંધો એ હતો કે થોડા સમય માટે વિદેશમાં રહેવાને કારણે ઈન્દિરાને ભારતમાં અન્ય યુવાનોને મળવા અને સમજવાનો સમય ન મળ્યો. પરંતુ બંનેની લગ્ન કરવાની ઈચ્છા પ્રબળ બની હતી.
કટ્ટરપંથીઓ આ લગ્નની વિરુદ્ધ હતા
તે સમયે દેશની સ્થિતિ અને ઘણા લોકોના વિચારો અને માન્યતાઓને કારણે બંને શાંતિથી લગ્ન કરવાના પક્ષમાં હતા. પરંતુ જ્યારે બહાર આ વાત ફેલાઈ ગઈ ત્યારે વિરોધ શરૂ થયો. કટ્ટરવાદી હિંદુઓ અને પારસીઓ તરફથી આંતર-ધાર્મિક અને આંતર-જાતિ લગ્નો સામે ધમકીભર્યા પત્રો આવવા લાગ્યા.
ગાંધીજીએ લગ્નની સલાહ આપી
જવાહરે ગાંધીજીની સલાહ લીધી. નેહરુ પરિવારમાં ગાંધીજીની સ્થિતિ મોતીલાલના મૃત્યુ પછી પિતા જેવી હતી. તેથી તેમની સલાહ અનુસરી. આ લગ્ન અંગે ગાંધીજીને ધમકીભર્યા પત્રો પણ મળ્યા હતા. તેમણે સલાહ આપી કે લગ્ન મોટા પાયા પર કરવા જોઈએ જેથી લોકો સમજે કે આ લગ્નમાં નહેરુ પરિવાર સંપૂર્ણ રીતે સાથે છે.
આનંદ ભવન ખાતે લગ્ન યોજાયા હતા
લગ્ન માર્ચ 1942માં આનંદ ભવનમાં જ થયા હતા, લગ્ન વૈદિક વિધિ મુજબ થયા હતા. યોગ્ય સમયે અને શુભ સમયે. બંનેએ પંડિતજી દ્વારા બોલવામાં આવેલા પવિત્ર લગ્ન મંત્રો અને વ્રતોનો પાઠ કરતી વખતે સપ્તપદી કરી હતી. ફિરોઝ અને ઇન્દિરાને સાત ફેરા લેવાની પરંપરાગત વિધિ પૂરી કરી. તેમના બે સંતાનો રાજીવ અને સંજય ગાંધીએ પણ તેમના પિતાની અટક ગાંધી હોવાથી તેમણે તેમના નામ સાથે ગાંધી અટક અપનાવી હતી.
ઈન્દિરા અને ફિરોઝ ભારત છોડો આંદોલન દરમિયાન સાથે જેલમાં પણ ગયા હતા. જો કે લગ્ન બાદ બંને વચ્ચે ઘણા ઝઘડા થયા હતા. 1949માં ઈન્દિરાએ તેમના બે બાળકો સાથે તેમના પિતાના ઘરની સંભાળ રાખવા ફિરોઝ ગાંધીને છોડી દીધા હતા. પછીના વર્ષોમાં ફિરોઝ ગાંધીની તબિયત બગડવા લાગી. તે દરમિયાન ઈન્દિરા ગાંધી તેમની સંભાળ લેવા પરત આવ્યા હતા.
ફિરોઝના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવ્યા ?
ફિરોઝ ગાંધીનું 8 સપ્ટેમ્બર, 1960ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. દિલ્હીની ધન વેલિંગ્ટન હોસ્પિટલમાં સવારે અંતિમ શ્વાસ લીધા. આ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવે છે.
જો કે કૃષ્ણા હઠીસિંહે તેમના પુસ્તકમાં લખ્યું છે કે, પારસીઓ કાં તો તેમના મૃતકોને દફનાવે છે અથવા ટાવર ઓફ સાયલન્સમાં રાખે છે. પરંતુ ફિરોઝની અંતિમ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમના પાર્થિવ દેહને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. ત્યાં રાજીવે તેમના પિતાના અંતિમ સંસ્કાર કર્યા. તેમની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
બર્ટિલ ફોકના પુસ્તક ફિરોઝ- ધ ફર્ગોટન ગાંધીમાં પણ લખ્યું છે કે તેમનો મૃતદેહ તીન મૂર્તિ ભવનમાં રાખવામાં આવ્યો હતો. તેમજ તે સમયે ત્યાં તમામ ધાર્મિક ગ્રંથોનું પઠન કરવામાં આવતું હતું જ્યારે અંતિમ સંસ્કાર હિંદુ વિધિ મુજબ કરવામાં આવતા હતા. તે સમયે રાજીવ ગાંધી 16 વર્ષના હતા. તેમણે ફિરોઝ ગાંધીના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.