નથી થઈ શકતી ટ્રેનના પંખાની ચોરી, થઈ પણ જાય તો પણ નહીં રહે ઉપયોગી
ટ્રેનમાં પંખા અને બ્લબની પણ ચોરી થતી હોય છે. પહેલાના સમયમાં ટ્રેનમાંથી પંખાની ચોરી થવી, સામાન્ય ઘટના હતી. પણ હવે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક ટેકનિક અપનાવવામાં આવી છે.

ભારતીય રેલવે એ દેશની જીવાદોરી સમાન છે. ભારતીય રેલ્વેની ટ્રેનોમાં રોજ લાખો ભારતીય યાત્રીઓ મુસાફરી કરે છે. કોઈ ઓફિસ પહોંચવા માટે, કોઈ ઘરે પહોંચવા માટે, કોઈ બીજા શહેરમાં કોલેજ-સ્કૂલ પહોંચવા માટે, કોઈ ધંધા-રોજગાર માટે તો કોઈ પ્રવાસ માટે ભારતીય ટ્રેનોમાં યાત્રા કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય રેલવે યાત્રીઓની સુવિધા, ટ્રેનોની જાળવણી અને રેલવે સ્ટેશનની સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખી રહી છે પણ ઘણા યાત્રીઓ ભારતીય રેલવેની સંપતિઓને ઘણુ નુકશાન પહોંચાડે છે. પાનની પીચકારીને કારણે ભારતીય રેલવેએ સફાઈમાં કરોડો રુપિયાનો ખર્ચો કરવો પડે છે. ભારતીય રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં ઘણી ચોરીઓ પણ થાય છે.
આ ચોરીઓમાં યાત્રીઓના સામાનથી લઈને ભારતીય રેલવેની અનેક સંપતિ પણ ચોરી થાય છે. આ સંપત્તિ દેશના નાગરિકોના ટેસ્કના પૈસાથી જ આવી છે. તેને જ યાત્રીઓ નુકશાન પહોંચાડે છે, ત્યારે આ દિશામાં ખરેખર વિચારવાની જરુર છે. નુકશાનવાળી સંપત્તિનું સમારકામ ન થાય તો લોકો સરકાર પર આરોપ લગાવતા હોય છે પણ ખરેખર તો જે દેશમાં પાણીની પરબ પર પાણીનો ગ્લાસ બાંધીને રાખવો પડતો હોય, તે દેશની સરકારે બદલાવવાની જરુર નથી પણ દેશની જનતા એ વિચાર કરવાની જરુર છે.
આ પંખા ફક્ત ટ્રેનમાં જ ચાલે છે
ટ્રેનમાં પંખા અને બ્લબની પણ ચોરી થતી હોય છે. પહેલાના સમયમાં ટ્રેનમાંથી પંખાની ચોરી થવી, સામાન્ય ઘટના હતી પણ હવે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક ટેકનિક અપનાવવામાં આવી છે. હવે ચોર ટ્રેનમાંથી પંખાની ચોરી નથી કરી શકતો. ચાલો જાણીએ કે કયા કારણથી ટ્રેનના પંખાની ચોરી નથી થતી અને ચોરી થાય તો ઉપયોગમાં કેમ નથી આવી શકતા.
ટ્રેનમાંથી પંખાની ચોરી અટકાવવા ભારતીય રેલવે એ પંખા બનાવવાની ટેકનિક બદલી અને તેની એવી ડિઝાઈન બનાવી જેના કારણે આ પંખા ઘરોમાં ચાલી જ ન શકે. ટ્રેનના પંખા , ટ્રેનના કોચમાં જ સારી રીતે ચાલી શકે છે, જો તેને ત્યાથી કાઢવામાં આવશે તો તે ભંગાર બની જશે.
આ ટેકનિકને કારણે થાય છે આ કામ
ઘરમાં 2 પ્રકારની વીજળીનો ઉપયોગ થાય છે. એક ડાયરેક્ટ કરન્ટ ( DC) અને બીજુ અલ્ટરનેટિવ કરન્ટ (AC). ઘરમાં અલ્ટરનેટિવ કરન્ટના ઉપયોગ માટે વધારેમાં વધારે 220 વોલ્ટની જરુર પડે અને ડાયરેક્ટ કરન્ટના ઉપયોગ માટે 5,12 અને 24 વોલ્ટની જરુર પડે છે. ટ્રેનમાં જે પંખા હોય છે તે ફક્ત ડાયરેક્ટ કરન્ટ પર 110 વોલ્ટ પર જ કામ કરે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા ડાયરેક્ટ કરન્ટના ઉપયોગ માટે 5,12 અને 24 વોલ્ટની વાપરી શકાય છે. જેને કારણે ચોરી કરેલા ટ્રેનના પંખા ઘરમાં ચાલતા નથી. તેથી તેની ચોરી પણ થતી નથી.