IMF બાદ, હવે પાકિસ્તાનને World Bank તરફથી મળી શકે છે મોટી મદદ..! ભારતે કર્યો વિરોધ, કહ્યું, ખોટા કામ..
ભારત સરકાર જૂન 2025 માં પાકિસ્તાનને આપવામાં આવનાર આ રાહત પેકેજ અંગે વિશ્વ બેંક સાથે વાત કરશે. ભારત સરકાર પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવા માટે FATF સાથે પણ વાત કરશે. સરકારનું કહેવું છે કે પાકિસ્તાન આ પૈસાનો દુરુપયોગ કરી શકે છે અને તેને આતંકવાદ પર ખર્ચી શકે છે.

એક તરફ પાકિસ્તાન આતંકવાદને આશ્રય અને પ્રોત્સાહન આપવા સાથે દુનિયાભરના નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી રહી છે. IMF બાદ હવે વિશ્વ બેંક પણ પાકિસ્તાનને મોટી લોન આપવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ, આ લોન પેકેજ IMFના કુલ સહાય પેકેજ કરતાં ત્રણ ગણું વધુ થઈ શકે છે. આવનારા જૂન માસમાં વિશ્વ બેંક પાકિસ્તાન માટે અંદાજે 20 બિલિયન ડોલરની લોન મંજૂર કરી શકે છે.
ભારત સરકાર આ મુદ્દે વિશ્વ બેંક સાથે સંવાદ કરશે. બિઝનેસ ટુડે ટીવીના અહેવાલ અનુસાર, ભારત FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) સાથે પણ વાતચીત કરશે જેથી પાકિસ્તાનને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે. ભારતે આ ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન આ નાણાંનો ઉપયોગ આતંકવાદ માટે કરી શકે છે અને તેનો ઉપયોગ નાણાકીય સુધારાઓ માટે નહીં પરંતુ સંરક્ષણ તથા આતંકવાદી માળખાઓ માટે થશે.
ભારતનું કહેવું છે કે અગાઉની જેમ આ નાણાં હથિયાર ખરીદવા માટે ઉપયોગમાં લેવાય તેવો જોખમ છે. 9 મેના રોજ IMF દ્વારા પાકિસ્તાન માટે એક નવું બેલઆઉટ પેકેજ મંજૂર કરવામાં આવ્યું હતું, જેનો ભારતે વિરોધ કર્યો હતો. ભારતે IMFના એગ્રેજ્યુટિવ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાને જણાવ્યું કે કોઈ પણ દેશને સહાય મેળવવાનો અધિકાર છે, પરંતુ આ સહાય એવી પરિસ્થિતિમાં આપવામાં આવી રહી છે જ્યારે દેશ યુદ્ધસમાન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
IMFના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં પાકિસ્તાનને કુલ 28 વખત લોન આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ લોનમાંથી મોટું પ્રમાણ શસ્ત્રસજ્જતામાં વપરાયું છે, ન કે નાણાકીય સ્થિરતા માટે.
પાકિસ્તાનને હાલ કેટલી લોન મળી?
તાજેતરમાં IMFએ પાકિસ્તાનને અંદાજે 1 બિલિયન ડોલર (લગભગ ₹8,500 કરોડ) ની લોન મંજૂર કરી છે. આ લોન સપ્ટેમ્બર 2024માં મંજૂર કરાયેલા 7 બિલિયન ડોલરના વિસ્તૃત ભંડોળ સુવિધા (Extended Fund Facility – EFF)ના ભાગરૂપે છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનને આ પેકેજ હેઠળ $2.1 બિલિયન મળી ચૂક્યા છે.
IMFએ લોન આપી કેમ?
IMFના પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાને તમામ નક્કી કરેલ ધોરણો પૂર્ણ કર્યા છે તેથી લોન મંજૂર કરવામાં આવી છે. લોનની રકમ સીધી દેશમાં સેન્ટ્રલ બેંકના ખાતામાં જમા થાય છે. જો કે સરકારે જરૂરીયાત મુજબ કેન્દ્રીય બેંક પાસેથી આ રકમમાંથી લોન લઈ શકે છે.
આ સમીક્ષા મૂળ રૂપે 2025ના શરૂઆતમાં થવાની હતી, પરંતુ પાકિસ્તાને તમામ માપદંડો ઝડપથી પૂર્ણ કરવાના કારણે તેને સમયમર્યાદા પહેલા પૂરું કરવામાં આવ્યું.
હવે શું થશે ?
પાકિસ્તાનને આગામી હપ્તા માટે વધુ 11 શરતો માનવી પડશે, જેને લીધે આ બેલઆઉટ પ્રોગ્રામ હેઠળ કુલ શરતોની સંખ્યા 50 થઈ ગઈ છે. IMFએ ચેતવણી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ આ નાણાકીય પેકેજના લક્ષ્યાંકો માટે જોખમ ઉભું કરી શકે છે.
