Chinese Spy Balloon: ચીને માગેલા બલૂનનો કાટમાળ આપવાની અમેરિકાની ઘસીને ના, કહ્યું નહી મળે બલૂનનો કાટમાળ
જાસૂસી બલૂનનો કાટમાળ પરત ન મળવા પર ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, બલૂન અમેરિકાનું નહીં પણ ચીનનું છે. મંત્રાલયે અમેરિકન એમ્બેસી સમક્ષ પણ આકરો વિરોધ નોંધાવ્યો છે. 5 ફેબ્રુઆરીના રોજ યુ.એસ.એ દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે ચીનના બલૂનને તોડી પાડ્યું હતું.

અમેરિકાએ જાસૂસી બલૂનનો કાટમાળ ચીનને પરત કરવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકાએ કહ્યું છે કે તપાસ માટે બલૂનનો કાટમાળ એકઠો કરી રહ્યું છે. તેને ચીનને સોંપવાનો પ્રશ્ન જ નથી. બીજી તરફ, ચીને કહ્યું કે, તે અમેરિકાએ ચીનના એક શંકાસ્પદ બલૂનને નષ્ટ કરવાના મામલે તેના અધિકારો અને હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે. બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર પહેલેથી જ તણાવ છે. બલૂન એપિસોડને પગલે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને આ અઠવાડિયે બેઇજિંગ(ચીન)ની મુલાકાત રદ કરી હતી, જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની આશાના સંકેત તરીકે જોવામાં આવી હતી.
ચીનનો દાવો- બલૂન હવામાનની માહિતી આપતુ હતું
ચીન દાવો કરે છે કે તે હવામાનની જાણકારી માટે વપરાતો તે બલૂન હતો, પરંતુ તે કયા સરકારી વિભાગ અથવા કંપનીનો છે તે કહેવાનો ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે મંગળવારે પુનરોચ્ચાર કર્યો કે માનવરહિત એરશીપ (બલૂન) કોઈ ખતરો નથી અને ભટકીને યુએસ એરસ્પેસમાં પહોચ્યો હતો. માઓએ આ બાબતે વધારાની ટિપ્પણી કરવા બદલ અને શનિવારે દરિયાકિનારે એટલાન્ટિક મહાસાગરમાં બલૂનને તોડી પાડવા બદલ અમેરિકાની નિંદા કરી હતી.
કાટમાળ મેળવવા માટે બેચેન થયું ચીન
ચીન કાટમાળ પાછો મેળવવા માંગે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા માઓએ માત્ર એટલું જ કહ્યું કે બલૂન ચીનનો છે. બલૂન અમેરિકાનું નથી. ચીનની સરકાર તેના કાયદેસરના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે. ચીને શરૂઆતમાં યુ.એસ. એરસ્પેસમાં બલૂનના પ્રવેશ પર સંયમિત પ્રતિસાદ આપ્યો હતો અને કહ્યું હતું કે તે ભટકી ગયુ હતું અને યુએસના એર સ્પેશમાં તેના જવા પર ખેદ વ્યક્ત કર્યો હતો. બાદમાં ચીને અમેરિકા વિશે કડક પ્રતિક્રિયા આપી હતી. બંને દેશો તાઈવાન, વેપાર, ટેક્નોલોજી પ્રતિબંધો અને દક્ષિણ ચીન સાગર પર ચીનના દાવાને લઈને પહેલેથી જ વિવાદમાં છે.
યુએસ એમ્બેસી સામે વિરોધ નોંધાવ્યો
ચીને કહ્યું કે, તેણે બેઇજિંગમાં યુએસ એમ્બેસી સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે, જેમાં વોશિંગ્ટન પર વધારે પ્રતિક્રિયા કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદો અને વ્યવસ્થાની ભાવનાનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. જાપાનથી લઈને કોસ્ટા રિકા સુધી અન્ય દેશોમાં પણ આવા બલૂન જોવા મળ્યા હતા, જે ચીનના હોવાની શંકા છે અથવા પુષ્ટિ છે.
તાઇવાનમાં પણ જોવા મળ્યું રહસ્યમય બલૂન
તાઈવાનના મીડિયા અહેવાલો કહે છે કે છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ વખત આવા રહસ્યમય સફેદ બલૂન જોવા મળ્યા છે. તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે આ બલૂન ચીનના હોવાનું જણાવ્યું નથી. જોકે, અમેરિકામાં ચાઈનીઝ બલૂનની હાજરી બાદ આ વિસ્તારોમાં અગાઉ જોવા મળેલા બલૂનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.