Breaking News: અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે ઐતિહાસિક શાંતિ કરાર થયો છે. કરાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવવા પર સહમત થયું છે. આ સાથે જ તેમણે ઈરાનને મોટી રકમ ચૂકવવાની મીડિયા વાતોને 'ફેક ન્યૂઝ' ગણાવીને ફગાવી દીધી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે થયેલા શાંતિ કરાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયાર ન બનાવવા પર સહમત થઈ ગયું છે. આ સાથે જ તેમણે એવા મીડિયા અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે; અમેરિકા આ ડીલના બદલામાં ઈરાનને 300 મિલિયન ડૉલરની ચુકવણી કરી રહ્યું છે. ટ્રમ્પે આને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા છે.
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે લખ્યું, “ઈરાન ક્યારેય પણ પરમાણુ હથિયાર ન રાખવા પર સહમત થઈ ગયું છે. આ સિવાય, અમેરિકા ઈરાનને 300 મિલિયન ડૉલર આપી રહ્યું છે, તે સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે, જે ડેમોક્રેટ્સ દ્વારા ફેલાવવામાં આવી રહી છે.”

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર
ટ્રમ્પનું આ નિવેદન અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડીમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યાના થોડા કલાકો બાદ આવ્યું છે. રવિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફે ઈલેક્ટ્રોનિક રીતે આ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ કરાર હેઠળ એપ્રિલમાં જાહેર કરવામાં આવેલા યુદ્ધવિરામને આગામી 60 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. જો કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય, તેની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓ અને પ્રતિબંધો હટાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર હજી પણ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે.
300 અબજ ડૉલરનું રિકન્સ્ટ્રક્શન ફંડ
ભલે ટ્રમ્પે 300 મિલિયન ડૉલર આપવાના સમાચારને અફવા ગણાવી હોય પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના જ એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે, આ સોદામાં યુદ્ધથી પ્રભાવિત ઈરાન માટે 300 અબજ ડૉલરનું એક સંભવિત રિકન્સ્ટ્રક્શન (પુનર્નિર્માણ) ફંડ હોઈ શકે છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, આ ફંડ ઈરાનને સીધું નહીં મળે પરંતુ તેને ઈરાનના ‘પ્રદર્શન અને વર્તન’ સાથે જોડવામાં આવશે.
હોર્મુઝને ફરીથી ખોલવા પર બની ‘સહમતિ’
આ શાંતિ કરારની સૌથી મોટી અસર વૈશ્વિક તેલ વ્યાપાર પર જોવા મળશે. ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) થી જહાજોની અવરજવર ફરી શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું, “તેલથી ભરેલા જહાજો હોર્મુઝ સ્ટ્રેટથી બહાર નીકળવા લાગ્યા છે. તેઓ સધર્ન હાઈવે પરથી જઈ રહ્યા છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત છે.”
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ સીએનબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ઈરાન સાથે એવી સહમતિ બની છે કે આ દરિયાઈ માર્ગને લાંબા સમય માટે ‘ટોલ-ફ્રી’ રાખવામાં આવશે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી થોડા અઠવાડિયામાં જહાજોની અવરજવર યુદ્ધ પહેલાના સ્તર પર આવી જશે.
ટોલ ટેક્સને લઈને ઈરાનનું અલગ વલણ
ભલે અમેરિકા આને સંપૂર્ણપણે ફ્રી ગણાવી રહ્યું હોય પરંતુ ઈરાનના વિદેશ મંત્રાલયે સોમવારે થોડું અલગ વલણ અપનાવ્યું. ઈરાનનું કહેવું છે કે, આ કરાર હેઠળ તેમને જહાજો પર કોઈ ‘ટોલ’ લગાવવાની નહીં પરંતુ દરિયાઈ સેવા શુલ્ક (સર્વિસ ચાર્જ) વસૂલવાની મંજૂરી હશે.
આ પ્રારંભિક કરાર બાદ હવે અમેરિકા અને ઈરાન પાસે સમગ્ર મામલાને ઉકેલવા માટે 60 દિવસનો સમય છે. આ સમયસીમાની અંદર બંને દેશો એક પૂર્ણ શાંતિ કરારનો મુસદ્દો તૈયાર કરવાનો પ્રયાસ કરશે. એક અમેરિકી અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, આગામી ટેકનિકલ વાર્તાલાપમાં ‘પરમાણુ ચર્ચા’ને સૌથી ઉપર અને પ્રાથમિકતા પર રાખવામાં આવશે.
