Hijab Controversy: કર્ણાટક હિજાબ વિવાદમાં અમેરિકાની એન્ટ્રી, કહ્યું કે, હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન
ગયા મહિને, કર્ણાટકના ઉડુપીમાં સરકારી પ્રિ-યુનિવર્સિટી મહિલા કોલેજમાં હિજાબ સામે વિરોધ શરૂ થયો. કોલેજની છ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હિજાબ પહેરવા બદલ તેમને ક્લાસમાં પ્રવેશ ન આપવામાં આવ્યો હતો. આ મામલે હવે અમેરિકાની એન્ટ્રી થઇ છે.
કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધને લઈને વિદેશમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. હવે અમેરિકાએ પણ આ વિવાદ પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. ભારતમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની હિજાબ પહેરવાની માંગને લઈને ચાલી રહેલા વિવાદ (Hijab Controversy) વચ્ચે અમેરિકાએ કર્ણાટકની આકરા શબ્દોમાં ટીકા કરી છે. કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં (Educational Institutions) હિજાબને લઈને સર્જાયેલા તણાવ પર અમેરિકાએ કહ્યું કે, સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. કર્ણાટક એ નક્કી ન કરવું જોઈએ કે ધાર્મિક વસ્ત્રોને મંજૂરી આપવી કે નહીં.
અમેરિકી સરકારમાં ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના એમ્બેસેડર રશાદ હુસૈને કહ્યું, ‘ધાર્મિક સ્વતંત્રતામાં લોકોને તેમના ધાર્મિક કપડાં પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. ભારતના કર્ણાટક રાજ્યએ ધાર્મિક વસ્ત્રોને મંજૂરી છે કે નહીં તે નક્કી કરવું જોઈએ નહીં. શાળાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને મહિલાઓ અને છોકરીઓને કલંકિત અને હાંસિયામાં ધકેલી દે છે.
પાકિસ્તાને કરી ખરાબ કમેન્ટ
હુસૈન ધાર્મિક સ્વતંત્રતાની શરતો અને નીતિઓ પર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની જે. બ્લિંકનના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપે છે. તેઓ સમગ્ર વિશ્વમાં ધાર્મિક સ્વતંત્રતાના દુરુપયોગ, સતાવણી અને ભેદભાવ પર દેખરેખ રાખવાના રાજ્ય વિભાગના પ્રયાસોનું નેતૃત્વ કરે છે. આ પહેલા પાકિસ્તાને પણ હિજાબ વિવાદ પર પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. ઈમરાન ખાનની સરકારમાં માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ ભારત અને મોદી સરકાર વિરુદ્ધ ઝેરી ટીપ્પણી કરી હતી. “મોદીના ભારતમાં જે થઈ રહ્યું છે તે ડરામણું છે. અસ્થિર નેતૃત્વ હેઠળ ભારતીય સમાજ ઝડપથી પતન તરફ આગળ વધી રહ્યો છે.
ફવાદ ચૌધરીએ કહ્યું, “અન્ય ડ્રેસની જેમ હિજાબ પહેરવું એ પણ વ્યક્તિગત પસંદગીની બાબત છે. નાગરિકોને સ્વતંત્રપણે પોતાના નિર્ણયો લેવાનો અધિકાર મળવો જોઈએ.” આ સાથે જ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ કહ્યું કે છોકરીઓને હિજાબ પહેરીને શાળાઓમાં પ્રવેશતી અટકાવવી એ ખોટું છે. પાકિસ્તાનના મામલાઓ પર મૌન સેવી રહેલી મલાલાએ હિજાબ વિવાદ પર કહ્યું, ‘હિજાબ પહેરેલી છોકરીઓને સ્કૂલમાં પ્રવેશતી અટકાવવી એ ભયાનક છે. મહિલાઓને ઓછા કે વધુ કપડાં પહેરવા સામે વાંધો ઉઠાવવામાં આવે છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું બંધ કરવું જોઈએ.
કોલેજોમાં ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ
તે જ સમયે, વિવાદની ગંભીરતાને જોતા કર્ણાટક સરકારે રાજ્યની ઉચ્ચ શિક્ષણ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં રજાઓ 16 ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન સીએન અશ્વથ નારાયણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ, જોકે, સમયસર લેવામાં આવશે અને ઑનલાઇન વર્ગો હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. નોંધપાત્ર રીતે, ભારતમાં હિજાબ પરનો સમગ્ર વિવાદ કર્ણાટક રાજ્યમાં શરૂ થયો હતો જ્યારે કેટલીક છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે હિજાબ પહેરવાને કારણે તેમને કૉલેજ અને ક્લાસમાં પ્રવેશવા દેવામાં આવતો નથી.
ગયા મહિને, કર્ણાટકના ઉડુપીમાં સરકારી પ્રિ-યુનિવર્સિટી મહિલા કોલેજમાં હિજાબ સામે વિરોધ શરૂ થયો. કોલેજની છ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હિજાબ પહેરવા બદલ તેમને ક્લાસમાં પ્રવેશ ન આપવામાં આવ્યો હતો. આ પછી, બેલગામના રામાદુર્ગ મહાવિદ્યાલય અને હસન, ચિકમગલુર અને શિવમોગામાં શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ હિજાબ અને કેસરી શાલ પહેરીને સૂત્રોચ્ચાર કર્યા. આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જે બાદ હાઈકોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી શાળા અને કોલેજોમાં હિજાબ કે અન્ય કોઈ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હાઈકોર્ટે વિદ્યાર્થિનીઓને કહ્યું કે જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા કપડા ન પહેરવા જોઈએ.
આ પણ વાંચો : West Bengal: તૃણમૂલ કોંગ્રેસમાં આંતરકલહ ! સીએમ મમતા બેનર્જીએ આજે પાર્ટીના ટોચના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી
આ પણ વાંચો : કામની વાત : ટ્રેનમાં યાત્રા દરમિયાન રેલ્વેનો આ નંબર ચોક્કસ યાદ રાખજો, કોઈ પણ સમસ્યા હશે તો મદદ મળી રહેશે