યુદ્ધમાં પુતિનને વધુ એક ઝટકો, યુક્રેને રશિયાના ટોચના નૌસેના અધિકારીને ઠાર માર્યા, ટોચના જનરલે પણ યુદ્ધમાં ગુમાવ્યો જીવ
યુક્રેને દાવો કર્યો છે કે, તેણે રશિયાના બ્લેક સી ફ્લીટના ડેપ્યુટી કમાન્ડરને ઠાર માર્યા છે. 51 વર્ષીય ફર્સ્ટ રેન્કના કેપ્ટન આન્દ્રે પાલી યુક્રેન સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા પ્રથમ વરિષ્ઠ રશિયન નેવલ ઓફિસર છે.
યુક્રેનની સેનાએ (Ukraine Army) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) સેનાને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે, તેણે રશિયાના બ્લેક સી ફ્લીટના (Black Sea Fleet) ડેપ્યુટી કમાન્ડરને ઠાર માર્યા છે. 51 વર્ષીય ફર્સ્ટ રેન્કના કેપ્ટન આન્દ્રે પાલી યુક્રેન સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા પ્રથમ વરિષ્ઠ રશિયન નેવલ ઓફિસર છે. તે કથિત રીતે યુક્રેનિયન બંદર શહેર મેરીયુપોલમાં રશિયાના દરિયાઈ હુમલાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ દરમિયાન તે યુક્રેનના હુમલામાં માર્યો ગયા હતા. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા ટોચના રશિયન જનરલ મૃત્યુ પામ્યા છે.
ધ સનના અહેવાલ મુજબ રશિયાએ હજુ સુધી સત્તાવાર રીતે તેમના મૃત્યુની વાત સ્વીકારી નથી. પરંતુ વોસ્ટોપોલ નાખીમોવ નેવલ સ્કૂલના તેમના સાથીદાર કોન્સ્ટેન્ટિન ઝરાન્કોએ આની પુષ્ટિ કરી છે. યુક્રેનના અધિકારી એન્ટોન ગેરાશચેન્કોએ પણ દાવો કર્યો હતો કે, કેપ્ટન એન્ડ્રે પાલીનું રવિવારે મૃત્યુ થયું હતું. પરંતુ આ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. પાલીનો જન્મ યુક્રેનની રાજધાની કિવમાં થયો હતો. પરંતુ 1993 માં તેમણે યુક્રેનિયન સૈન્યમાં જોડાવાનો ઇનકાર કર્યો અને તેના બદલે રશિયાના ઉત્તરી ફ્લીટમાં જોડાયા. તેણે અગાઉ રશિયન ન્યુક્લિયર મિસાઈલ ક્રૂઝર ‘પીટર ધ ગ્રેટ’ પર કામ કર્યું હતું. તેઓ સેવાસ્તોપોલ, ક્રિમીઆમાં રશિયન નેવલ એકેડમીના ડેપ્યુટી ચીફ હતા.
રશિયાના લેફ્ટનન્ટ-જનરલ આન્દ્રે મોરદેવીચેવ પણ માર્યા ગયા
રશિયન નૌકાદળના અધિકારીના મૃત્યુના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે યુક્રેને તાજેતરમાં દાવો કર્યો હતો કે, તેણે પાંચમા રશિયન જનરલની પણ હત્યા કરી છે. રશિયાની 8મી સંયુક્ત આર્મ્સ ફોર્સના કમાન્ડર લેફ્ટનન્ટ-જનરલ આન્દ્રે મોરદેવીચેવ ખેરસન શહેર નજીક યુદ્ધમાં માર્યા ગયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેરસન એરપોર્ટ નજીક યુક્રેનિયન મિસાઇલ હુમલામાં આન્દ્રે મોરદેવીચેવ માર્યા ગયા હતા. તે યુદ્ધમાં માર્યા ગયેલા રશિયાના નવીનતમ ટોચના જનરલ છે. તે જ સમયે, 47 વર્ષીય મેજર જનરલ ઓલેગ મિત્યાયેવ પણ બુધવારે માર્યુપોલમાં માર્યા ગયા હતા. આ રીતે, યુદ્ધમાં રશિયાના ટોચના અધિકારીઓના મૃત્યુઆંક વધીને અત્યાર સુધીમાં 13 થઈ ગયો છે.
પેરાટ્રૂપ કમાન્ડર અને જાસૂસ માર્યા ગયા
અગાઉ, રશિયાએ શુક્રવારે 331મી ગાર્ડ્સ પેરાશૂટ એસોલ્ટ રેજિમેન્ટના કર્નલ સર્ગેઈ સુખરેવના મૃત્યુની પુષ્ટિ કરી હતી. હોસ્ટોમેલ નજીક ભીષણ યુદ્ધ દરમિયાન એલિટ પેરાટ્રૂપ કમાન્ડર સુખરેવનું મૃત્યુ થયું. તે જ સમયે, સાઇબિરીયાના ટ્યુમેનના 31 વર્ષીય જીઆરયુ લશ્કરી ગુપ્તચર જાસૂસ કેપ્ટન એલેક્સી ગ્લુશક માર્યુપોલમાં માર્યા ગયા હતા. પરંતુ તેમના મૃત્યુ અંગે વધુ માહિતી આપવામાં આવી ન હતી. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા ટોચના રશિયન સૈનિકો મૃત્યુ પામ્યા છે. આ કારણે હવે રશિયા પર યુદ્ધને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવા માટે દબાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો: બ્રિટાનિયા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, વર્ષ 2024 સુધીમાં કંપનીમાં મહિલાઓનું યોગદાન 50 ટકા હશે
આ પણ વાંચો: અહીં ઇંધણ પાછળનો ખર્ચ ઘટાડવા Four Working Days Formula અપનાવવામાં આવશે, જાણો વિગતવાર