“હું ભારત અને નરેન્દ્ર મોદીની બહુ નજીક છુ, PM મોદી સાથે મારી ખાસ મિત્રતા”- ડોનાલ્ડ ટ્ર્મ્પે બ્રિટનમાં આપ્યુ નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની યાત્રા દરમિયાન ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક મોટુ નિવેદન આપ્યુ છે. ટ્રમ્પે આ દરમિયાન ભારતના રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત પણ કરી. તેમણે ચીનનો પણ ઉલ્લેક કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે રશિયા પાસેથી ભારત સહિત અનેક યુરોપિયન દેશો તેલ ખરીદી રહ્યા છે. તેનો મતલબ એ નથી કે અમે એ તમામની વિરુદ્ધ છીએ.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યા બાદ હાલના દિવસોમાં બ્રિટનની મુલાકાતે છે. આ દરમિયાન ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન મોદીને લઈને એક મોટુ નિવેદન આપતા કહ્યુ કે ભારત અને પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમના સારા સંબંધો છે.
ટ્રમ્પે કહ્યું કે હું ભારત અને મોદીની ખૂબ નજીક છે, અને અમારી વચ્ચે સારી મિત્રતા છે. અમેરિકન રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતનો રશિયા સાથે તેલનો વેપાર ચાલુ છે. હકીકતમાં, ટ્રમ્પે રશિયા સાથેના તેલ વેપારને કારણે જ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે અગાઉ ભારતને રશિયા સાથે વેપાર કરવાથી વારંવાર રોક્યું હતું. ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા પછી, એવું લાગતું હતું કે બંને દેશો વચ્ચે વાતચીત શક્ય બનશે નહીં, પરંતુ ટ્રમ્પના તાજેતરના નિવેદનથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે.
પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
બ્રિટનમાં મીડિયાના એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ભારત સહિત ઘણા યુરોપિયન દેશો રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. આનો અર્થ એ નથી કે અમે બધાની વિરુદ્ધ છીએ. જેમ મેં પહેલા કહ્યું છે અને હજુ પણ કહું છું, હું ભારતની નજીક છું. વધુમાં, પીએમ મોદી મારા ખૂબ સારા મિત્ર છે. મેં તાજેતરમાં તેમની સાથે વાત કરી હતી. મેં તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અમારા સંબંધો સારા છે.
રશિયા સમાધાન કરશે
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની સાથે ઉભા રહીને, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીન પણ અમેરિકા પર ભારે ટેરિફ લાદી રહ્યું છે. “પરંતુ હું અત્યારે કંઈક બીજું કરવામાં વ્યસ્ત છું. અમે જેના માટે લડી રહ્યા છીએ તેઓ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. જો તેલના ભાવ ક્યારેય ઘટશે, તો રશિયા સરળતાથી સમાધાન કરી લેશે.” ટ્રમ્પે કહ્યું કે તેમનો ધ્યેય દેશોને એક રાખવાનો છે.
30 નવેમ્બર પછી ટેરિફ ઘટાડી શકાય છે
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા વેપાર તણાવ સાથે, હવે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. અમેરિકા બહુ જલ્દી ભારત પરથી ટેરિફ હટાવી શકે છે. ગુરુવારે, ભારતના મુખ્ય આર્થિક સલાહકાર, વી. અનંત નાગેશ્વરને કહ્યું કે 30 નવેમ્બર પછી ચોક્કસ આયાત પર લાદવામાં આવેલા ટેરિફ હટાવી લેવામાં આવશે. જો આવું થાય, તો બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત થઈ શકે છે.
