આ દેશની સેનાએ Android પર પ્રતિબંધ મૂક્યો! હવે ફક્ત iPhone ની જ બોલબાલા, હવે આની પાછળનું કારણ શું?
એક દેશની સેનાએ તેના અધિકારીઓને 'એન્ડ્રોઇડ ફોન' ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે બધી સરકારી એક્ટિવિટી ફક્તને ફક્ત આઇફોન પર જ હાથ ધરવામાં આવશે. ટૂંકમાં આઇફોનને એન્ડ્રોઇડ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

ઇઝરાયલી સેના (IDF) એ તેના વરિષ્ઠ અધિકારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે લેફ્ટનન્ટ કર્નલ અને તેનાથી ઉપરના રેન્કના બધા કમાન્ડર ફક્ત iPhones જ વાપરી શકશે. એન્ડ્રોઇડ ફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સેનાનું કહેવું છે કે, એન્ડ્રોઇડ ફોન ‘હેકિંગ’ માટે વધુ ખતરનાક છે. દુશ્મનો સરળતાથી આ ફોન હેક કરી શકે છે અને પર્સનલ માહિતી ચોરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇઝરાયલી સૈનિકોને ‘હની ટ્રેપ’નો શિકાર બનાવવામાં આવ્યા છે. આમાં છોકરીઓના નકલી એકાઉન્ટ્સથી ચેટ શરૂ કરવામાં આવે છે અને પછી ફોનમાં વાયરસ નાખવામાં આવે છે. આના કારણે, સૈનિકોની લોકેશન અને બીજી મહત્વપૂર્ણ માહિતી લીક થઈ જાય છે.
iPhone જ કેમ વાપરવો?
આ સમાચાર સૌપ્રથમ ઇઝરાયલના આર્મી રેડિયો દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, જે જેરુસલેમ પોસ્ટ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે, સૈન્ય આઇફોનને વધુ સુરક્ષિત માને છે કારણ કે તે એક ક્લોઝ સિસ્ટમ છે.
આમાં બહારની એપ્લિકેશનો સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાતી નથી. એપલ દરેક વસ્તુ પર કડક નજર રાખે છે. હવે આનાથી વિપરીત, એન્ડ્રોઇડ ફોન હજારો કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે અને કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી સરળ બની જાય છે. આ જ કારણ છે કે, વાયરસ અને સ્પાયવેરનું જોખમ વધારે છે.
તાજેતરમાં ગૂગલે એક દાવો કર્યો કે, તેનો પિક્સેલ ફોન આઇફોન કરતા વધુ સુરક્ષિત છે. યુએસ સેનાએ પણ પિક્સેલ ફોનને મંજૂરી આપી હતી. ગૂગલે જણાવ્યું હતું કે, તેના ફોનમાં ખાસ ફીચર છે જે સરકારી ઉપયોગ માટે સૌથી યોગ્ય છે. જો કે, ઇઝરાયેલી સૈન્યએ આ દાવાઓને અવગણ્યા અને આઇફોન પસંદ કર્યો.
આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો ન હતો. સેનાએ અગાઉ તેના અધિકારીઓને નકલી મેસેજ અને કોલ્સથી કેવી રીતે બચવું તેની તાલીમ આપી હતી. સૈનિકો સતર્ક રહે તે માટે હિઝબુલ્લાહ જેવા દુશ્મન સંગઠનો દ્વારા હની ટ્રેપનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.
પર્સનલ ફોન તરીકે iPhone વાપરવો કે Android?
નવા નિયમો અનુસાર, એન્ડ્રોઇડ ફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ નથી. અધિકારીઓ એન્ડ્રોઇડ મોબાઈલને તેમના પર્સનલ ફોન તરીકે રાખી શકે છે. જો કે, કોઈપણ લશ્કરી કાર્ય, મીટિંગ્સ અથવા ગુપ્ત ચર્ચાઓ માટે તેમને ફક્ત આઇફોનનો ઉપયોગ કરવો પડશે. લશ્કર દ્વારા પૂરા પાડવામાં આવતા ફોન પણ હવે ફક્ત આઇફોન આધારિત હશે.
છેલ્લા બે વર્ષમાં ગૂગલે એન્ડ્રોઇડને વધુ સુરક્ષિત બનાવ્યું છે. આવતા વર્ષથી બહારની એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવા પરના નિયંત્રણો વધુ કડક બનશે. તેમ છતાંય આઇફોનનું ક્લોઝ ઇકોસિસ્ટમ સૌથી સુરક્ષિત (ખાસ કરીને લશ્કરી અને સરકારી હેતુઓ માટે) માનવામાં આવે છે.
આ નિર્ણય ફક્ત ઇઝરાયલી સૈન્ય પૂરતો મર્યાદિત નથી. વિશ્વભરની બીજી સેનાઓ અને ગુપ્તચર એજન્સીઓ પણ તેના પર નજર રાખી રહી છે. જો કોઈ દેશ ફક્ત તેના ઉચ્ચ અધિકારીઓ માટે આઇફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, તો તે એપલ માટે એક મોટી જીત છે અને ગૂગલ માટે એક આંચકો છે.
