Russia-Ukraine War : યુક્રેન પર હુમલો કરવા મોકલવામાં આવેલ 64 KM લાંબો રશિયન કાફલો એક્ટિવ, કિવ પર 24 થી 96 કલાકમાં હુમલો થઈ શકે છે
ગયા સપ્તાહની શરૂઆતમાં રશિયન લશ્કરી કાફલો કિવની બહાર હાજર હતો. પરંતુ ખોરાક અને ઈંધણના અભાવે તેની આગળ વધવાની ગતિ ધીમી પડી ગઈ હતી.
Russia-Ukraine War: ગયા અઠવાડિયે યુક્રેનની રાજધાની કિવની બહાર એક વિશાળ રશિયન લશ્કરી કાફલો જોવા મળ્યો હતો. અમેરિકી કંપનીના જણાવ્યા અનુસાર, આ વિશાળ રશિયન સૈન્ય કાફલાને હવે અલગ કરવામાં આવ્યો છે, કારણ કે કિવ (Kyiv)પર ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરવામાં આવી રહી છે. MAXAR ટેક્નોલૉજીએ જણાવ્યું હતું કે ગુરુવારે લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો (Satellite images) દર્શાવે છે કે રશિયન લશ્કરી વાહનો, ટેન્કો અને આર્ટિલરી વહન કરતા કાફલાઓની 64 કિમી લાંબી લાઇન હવે તૂટી ગઈ છે.
કંપનીએ જણાવ્યું હતું કે ફોટોગ્રાફ્સમાં દર્શાવવામાં આવ્યું છે કે કિવના ઉત્તર-પશ્ચિમમાં એન્ટોનવ એરપોર્ટ અને તેની આસપાસ બખ્તરબંધ એકમો તૈનાત છે.
MAXARના અહેવાલ મુજબ, લશ્કરી કાફલામાં સામેલ કેટલાક વાહનો જંગલો તરફ આગળ વધી ગયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફોટોગ્રાફ્સ એ પણ દર્શાવે છે કે કાફલાના કેટલાક યૂનિટ લુબ્યાન્કા શહેરની નજીક ઉત્તરમાં પહોંચ્યા છે. અહીં તેણે હોવિત્ઝર આર્ટિલરીને ફાયરિંગ પોઝીશનમાં તૈનાત કરી છે. ગયા અઠવાડિયે એક રશિયન લશ્કરી કાફલો કિવની બહાર હાજર હતો. પરંતુ ખોરાક અને ઈંધણના અભાવે તેની ગતિ ધીમી પડી ગઈ. જોકે, રશિયાના આટલા મોટા સૈન્ય કાફલાને જોઈને એવો ભય હતો કે રશિયા યુક્રેનની રાજધાની પર ઓલઆઉટ હુમલો કરી શકે છે.
કિવ પર 24 થી 96 કલાકમાં હુમલો થઈ શકે છે
કેટલાક વિશ્લેષકોએ આ અઠવાડિયે કહ્યું છે કે રશિયા ધીમે ધીમે લોજિસ્ટિક્સના મુદ્દાઓને પાર કરી રહ્યું છે અને કિવ પર જમીન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. બુધવારે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઑફ વૉર એ જણાવ્યું હતું કે આગામી 24-96 કલાકમાં યુક્રેનની રાજધાની પર હુમલો કરવા માટે રશિયન દળો કિવના પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ બહારના વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કાફલાને ફરીથી તૈનાત કરવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રશિયન સેના કિવના પૂર્વોત્તર કિનારે પહોંચી ગઈ છે. રશિયાએ અહીં હાજર ઈરપિન અને બુચા સહિત અનેક શહેરો પર ભારે બોમ્બમારો કર્યો છે.