Ukraine Crisis: બેલારુસમાં યુક્રેન બોર્ડર પર બંધાયા ટેન્ટ, રશિયન સેનાના 100 વાહનો પણ તૈનાત, સેટેલાઈટ તસવીરોથી થયો ખુલાસો
અમેરિકન વિદેશ મંત્રી બ્લિંકને જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાએ આક્રમણ કરી દીધુ છે. આ માટે હવે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોસ સાથે શાંતિ મંત્રણા કરવાનો હવે કોઈ જ મતલબ નથી.
યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચેનો સરહદ વિવાદ હવે ચરમસીમા પર છે. અમેરિકા દ્વારા હવે રશિયા સાથેની તમામ મુલાકાતો રદ્દ કરવામાં આવી છે. દક્ષિણ બેલારુસ ખાતે હાલમાં 100થી વધુ રશિયન સૈન્ય વાહનો જોવા મળ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલી આ તસવીરોમાં રશિયન વાહનો અને તંબુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલમાં, દક્ષિણ બેલારુસની સરહદ પર 1.5 લાખ રશિયન સૈનિકો તૈનાત છે.
યુક્રેનિયન સૈન્યએ આજે બપોરે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં પૂર્વીય યુક્રેનમાં રશિયા તરફી અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક સૈનિક શહીદ થયો હતો અને છ સૈનિક ઘાયલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને રશિયા 24 તારીખ એટલે કે આવતીકાલે મુલાકાત કરવાના હતા. આ અંગે અમેરિકાએ કહ્યું છે કે તે યુક્રેન પરના આક્રમણને રોકવા અને પરિસ્થિતિને વધુ ખરાબ થતી રોકવા માટે પગલાં ભરશે.
યુક્રેન ખતરામાં છે: અમેરિકા
બ્લિંકને આક્ષેપ કર્યો હતો કે પુતિને યુક્રેન પર આક્રમણ કરવાની અને તેના લોકો પર નિયંત્રણ રાખવા, યુક્રેનની લોકશાહીનો નાશ કરવાની યોજના બનાવી હતી અને આ ઘટના બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ માટે સૌથી મોટો સુરક્ષા ખતરો છે,” તેમણે આગળ કહ્યું કે ‘પુતિન ખુલ્લેઆમ શાંતિના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેણે સમગ્ર યુરોપ અને સમગ્ર વિશ્વમાં દાયકાઓથી શાંતિ જાળવી રાખી છે.’
રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમણે તોળાતા જોખમના સંકેતો વચ્ચે યુક્રેનમાંથી રશિયન રાજદ્વારી કર્મચારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયન રાજદ્વારીઓને ઘણી ધમકીઓ મળી છે અને શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢવામાં આવશે. જો કે, મંત્રાલયે આ સંદર્ભમાં કોઈ વિગતવાર માહિતી આપી નથી.
કેનેડાએ પણ રશિયા વિરુદ્ધ મોકલ્યું સૈન્ય
અમેરિકા ઉપરાંત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે તેઓ પૂર્વ યુરોપમાં સેંકડો સૈનિકો મોકલી રહ્યા છે અને યુક્રેનમાં લશ્કરી આક્રમણના જવાબમાં રશિયા પર નવા પ્રતિબંધો લાદી રહ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે રશિયન આક્રમણનો સામનો કરવા માટે નાટોને મજબૂત કરવા 460 કેનેડિયન સૈનિકો મોકલવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેનેડા તેના સહયોગી દેશો સાથે મળીને રશિયાને આર્થિક રીતે નબળું બનાવવા માટે અનેક પગલાં લઈ રહ્યું છે.
યુક્રેને 1,40,000 સૈનિકોને ‘રિઝર્વ’માં રાખ્યા છે
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રને વીડિયો સંબોધનમાં કહ્યું કે તેમનો આદેશ ફકત અનામત સૈનિકોને લાગુ પડે છે, જે સામાન્ય રીતે કટોકટીના સમયે સક્રિય હોય છે અને ચોક્કસ સમયગાળા માટે સક્રિય રહે છે.
ઝેલેન્સકીએ આગળ કહ્યું કે અત્યારે સંપૂર્ણ સૈન્ય એકત્રીકરણની જરૂર નથી. અમારે યુક્રેનની સેના અને અન્ય સૈન્ય રચનાઓમાં વધારાના સૈનિકો ઉમેરવાની જરૂર છે. યુક્રેનની સશસ્ત્ર દળોમાં લગભગ 2,50,000 સૈનિકો છે અને 1,40,000 સૈનિકોને ‘રિઝર્વ’ રાખવામાં આવ્યા છે.
રશિયા પર અનેક દેશોએ લગાવ્યા પ્રતિબંધ
વ્લાદિમીર પુતિને પૂર્વીય યુક્રેનમાં રશિયા સમર્થિત અલગતાવાદી વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપ્યા બાદ અમેરિકા અને યુરોપિયન યુનિયનએ રશિયા પર પ્રતિબંધો સાથે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
જો બાઈડેને જાહેરાત કરી કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો અમેરિકા રશિયન બેંકો સામે સખત નાણાકીય પ્રતિબંધો લાદશે. બાઈડેને ગઈકાલે વ્હાઈટ હાઉસથી જણાવ્યું કે જો રશિયા યુક્રેન પર મોટો હુમલો કરે છે તો તે અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોની શરૂઆત માત્ર હશે.
જર્મની પણ રશિયા સામે ઊભું
જર્મનીના વિદેશ પ્રધાન એનાલેના બર્બોકે G-7 રાષ્ટ્રોની બેઠકની અધ્યક્ષતા સાંભળી હતી, જેમાં પ્રધાનોએ પૂર્વ યુક્રેનમાં “ડોનેટ્સક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક”ની સ્વતંત્રતા અને ત્યાં રશિયન સૈનિકોની તૈનાતીને માન્યતા આપવાના રશિયાના નિર્ણયની ચર્ચા કરી હતી.
આ G-7 બેઠકમાં યુરોપિયન યુનિયનની સાથે સાથે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા પણ સામેલ થયા હતા. જર્મનીના વિદેશ મંત્રાલયે ગઈકાલે રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, G-7 દેશોના વિદેશ મંત્રીઓ રશિયાની કાર્યવાહીના જવાબમાં નિવારક પગલાં લેવા સંમત થયા છે.
જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પૂર્વીય યુક્રેનના અલગતાવાદી વિસ્તારોમાં સૈનિકો તૈનાત કરવાના આદેશ છતાં જર્મની યુક્રેનને શસ્ત્રોની નિકાસ કરશે નહીં.
આ પણ વાંચો – Cobra Warrior: ભારતીય વાયુસેના UK માં બતાવશે પોતાની તાકાત, આ ફાઇટર એરક્રાફ્ટ કવાયતમાં લેશે ભાગ
આ પણ વાંચો – Russia Ukraine Conflict: રશિયા સાથે વધતા વિવાદ વચ્ચે યુક્રેને દેશભરમાં લાગુ કરી ઈમરજન્સી